અમદાવાદ, તા. ૩૧
સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરોની હડતાળનો આજે જુનિયર ડોકટરોએ પણ ટેકો જાહેર કર્યો હતો પરિણામે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ વધુ કથળી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ તો જાણે ખાલીખમ હોય તેવી સ્થિતી સર્જાઇ છે. સારવારના અભાવે ગરીબ દર્દીઓ રઝડી પડયાં હતાં. પગાર વધારાના મુદ્દે સરકાર સામે જીદે ચઢેલાં ડોકટરોની હડતાલને આવતીકાલે બાર દિવસ થશે તેમ છતાંયે કોઇ નિરાકરણ આવી શકયુ નથી.સરકાર પણ હડતાળિયા ડોકટરો વિરુધ્ધ નોટિસો આપી એસ્મા લાગુ કરવામાં કેમ ખચકાટ અનુભવે તે હજુ સુધી લોકોને સમજાતું નથી.
- જુનિયર ડોક્ટરો હડતાળમાં જોડાતાં સેવા વધુ કથળી
- સિવિલ હોસ્પિટલ સાવ ખાલી હોય તેવી સ્થિતિ
કદાચ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં ૧૨ દિવસ સુધી હડતાળ ચાલુ રહી હોય તેવી આ પ્રથમ ઘટના બની છે.ડોકટરો હડતાળના નામે વેકેશન ભોગવી રહ્યાં છે કેમકે , બીજે મેડિકલ કોલેજ કેમ્પસમાં એક હડતાળિયા ડોકટરો દેખા દેતાં નથી.આજે હડતાળના ટેકામાં આજે ૫૦૦થી વધુ જુનિયર ડોક્ટરોએ સવારના નવ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી કામથી અળગા રહયાં હતાં પરિણામે ઓપીડીના રુમો તો એકદમ સુમસામ ભાસતાં હતાં, વોર્ડમાં પણ દર્દીઓ રજા લઇને ઘેર રવાનાં થઇ ગયાં હતાં. જે દાખલ છે તેમની ડોકટરોના અભાવે નર્સોએ દેખરેખ રાખવી પડી હતી.આજે માંડ દસથી ઓછાં ઓપરેશનો થયાં હતાં. આખીયે સિવિલમાં માત્ર ગણતરીના ડોકટરોએ ફરજ અદા કરી હતી. ગરીબ દર્દીઓની એવી દશા થઇ છે કે,તેમની વેદના જ કોઇ સાંભળનાર નથી.આ સંજોગોમાં સિવિલ સત્તાધીશોએ બધુ રાબેતા મુજબનું છે તેવુ રટણ ચાલુ રાખ્યું હતું.
હડતાળના જોરે આરોગ્ય સેવાઓ ખોરવીને હોસ્પિટલોને બાનમાં લેતાં હડતાળિયા ડોકટરો વિરુધ્ધ સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક જાહેરહીતની અરજી થવાની શક્યતાં છે તેમજ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ પણ સોમવારે સિવિલ સુપરિટેન્ડેન્ટને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કરશે.આ ઉપરાંત દર્દીઓના હીતમાં દર્દી સેવા સમિતીના ઉપવાસને પણ આજે ચાર દિવસ થયાં છે ત્યારે સમિતિએ પણ હડતાળનો અંત લાવવા માંગણી કરી છે.