ભાવનગરતા.૩૧
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સુચના અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૫ના ગુજકેટની પરીક્ષા લેવામા આવશે. ગુજકેટની પરીક્ષામા ચોરીના દુષણોને નાથવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમને પોલીસની સીધી દેખરેખ હેઠળ મુકવામાં આવશે.
- વિડીયોગ્રાફી કરીને પરીક્ષાસ્થળ અને ખંડ પર શિક્ષણ વિભાગ દેખરેખ રાખશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સુચના અનુસાર પ્રતિવર્ષ ગુજકેટની પરીક્ષા લેવામા આવતી હોય છે.ભાવનગરમા આગામી તા.૫ના ગુજકેટની પરીક્ષા લેવામા આવશે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાનારી ગુજકેટની પરીક્ષા અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લાના મળીને ૩૯૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.દરમિયાન વિદ્યાર્થીઓ વિશ્વાસપુર્વક પરીક્ષા આપી શકે તે માટે ભાવનગરના તમામ પરીક્ષા કેન્દ્ર પર સી.સી.ટીવી કેમેરા મુકવામાં આવશે.જે પરીક્ષા કેન્દ્ર પર સી.સી. ટીવી કેમેરાની સુવિધા નથી તેવા પરીક્ષાકેન્દ્ર પર વિડીયોગ્રાફી કરીને પરીક્ષાસ્થળ અને ખંડ પર શિક્ષણ વિભાગ દેખરેખ રાખશે.પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી અને કર્મચારીઓને બોર્ડનું ઓળખપત્ર પણ આપવામાં આવશે.
કન્ટ્રોલરૂમ કાર્યરત બનશે
ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આગામી તા.૩ના મંગળવારના જિલ્લાકક્ષાનો કન્ટ્રોલ રૂમ કાર્યરત બનશે. આ કન્ટ્રોલ રૂમ સવારના ૭/૦૦ થી રાત્રિના ૯/૦૦ કલાક સુધી કાર્યરત રહેશે.આ કન્ટ્રોલ રૂમનો ફોન નંબર ૦૨૭૮- ૨૪૨૬૬૨૯ છે. પરીક્ષાર્થીઓ, વાલીઓ પોતાને મુંઝવતા પ્રશ્નો કન્ટ્રોલ રૂમમા પુછીને માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે.