Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 07:42:34 AM IST
 

આજે મધરાતથી રાજ્યનાં છબીઘરોમાં ‘એડલ્ટ’ ફિલ્મો દર્શાવવાની શરતી છૂટ

Apr 01, 2012 Ahmedabad > Ahmedabad City
 
Tags:   Gujarat Adult Film BJP Congress Police Midnight comment     E-Mail     Print    
 
Viewed: 11014
Rate: 4.0
Rating:
Bookmark The Article

ગાંધીનગર, તા.૩૧

ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગે આજે એક પરિપત્ર જારી કરીને રાજ્યનાં તમામ છબીઘરોમાં રાતના ૧૨થી સવારના ૪ વાગ્યા સુધી ઈન્ટરનેશનલ ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા પ્રમાણિત એડલ્ટ’ ફિલ્મો દર્શાવવાની છૂટ જાહેર કરી છે. ગઈકાલે ગુજરાત વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગે આજે આ પરિપત્ર રાજ્યના તમામ કલેક્ટરો તથા જિલ્લા પોલીસ વડાઓને મોકલી આપ્યો છે. ચાર મેટ્રો શહેરોમાં આ પરિપત્ર પોલીસ કમિશનરને મોકલી આપી છબીઘરોને જરૂરી મંજૂરી આપવા સૂચના આપી છે.

  • પોલીસ અને કલેક્ટરની પરવાનગી બાદ રાતના ૧૨ વાગ્યા પછી છબીઘરો ફિલ્મનું સ્ક્રીનિંગ કરી શકશે : ૨૦ વર્ષથી નીચેની વયના પ્રેક્ષકને પ્રવેશ નહીં

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને મળવા નાગપુર ગયા છે ત્યારે ગુજરાત સરકારના આ પરિપત્રથી ખુદ ભાજપના જ કેટલાક મંત્રીઓને આશ્ચર્ય થયું છે. રાજ્યનાં છબીઘરોમાં મધરાત પછી બ્લ્યૂ ફિલ્મો દર્શાવવાની છૂટ જાહેર કરાતાં રાજ્યનાં રેવન્યુ મંત્રી આનંદીબેન પટેલ સખત ગુસ્સામાં છે. આ આદેશ કોની સૂચનાથી જાહેર કરાયો તે અંગે મુખ્યમંત્રીનું કાર્યાલય પણ મૌન સેવી રહ્યું છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજ્યનાં તમામ મલ્ટિપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીન થિયેટરો આજ રાતથી પ્રમાણિત એડલ્ટ ફિલ્મો દર્શાવી શકશે, અલબત્ત તે માટે તેમણે પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની પરવાનગી લેવાની રહેશે. છબીઘરના સંચાલકો જિલ્લા કલેક્ચર તથા ડીએસપી કે પોલીસ કમિશનરને અરજી કરી આ પરવાનગી લઈ શકશે. પરવાનગી વગર એડલ્ટ ફિલ્મો દર્શાવનાર છબીઘરોનાં લાઈસન્સ રદ થશે અથવા તો સંચાલકને છ મહિના સુધીની કેદ પણ થઈ શકશે.

રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર તમામ શહેરોના તથા ગ્રામ વિસ્તારોનાં પરવાનેદાર મલ્ટિપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીન છબીઘરો રાત્રે ૧૨ વાગ્યા બાદ જ એક્સ રેટેડ એડલ્ટ ફિલ્મો દર્શાવી શકશે. સવારના ચાર વાગ્યા સુધી તે ગમે તેટલા શો ચલાવી શકશે. આ ફિલ્મ જોવા માગતા પ્રેક્ષકોની વય ૨૦ વર્ષથી ઉપરની હોવી જોઈએ.૨૦ વર્ષથી ઓછી વયના કિશોર-કિશોરીઓને પ્રવેશ આપનાર છબીઘરોના મેનેજરોને છ મહિનાની કેદ થશે. પ્રવેશદ્વારમાં પ્રવેશ મેળવનાર ટિકિટ ધારકે વાહન ચલાવવાનું લાઈસન્સ અથવા ઉંમરનો દાખલો રજૂ કરતું આઈ.ડી. દર્શાવવાનું રહેશે.

