Success - Nayan Parikh
આપણે બધા માનતા હોઇએ છીએ કે આપણે પોતાને ઓળખીએ છીએ, પણ ખરેખર આપણે પોતાની શક્તિઓ અને નબળાઈઓને ઓળખીએ છીએ? એ મહત્ત્વનું છે કે આપણી શક્તિઓને ઓળખીને તેનો સદુપયોગ કરીએ, સાથે નબળાઈઓને દૂર કરવા કોશિશ કરીએ. ભણતરમાં જે વિષયમાં સારો સ્કોર કરીએ તે આપણને આગળ રહેવામાં મદદ કરે છે, પણ એ પણ જરૂરી છે કે બાકીના વિષયોમાં પણ પાસ થવા જેટલા ગુણ તો મેળવીએ જ. જો કોઈ પણ વિષયમાં નાપાસ થઈએ તો આગળ વધાતું નથી. તે જ રીતે આપણી અમુક આવડતમાં સાવ નબળાઈ હોય તો તે આપણને આપણી શક્તિઓનો પૂરો ઉપયોગ કરી આપણને પ્રગતિ તરફ જવામાં બાધારૂપ થાય છે. અમારી સાથે ભણવામાં પહેલું સ્થાન ધરાવતા ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને મેં જિંદગીમાં ઓછી સફળતા હાંસલ કરતા જોયા છે. તેમની તીવ્ર બુદ્ધિમત્તા અને મહેનત છતાં તેમની નબળાઈઓ અવરોધ બનીને તેમને આગળ વધતાં અટકાવે છે. ક્યારેક હોશિયાર વ્યક્તિઓ સંબંધો અને ટીમવર્કમાં નબળી હોવાથી પાછી પડે છે. જ્યારે બીજા કોઈને કામ સોંપીએ ત્યારે ફોલોઅપનું ઘણું મહત્ત્વ હોય છે. કેટલીક વ્યક્તિઓ કોઈને સોંપીને જવાબદારી પૂરી થઈ ગઈ તેવું માને છે. કોઈને સોંપેલું કામ પૂરું થાય નહીં ત્યાં સુધી જવાબદારી લઈને ફોલોઅપ કરો ત્યારે જ કાર્યમાં ધારેલાં પરિણામ મળે છે.
કુદરતના નિયમ પ્રમાણે, અલગ અલગ વિચારસરણી અથવા કાર્યશૈલી ધરાવતા લોકો જ્યારે સાથે હોય ત્યારે સંઘર્ષની શક્યતા રહે છે. પ્રેમ, સંવેદના અને એકબીજા પ્રત્યે માન લોકો જોડે કામ કરતી વખતે સફળતામાં મહત્ત્વનો ફાળો ભજવે છે. આપણી આસપાસના લોકો જ્યારે સાથે હોય ત્યારે તેમના પ્રત્યેનું માન, લાગણી અને મેનર્સ સંઘર્ષને ટાળે છે. સમાજમાં સફળતા માટે વ્યક્તિગત તેજસ્વિતા કરતાં પણ સામૂહિક કાર્ય કરવાની આવડત મહત્ત્વનો ભાગ ભજવે છે.
પોતાની શક્તિઓનો સફળતા માટે ઉપયોગ કરવો અને પોતાની નબળાઈઓને મિનિમમ પાસિંગ લેવલ પર લઈ આવવી તે બન્ને જરૂરી છે. નબળાઈઓ ઉપર કામ કરતી વખતે આપણે ધ્યાનમાં રાખીએ કે આપણી નબળાઈઓને શક્તિમાં રૂપાંતર કરવાનો ધ્યેય રાખવાની જરૂર નથી, કારણ કે એમ કરવામાં ઘણી મહાશક્તિમાં રૂપાંતર કરી શકાશે અને આ મહાશક્તિઓ દ્વારા સફળતા મળશે.
