મિયામી, તા. ૧
પેસ અને સ્ટિપાનેકની જોડી મિયામી ઓપન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન
ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને ચેક રિપબ્લિકના રાડેક સ્ટિપાનેકની જોડીએ શાનદાર પ્રદર્શન જાળવી રાખતાં મિયામી માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા હતા. ફાઈનલમાં પેસ અને સ્ટિપાનેકની જોડીએ મેક્સ મિરનઈ અને ડેનિયલ નેસ્ટરની જોડી સામે ૩-૬, ૬-૧, ૧૦-૮ વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ લિએન્ડર પેસે એટીપી વર્લ્ડ ટૂરમાં ૫૦ (ડબલ્સમાં) ટાઈટલ મેળવવાની સિદ્ધિ મેળવી હતી. ડબલ્સમાં ૫૦ ટાઈટલ મેળવનાર પેસ વર્લ્ડનો ૨૪મો ખેલાડી બન્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પેસ સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો હતો. આ પહેલાં ૨૦૧૦માં લુકાસ ડલુહી અને ૨૦૧૧માં મહેશ ભૂપતિ સાથે ચેમ્પિયન બન્યો હતો. પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન પેસ અને સ્ટિપાનેકની જોડીએ બીજા સેટમાં મિરનઈ અને નેસ્ટરની ર્સિવસ તોડી મુકાબલાને ટાઈબ્રેકરમાં લઈ ગયા હતા. ટાઈબ્રેકરમાં પેસ અને સ્ટિપાનેકની જોડી એક સમયે ૧-૪થી પાછળ હતા, જોકે સતત છ પોઈન્ટ મેળવીને મેચ પાતાને નામે કરી હતી.