શહેરનાં કેટલાંક મલ્ટિપ્લેક્સ થિયેટરોએ સેટેલાઈટ લિંક દ્વારા આ ફિલ્મ લોસ એન્જલસની પેરેમાઉન્ટ ઈન્ટરનેશનલ’ કંપની પાસેથી ફિલ્મ પ્રાપ્ત કરીને ડિજિટલ ટેક્નોલોજી દ્વારા આજ રાતના ૧૨ વાગ્યાથી એડલ્ટ ફિલ્મો દર્શાવવાનું આયોજન કર્યું છે. જ્યારે કેટલાંક મલ્ટિપ્લેક્સ થિયેટર ગુજરાતની પ્રજાની સંસ્કારિતાના હિતમાં આવી અશ્લીલ ફિલ્મો દર્શાવવાથી દૂર રહેવા માગે છે. જે છબીઘરોએ આવી એડલ્ટ ફિલ્મ દર્શાવવાના સેટેલાઈટ હક પ્રાપ્ત કર્યા છે તે થિયેટરો પર મિડનાઈટ એડલ્ટ ફિલ્મો માટેનું ટિકિટ બુકિંગ આજ સવારથી શરૂ થશે. ગામડાંનાં કેટલાંક થિયેટરો મુંબઈથી પ્રાપ્ત થયેલી રેગ્યુલર પ્રિન્ટો દ્વારા આવી એડલ્ટ ફિલ્મો જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની પરવાનગી બાદ દર્શાવી શકશે.

સામાન્ય રીતે નોર્વે, સ્વિડન, ડેન્માર્ક અને નેધરલેન્ડમાં પોર્ન ફિલ્મોનું નિર્માણ થાય છે. યુરોપનાં તમામ દેશોમાં તથા અમેરિકાનાં કેટલાંક રાજ્યોનાં થિયેટરમાં કાયદેસર રીતે એડલ્ટ ફિલ્મો દર્શાવવાની છૂટ છે. રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા જે રીતે દારૂબંધીની નીતિ હળવી કરી કેટલાક ઝોનમાં જૂથ પરવાનગી અને એરપોર્ટ પરથી જ પરમીટ આપવામાં આવે છે તે જ રીતે વિદેશી સહેલાણીઓને આકર્ષી ગુજરાતને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું હબ બનાવવાના હેતુથી વૈશ્વિક ઉદારીકરણની ગ્લોબલ પોલિસી હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. હોંગકોંગ, બેંગકોક કે શાંઘાઈ જેવાં શહેરોમાં છબીઘરોમાં ચોવીસે કલાક પોર્ન ફિલ્મો દર્શાવવાની છૂટ છે જ, પરંતુ ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી પોર્ન ફિલ્મો મધરાતથી પરોઢ સુધી જ દર્શાવવાની છૂટ આપવામાં આવી છે. રાતના ૧૨ વાગ્યા પછી જે થિયેટરો આજ મધરાતથી એડલ્ટ ફિલ્મો દર્શાવશે તેની ટિકિટના દર શહેરોમાં રૂ. ૧૦૦ અને ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. ૫૦થી વધુ નહીં રાખવા સૂચના આપવામાં આવી છે. આવી ટિકિટની ૫૦ ટકા રકમ રાજ્ય સરકાર મનોરંજન વેરા તરીકે છબીઘરો પાસેથી વસૂલ કરશે અને એ રીતે રાજ્ય સરકારની વર્ષે દહાડે રૂ. ૧૦ હજાર કરોડની આવક થશે તેવા અંદાજ છે.” રાજ્ય સરકારના પ્રવકતા જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, “આ રકમ ગરીબ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચાશે.”