પોતાની જાતને ઓળખવાનું બીજું પગલું છે, આપણે બધા અલગ અલગ રીતે પોતાના જ્ઞાન અને આવડતમાં વધારો કરતા હોઈએ છીએ. નવું જ્ઞાન અને આવડત મેળવવાના બે મુખ્ય રસ્તા છે. (૧) વાંચવું અને (૨) સાંભળવં, તમે સારા વાચક છો અથવા સારા શ્રોતા હોઈ શકો. આપણામાંથી ઘણા ખરાને એ ખબર નથી હોતી કે પોતે વાચક છે કે શ્રોતા છે. ઇતિહાસમાં ઘણા નેતાઓ થઈ ગયા કે જેઓ સાંભળવાની - વાંચવાની શક્તિને ન ઓળખવાથી સફળ ન રહ્યા હોય. અમેરિકાના પ્રમુખ લિન્ડન જોન્સન પ્રમુખ તરીકે ધારી સફળતા ન મેળવી શક્યા, કારણ કે તેઓ પોતે પોતાની શ્રોતા તરીકેની શક્તિઓ ઓળખી શક્યા નહીં. એમના પહેલાંના પ્રમુખ જોન કેનેડી વાચક તરીકેની શક્તિઓ ધરાવતા હતા અને તેથી તેમણે પોતાના સહાયક તરીકે તેજસ્વી લેખકોને રાખ્યા હતા. કોઈ પણ મહત્ત્વની મિટિંગ પહેલાં કેનડીના આસિસ્ટન્ટ તેમને વિગતવાર નોટ પહોંચાડતા જે વાંચીને કેનેડી મહત્ત્વના મુદ્દા આસાનીથી સમજી જતા. જોન્સન વાચક કરતાં શ્રોતા વધારે હતા, પણ તેમણે પોતાની ટીમમાં જરૂરી બદલાવ કર્યા નહીં. તેમને પોતાની પાસે આવતી વિગતવાર નોટિસ વાંચીને સમજવામાં બહુ જ તકલીફ પડતી. જોન્સન પાર્લમેન્ટમાં પોતે શક્તિશાળી શ્રોતા હોવાના કારણે સાંભળીને મુદ્દા તરત સમજી જતા અને તેની ઉપર મહત્ત્વના નિર્ણયો લઈ શકતા. એક શક્તિશાળી શ્રોતા જ્યારે વાચક તરીકે કામ કરવા જાય ત્યારે તેને મળતી નિષ્ફળતાનું આ ઉદાહરણ છે.
ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ ક્લાસમાં શિક્ષક સામે સાંભળીને માત્ર ૧૦% શીખતા હોય છે અને તેથી તેમને ક્લાસમાં જવાનો સખત કંટાળો હોય છે, પણ લાઇબ્રેરી અને ઘરમાં વાંચી તે પોતાના વિષયનું બધં જ્ઞાન મેળવી લે છે. બહુ ઓછા શક્તિશાળી વાચકો પોતાની જાતને શક્તિશાળી શ્રોતા બનાવી શકતા હોય છે અને તેવી જ રીતે બહુ ઓછા શક્તિશાળી શ્રોતાઓ પોતાની જાતને સારા વાચક બનાવી શકે છે. પોતાની જાતને ઓળખીએ અને પોતાની શક્તિઓ પ્રમાણે કાર્યશૈલી ગોઠવીએ તો ઓછા પ્રયત્નથી મોટી સફળતા મળી જશે.
લેખક મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને IIMA એલ્યુમ્નિ એસો., અમદાવાદના પ્રમુખ છે.
થાઈલેન્ડના એક પાર્કમાં મને જોઈને આશ્ચર્ય થયં કે ખૂબ મોટા હાથીઓને સાવ નાના દોરડાથી પોતાના સ્થાન પર બાંધી રાખવામાં આવ્યા હતા. કોઈ સાંકળ નહીં અને કોઈ આસપાસ દીવાલ નહીં. એવું લાગ્યું કે જાણે ગમે ત્યારે હાથી જરા પણ પગ હલાવે તો દોરડું તોડી ચાલી જઈ શકે. મેં બાજુમાં ઊભેલા ટ્રેઈનરને પૂછયું કે આટલા પાતળા દોરડાં કેમ? થાઈ ટ્રેઈનરે જવાબ આપ્યો કે આ હાથી નાનાં બચ્ચાં હોય ત્યારથી આ પાર્કમાં આવેલાં અને ત્યારે આ પાતળાં દોરડાં તેમને બાંધી રાખવા પૂરતાં હતાં. હાથી મોટા થયા પણ હજુ એ માને છે કે તેઓ આ દોરડાંને તોડી નહી શકે.
મને અચરજ થયું કે કોઈ હાથીએ દોરડું તોડવાનો પ્રયત્ન કેમ નહી કર્યો હોય. સાથે જ વિચાર આવ્યો કે આપણે પણ પોતાની જાતને અને પોતાની શક્તિઓને પૂરી રીતે ઓળખીએ છીએ. આપણામાંની વિરાટ શક્તિઓ વણવપરાયેલી પડી રહે છે, કેમ કે આપણને તે શક્તિઓની ખબર નથી. જે દિવસે પોતાની શક્તિઓને ઓળખીએ તે દિવસથી નવી સફળ સૃષ્ટિનું નિર્માણ આપણા સૌ માટે શક્ય છે.
npcinfra@vsnl.net