જામનગર઼/ભાટીયા તા.૩૧
જામનગર જિલ્લાના દ્વારકામાં આગામી તા.૩થી યોજાનાર આસારામનાં સત્સંગ કાર્યક્રમ અંગે જામનગર જિલ્લામાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા તા.ર સોમવારના રોજ જામનગરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાટીયામાં કાર્યક્રમના પ્રચાર માટે વગર મંજૂરીએ દોડતા ત્રણ વાહનોને પોલીસે અટકાવ્યા હતા.
દ્વારકામાં આગામી તા.૩ થી ૬ સુધી આસારામનાં સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આસારામનાં કાર્યક્રમ સામે જામનગર જિલ્લામાં વિરોધ વંટોળ ઉભો થયો છે.
- સમગ્ર જિલ્લામાં રોષ ભાટીયામાં વગર મંજૂરીએ ફરતા ત્રણ વાહનો અટકાવાયા
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આસામામ બાપુના કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અમદાવાદમાં આસારામનાં આશ્રમમાં મુળ જોડીયાના દિપેશ અને અભિષેકના મૃત્યુ તાંત્રીક વિધી માટે થયા હતા તેવો પણ તેમણે આક્ષેપ કર્યો છે.
સમગ્ર સમાજને ન્યાય મળે અને જાગૃતિ કેળવાય તે હેતુથી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા તા.ર સોમવારના રોજ જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાગુજરાત જનતા પાર્ટીએ પણ આસારામનાં કાર્યક્રમનો વિરોધ કર્યો છે. મજપાની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રનો પ્રજાપતિ સમાજ નાના ભુલકાઓના મૃત્યુને ભુલો શકયો નથી.
જયાં સુધી આ કેસમાં આરોપીઓને સજા નહીં થાય ત્યાં સુધી મજપા વિરોધ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે. બીજી તરફ ભાટીયામાં પ્રજાપતિ સમાજની વાડીમાં જિલ્લાભરના પ્રજાપતિ સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં આસારામના કાર્યક્રમ સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પ્રમુખ ખીમજીભાઈ ગોહિલ, શહેર પ્રમુખ અશોકભાઈ રાવલ, સુરેશભાઈ સોલંકી, પરસોતમભાઈ ટાંક ઉપસ્થિત રહયા હતા.
ભાટીયામાં આસારામનાં કાર્યક્રમના પ્રચાર માટે ફરતા ત્રણ વાહનોને લોકોએ અટકાવ્યા હતા અને લાઉડ સ્પીકર વગાડવા માટેની મંજુરી મેળવવામાં આવી છે કે નહીં તે અંગે પુછતા મંજુરી મેળવવામાં આવી નહીં હોવાનું બહાર આવતા લોકોએ ત્રણેય વાહનોને પોલીસને સોંપ્યા હતા. પરંતુ પોલીસે કોઈ કેસ ન કરી વાહનોને છોડી મુકતા લોકોમાં રોધ ફેલાયો હતો.