નવી દિલ્હી, તા. 01
રેલવેમાં એસી ફર્સ્ટક્લાસ અને એસી સેકન્ડક્લાસના પ્રવાસીઓએ આવતી કાલથી વધુ નાણાં ચૂકવવા તૈયાર રહેવું પડશે. રવિવારથી રેલવેમાં ઉચ્ચ વર્ગોનાં ભાડાંમાં વધારો અમલી બનશે. રેલવે બજેટ ૨૦૧૨-૧૩ની જાહેરાત મુજબ એક્ઝિક્યુટિવ અને ફર્સ્ટક્લાસમાં પણ ભાડાવધારો કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા સુધારવામાં આવેલાં ભાડાંનો અમલ ૧લી એપ્રિલથી અમલી બનતો હોવાથી અગાઉથી મેળવી લીધેલી ટિકિટો પર પણ નવું ભાડું લાગુ પડશે.
રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જૂના દર મુજબ ટિકિટ ઇશ્યૂ થઈ ગઈ હશે તો ટ્રેનમાં ટિકિટચેકર દ્વારા અથવા સ્ટેશન પર પ્રવાસ શરૃ થયા પહેલાં બુકિંગઓફિસ પરથી ભાડાંમાં તફાવતની રકમ પ્રવાસીઓ પાસેથી વસૂલ કરાશે. રેલવે બજેટની જાહેરાત મુજબ પ્રવાસીભાડાંમાં ફર્સ્ટક્લાસમાં પ્રતિ કિ.મી. ૧૦ પૈસા, સેકન્ડ એસીમાં ૧૫ પૈસા અને ફર્સ્ટ એસીમાં ૩૦ પૈસાનો વધારો કરાયો છે, જે ૧લી એપ્રિલથી અમલી બનશે. આવતી કાલથી પ્લેટફોર્મટિકિટ પણ વધીને રૃ. ૫ થઈ જશે.
રેલવે બજેટમાં થર્ડ એસી, સરકારે સ્લીપર ક્લાસ, પરાં અને સેકન્ડક્લાસ સહિત બધા જ વર્ગોનાં પ્રવાસીભાડાંમાં વધારો કરવા દરખાસ્ત કરાઈ હતી, પરંતુ નવા રેલવેપ્રધાન મુકુલ રોયે આ વર્ગોમાંથી પ્રવાસીભાડાંમાં વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૧૧-૧૨માં પ્રવાસીભાડાંમાંથી સરકારે રૃ. ૨૮,૦૦૦ કરોડની આવક કરી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં પ્રવાસીભાડાંમાં સૂચિત વધારાથી સરકારનો રૃ. ૩૬,૦૦૦ કરોડની આવક ઊભી કરવાનો આશય છે. વર્ષ ૨૦૧૨-૧૩માં પ્રવાસીઓની સંખ્યામાં પાંચ ટકા વધારાની રેલવેને અપેક્ષા છે.
- રિઝર્વ્ડ ટિકિટોમાં પણ ટિકિટચેકર અથવા બુકિંગઓફિસ પર તફાવતની રકમ વસૂલાશે
ભૂતપૂર્વ રેલવેપ્રધાન દિનેશ ત્રિવેદી દ્વારા બધા જ વર્ગોના પ્રવાસીભાડાંમાં કરાયેલા વધારામાંથી હવે થર્ડ એસી, સેકન્ડક્લાસ, સ્લીપરક્લાસ સહિતના કેટલાક વર્ગોમાંથી ભાડાવધારો પાછો ખેંચી લેવાયો છે. પરિણામે ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને ફર્સ્ટક્લાસમાં ભાડાવધારાથી માત્ર રૃ. ૪૦૦ કરોડ ઊભા થવાની સરકારને આશા છે.