નવસારી, તા. ૩૧
શહેરને હચમચાવી નાંખનાર ધૃતિ અપમૃત્યુ પ્રકરણમાં પોલીસ પટેલ પરિવારના વધુ રિમાન્ડ મેળવવામાં નિષ્ફળ રહેતાં પટેલ પરિવારના તમામ સભ્યોને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. એક તરફ ગઈ કાલે પોલીસે કહ્યું હતું કે કેસની ઊંડાણપૂર્વક તપાસ કરાશે. જોકે, શનિવારે કોર્ટે પોલીસની પટેલ પરિવારના ત્રણેય સભ્યોની વધુ રિમાન્ડની માગણી ફગાવી દીધી હતી અને ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. રિમાન્ડ બાબતે થયેલી દલીલમાં કોર્ટે એવું માન્યું હતું કે પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં આરોપીઓની હાજરીની જરૂર જણાતી નથી. જેથી પોલીસે હવે આ કેસમાં પુરાવાઓ શોધવા કડી મહેનત કરવી પડશે તેવું લાગી રહ્યું છે.
- પોલીસે આરોપીઓ સહકાર આપતા નથી એ કારણ રજૂ કર્યું
- હવે તપાસમાં આરોપીની જરૂર નથી એવું કોર્ટે માન્યું
ચોક્સી પરિવારની વહાલસોયી પુત્રી ધૃતિનું ગઈ તા. ૨૪મીની રાત્રે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. તેનાં સાસરિયાં પટેલ પરિવારની કેફિયત મુજબ તેમની પુત્રવધૂ ધૃતિએ બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું હતું. સમગ્ર પ્રકરણમાં ધૃતિના પિયર પક્ષના સભ્યોએ ધૃતિની તેનાં સાસરિયાંઓ દ્વારા જ હત્યા કરાઈ હોવાના આક્ષેપો થયા હતા. આ મામલે ખાસ્સો હોબાળો પણ થયો હતો. દબાણમાં આવેલી પોલીસે ધૃતિના પતિ દિવ્યેશ, જેઠ હિરલ, સસરા ગોરધનભાઈ, જેઠાણી કૃતિ અને સાસુ નીરૂબેન વિરૂદ્ધ હત્યા, આત્મહત્યાની દુષ્પ્રેરણા, પુરાવાઓના નાશ, વગેરે ભારતીય સંવિધાન મુજબના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી. બે દિવસ પહેલાં પાંચેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને તેઓના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતાં.
જોકે. કોર્ટે બંને મહિલા સભ્યો કૃતિ અને નીરૂબેનને રિમાન્ડ નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા હુકમ કર્યો હતો. જ્યારે દિવ્યેશ, હિરલ અને ગોરધનભાઈના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. શનિવારે ત્રણેયના રિમાન્ડ પૂરા થતાં પોલીસે વધુ રિમાન્ડની માગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. દરમિયાન પોલીસે આરોપીઓની પૂછપરછ કરવાની બાકી હોવાનું અને આરોપીઓ સહકાર આપતા ન હોવાનું કારણ રજૂ કર્યું હતું. જોકે, આરોપી પોલીસ પૂછપરછ એટલે કે રિમાન્ડ માટેના જે કારણો રજૂ કરી રહી છે અને જે તપાસ બાકી બતાવી રહી છે તેમાં આરોપીઓની હાજરીની જરૂરિયાત જણાતી નથી એવી દલીલ કરાઇ હતી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ત્રણેય આરોપીઓના રિમાન્ડની માગણી નામંજૂર કરી તેઓને કોર્ટ કસ્ટડીમાં સોંપવાનો હુકમ કર્યો હતો.