રાજ્ય સરકારના આ નિર્ણયનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે. કેટલાક ગાંધીવાદી આગેવાનો, શિક્ષણશાસ્ત્રીઓ અને સાહિત્યકારો કાલથી ગાંધી આશ્રમ ખાતે ધરણાં યોજશે. બીજી બાજુ ગુજરાતમાં આવેલી કેટલીક મલ્ટિનેશનલ કંપનીઓ તથા ગુજરાતના મોદી સમર્થક ઉદ્યોગપતિઓ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. દેશ અને વિદેશના વધુ સહેલાણીઓ ગુજરાત આવશે તેથી શહેરોની હોટેલો પણ ધમધોકાર ચાલશે તેવી માન્યતાથી હોટેલોના માલિકોએ પણ આ નિર્ણયને આવકાર્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ એવો આક્ષેપ કર્યો છે કે, “ગુજરાતના કેટલાંક મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં ભાજપાના કેટલાક આગેવાનોની ભાગીદારી છે. હવે મલ્ટિપ્લેક્સ થિયેટરો ચાલતા ના હોઈ રાજ્ય સરકારની એ વગદાર લોબીએ તેમના થિયેટરોને બચાવવા ગુજરાતમાં બ્લ્યૂ ફિલ્મ દર્શાવવાની છૂટ આપી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, “ભાજપાની સરકાર આવી ફિલ્મો દર્શાવવાની છૂટ આપીને તેનો અસલી ચહેરો પ્રગટ કરી રહી છે. આ લોકો ગુજરાતની અસ્મિતાના રક્ષક નહીં, પણ ભક્ષક છે.

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “રાજ્યનાં છબીઘરોમાં બ્લ્યૂ ફિલ્મો દર્શાવવાની છૂટ આપતો નિર્ણય રાજ્ય સરકારનો મૃત્યુઘંટ વગાડી દેશે. ગુજરાતને વર્લ્ડક્લાસ સ્ટેટ બનાવવાના નામે ગુજરાતની યુવા પેઢીને આકર્ષવા માટે તેમને પોર્ન ફિલ્મોના નશામાં ડૂબાડી દેવાની આ ચૂંટણીલક્ષી ચાલ છે. આ નિર્ણયને ન્યાયની અદાલતમાં પડકારવામાં આવશે.

ભાજપના પ્રવકતા વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, “અમે તો કોંગ્રેસવાળા જે ખાનગીમાં કરતા હતા તે કામ તેઓ થિયેટરમાં કાયદેસર રીતે કરી શકે તે માટે એડલ્ટ ફિલ્મોના પ્રદર્શનને કાનૂની સ્વરૂપ આપી રહ્યા છે. રાજસ્થાનમાં ભંવરીદેવીને ફસાવનાર આગેવાનો કોંગ્રેસના જ એક મંત્રી અને એક ધારાસભ્ય હતા. તે જ રીતે ૮૦ વર્ષ વટાવી ગયેલા કોંગ્રેસના એન. ડી. તિવારી પણ એક યુવાનના ગેરકાયદેસર પિતા હોવાના આક્ષેપનો સામનો કરી રહ્યા છે. તેથી આ છૂટછાટ કોંગ્રેસીઓના જ હિતમાં છે. ઘણા કોંગ્રેસીઓએ અમને ખાનગીમાં અભિનંદન આપ્યાં છે. ગુજરાતને જાપાન અને ગુજરાતનાં શહેરોને શાંઘાઈ, બેંગકોક અને હોંગકોંગ બનાવવાની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કવાયતને તેઓ રોકી શકશે નહીં.

શહેરના કેટલાક થિયેટરોએ લોસ એન્જલસની કંપની પાસેથી આજ મધરાતથી પ્રર્દિશત થનારી જે એડલ્ટ ફિલ્મના હકો મેળવ્યા છે તે એડલ્ટ ફિલ્મનું નામ ડર્ટી બેડરૂમ્સ’ છે. આ ફિલ્મની મુખ્ય હિરોઈન નાતાલી વુડ છે, જેને શ્રેષ્ઠ પોર્ન અભિનેત્રીનો એવોર્ડ મળેલો છે. આ ફિલ્મે અમેરિકામાં રજૂ થયાના પહેલા જ અઠવાડિયામાં ૧૦૦ મિલિયન ડોલરનો ધંધો કર્યો હતો. અમદાવાદના કેટલાક થિયેટરો આજ સવારના ૯ વાગ્યાથી એડવાન્સ બુકિંગ શરૂ કરનાર હોઈ થિયેટરોના સંચાલકોએ પોલીસ બંદોબસ્ત પણ માગ્યો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com