સાનફ્રાન્સિસ્કો, તા. 01
અત્યંત લોકપ્રિય સોશિયલ વેબસાઇટ યાહુ દ્વારા આવતા અઠવાડિયે મોટાપાયે છટણીનો દોર હાથ ધરવામાં આવશે. છટણીની આ યોજના હેઠળ તેના હજારો કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે, આ પછી કંપની તેની પુનઃરચના યોજના જાહેર કરે તેવી સંભાવના છે, જો મીડિયામાં વહેતા થયેલા આ અહેવાલોને યાહુ દ્વારા સત્તાવાર સમર્થન મળતું નથી.
યાહુ દ્વારા એક જ ઘડાકે તમામ કર્મચારીઓને છુટા કરાશે નહીં. ઓલ થિંગ્સ ડુ નામના અહેવાલમાં જણાવ્યા મુજબ યાહુની પ્રોડક્ટ્સને આને કારણે માઠી અસર પડશે, તેનાં સંશોધન અને માર્કેટિંગ ગ્રૂપ્સને પણ આની અસર થશે.
- કંપનીની પુનઃરચના યોજના જાહેર કરાશે
યાહુ દ્વારા તેની પુનઃરચના યોજનાને હજી સુધી અંતિમ સ્વરૃપ આપવામાં આવ્યું નથી પણ કંપની ગ્લોબલ મીડિયા ડિવિઝન ઊભું કરવા માટે તેનાં બિઝનેસની પુનઃરચના કરશે તેવું મનાય છે, તેના પ્રોડક્ટ્સ ડેવલપમેન્ટને ડિસેન્ટ્રલાઈઝ્ડ યુનિટમાં ફેરવવામાં આવશે. કંપની તેના એડવર્ટાઈઝિંગ ટેક્નોલોજી વિભાગ અને સર્ચ બિઝનેસ પર તેનું ભાવિ ઘડશે. કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ સ્કોટ થોમ્પસન દ્વારા કર્મચારીઓને છૂટા કરવાની અને પુનઃરચનાની યોજના ઘડવામાં આવી છે.
વર્ષ ૨૦૧૧માં યાહુ ૧૪,૦૦૦ કર્મચારીઓનો કાફલો ધરાવતી હતી, જો કે ગૂગલ અને ફેસબુક સાથેની સ્પર્ધા પછી તેની આવકમાં સતત ઘટાડો થતો રહ્યો છે જેને કારણે કંપનીને છટણીનો દોર હાથ ધરવો પડયો છે.