દરમિયાન જલાલપોર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. આર. ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસ સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરી રહી છે. પ્રકરણના ઘણાં પાસાંઓ હજી તપાસવાના બાકી છે. ગઈ કાલે અને આજે પટેલ પરિવારના ઘરેથી દાગીનાઓ રિકવર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કામવાળીનાં નિવેદનો પણ નોંધવામાં આવ્યાં છે. દિવ્યેશના વ્યાભિચારી સંબંધો વિશે પોલીસ હજી સુધી કોઈ વિગતો મેળવી શકી નથી. જે બાબતે પોલીસનું કહેવું છે કે આરોપીઓ પોલીસને સહકાર આપતા નથી. જોકે, આ પ્રકરણમાં તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે એટલે હવે આ કેસ પણ પૂર્ણવિરામ તરફ આગળ વધી રહ્યો છે એવી ચર્ચા શરૂ થઈ છે. બે દિવસના રિમાન્ડમાં આરોપીઓ પાસેથી કોઈ મહત્ત્વની વિગતો ન મેળવી શકનારી પોલીસ હવે શું કરી શકવાની છે તેવી વાત લોકો ચર્ચી રહ્યા છે.
લોહીના ડાઘાવાળી પટેલ પરિવારની કાર જપ્ત કરાઇ
નવસારી, તા. ૩૧
ધૃતિ અપમૃત્યુ કેસનો ગૂંચવાયેલો કોયડો ઉકેલવા માટે પોલીસ મથી રહી છે. એવામાં કેસમાં સંકળાયેલી પટેલ પરિવારની કારની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ધૃતિ અપમૃત્યુ પ્રકરણમાં પટેલ પરિવારની એક કાર જપ્ત કરી છે. પટેલ પરિવારની તે કારમાં લોહીના ડાઘા મળી આવ્યા છે. ધૃતિને આ કારમાં ઘરેથી પારસી હોસ્પિટલ ખસેડાઈ હતી. જેથી પોલીસ તપાસમાં આ મહત્ત્વની કડી સાબિત થઈ શકે તેમ છે. વધુમાં, કારની સઘન તપાસ થઇ શકે અને તેમાંથી કોઇ પુરાવો મળી શકે એ આશા સાથે પોલીસે કાર સંદર્ભે ફોરેન્સિક નિષ્ણાતની મદદ લેવાનું નક્કી કર્યું છે.
- ધૃતિને ઘરેથી પારસી હોસ્પિટલ કારમાં લઇ જવાઇ હતી
- લાશ પર લોહીના ડાઘા ન હતા તો પછી કારમાં ડાઘા કોના?
ધૃતિ અપમૃત્યુ પ્રકરણમાં પોલીસે ધૃતિના સાસરિયા એવા પટેલ પરિવાર વિરૂદ્ધ હત્યા તથા આત્મહત્યાની દુષ્પ્રેરણા જેવા ગુના નોંધી તપાસ હાથ ધરી છે. કેસમાં પોલીસે પટેલ પરિવારની ફોક્સ વેગન વેન્ટો કાર કબજે કરી છે. જલાલપોર પોલીસ મથકના ઈન્સ્પેક્ટર ચાવડાના જણાવ્યા મુજબ પોલીસે પટેલ પરિવારની ફોક્સ વેગન વેન્ટો કાર નં. જીજે ૨૧ એએ ૫૯૦૯ કબ્જે કરી છે. તપાસમાં એવું માલૂમ પડયું છે કે આ કારની પાછળની જમણી તરફની સીટ પરથી લોહીના ડાઘ મળી આવ્યા છે. આ લોહીના ડાઘ ધૃતિના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કારનો ઉપયોગ ઘટનાના સમયે ધૃતિને ઘરેથી પારસી હોસ્પિટલ લઈ જવા માટે કરાયો હતો. આ કડી મહત્ત્વની એટલા માટે બની રહેશે કે ધૃતિના અપમૃત્યુ સમયે કે પોસ્ટમોર્ટમ સમયે લોહીના ડાઘ ક્યાંય પણ જોવા મળ્યા ન હતા. પટેલ પરિવારે બાથરૂમમાંથી લોહીના ડાઘા સાફ કરી નાંખ્યા હતા. જેથી જો આ લોહીના ડાઘા ધૃતિના નીકળે તો તે મહત્ત્વના સાબિત થઈ શકે તેમ છે. જોકે, કાર સંદર્ભે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવ્યા હોવાનું અને તેમના અભિપ્રાય પછી આગળ તપાસ કરાશે એવું જાણવા મળ્યું છે.
પોલીસતપાસ હજુ પણ દિશાવિહીન
ધૃતિ અપમૃત્યુ પ્રકરણમાં તપાસ હજી પણ દિશાવિહીન હોવાનું પોલીસે આજે કબૂલ્યું હતું. ચકચારી કેસમાં હજુ પણ પોલીસ માત્ર ઉપરછલ્લી તપાસથી જ સંતોષ વ્યક્ત કરી રહી છે બે દિવસના રિમાન્ડ પૂરા થતાં જ્યારે પોલીસને પૂછાયું કે પોલીસ કઈ દિશામાં આગળ વધી રહી છે ત્યારે પોલીસે કહ્યંુ હતું કે હજી તપાસ ચાલુ છે. પોલીસ ઈન્સ્પેક્ટર એમ. આર. ચાવડાને રિમાન્ડ મેળવ્યા બાદ પૂછપરછ કરી છે તો કોઈ મહત્ત્વની કડી હાથ લાગી છે કે કેમ તેમ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પોલીસ હજી તપાસ કરી રહી છે અને કોઈ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચી નથી. આ પ્રકરણમાં તપાસની કોઈ ચોક્કસ દિશા નક્કી થઈ છે કે કેમ, તે અંગેના જવાબમાં પણ તેમણે એવું જ કહ્યું હતું કે હજી કોઈ ચોક્કસ દિશા હાથ લાગી નથી.
શિરડી જવા બાબતે રવિવારે ધૃતિ-દિવ્યેશ ઝઘડયાં હતાં
ધૃતિ અપમૃત્યુ પ્રકરણમાં પોલીસે આજે પટેલ પરિવારની કામવાળીની સઘન પૂછપરછ કરી છે. જેમાં શિરડી જવાના મુદ્દે દિવ્યેશ અને ધૃતિ વચ્ચે ઝઘડો થયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસ ધૃતિ અને દિવ્યેશ સાથે સંકળાયેલા લોકોની પૂછતાછ કરી રહી છે ત્યારે કામવાળીની કરાયેલી પૂછપરછ દરમિયાન શિરડીની વાત બહાર આવી હતી. કામવાળીનાં નિવેદન મુજબ શિરડી જવા બાબતે ધૃતિ સાથે દિવ્યેશનો ઝઘડો થયો હતો. જોકે, પોલીસે અત્યંત ગુપ્ત રીતે આ મુદ્દે વધુ કોઈ માહિતી આપવા ઈનકાર કર્યો હતો. પોલીસે ગઈ કાલે જ કહ્યું હતું કે, ધૃતિના અપમૃત્યુ પ્રકરણમાં પટેલ પરિવારે બાથરૂમમાંથી લોહીના ડાઘા સાફ કરવાથી લઈને તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે. ધૃતિએ પોતાના ઘરના બાથરૂમમાં આપઘાત કર્યો હતો તેવી વાત પટેલ પરિવારે કહી હતી. જોકે, શનિવારે સવારથી જ પટેલ પરિવારની કામવાળીનાં નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. ધૃતિના અપમૃત્યુના આગળના છેલ્લા દિવસો દરમ્યાન પટેલ પરિવાર દિવ્યેશ સાથે કયા પ્રકારનું વર્તન કરતો હતો, ધૃતિ કઈ અવસ્થામાં હતી, ઝઘડો કયા કારણોસર થતો હતો, ધૃતિએ જ્યારે આપઘાત કર્યો ત્યારે તે ઘટના કયા પ્રકારની હતી, તેવા મહત્ત્વના પ્રશ્નો બાબતે કામવાળીનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં. આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર એમ. આર. ચાવડાએ કહ્યું હતું કે શિરડી જવા બાબતે ધૃતિને દિવ્યેશ સાથે ઝઘડો થયો હતો, તેવી ઘણી વિગતો મળી છે પરંતુ હાલ બધુ તપાસમાં છે.