Edu. Watch - Dr. Sudhir Shah
દર વર્ષે અમેરિકા ભણવા જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો જ રહે છે. આજથી ૧૫ વર્ષ પહેલાં માંડ ત્રીસેક હજાર ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણતા હતા. વર્ષ ૨૦૧૦માં એ સંખ્યા એક લાખનો આંક વટાવી ચૂકી હતી. ગયા વર્ષે એમાં થોડો વધારો થયો હતો અને આ વર્ષે પણ બહુ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા જવા માટે એફ-૧ અને એમ-૧ વિઝાની અરજીઓ કરશે. પણ હમણાં હમણાંથી ભારતીયોની અમેરિકા જવા માટેની નોન-ઈમિગ્રન્ટ વિઝાની અરજીઓ ખૂબ મોટા પ્રમાણમાં રિજેક્ટ થાય છે એવી ફરિયાદો સાંભળવા મળે છે. ભારતની તેમજ અમેરિકાની મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓએ તો ભારતીયોના એચ-૧ બી અને એલ-૧ વિઝા આડેધડ નકારવામાં આવી રહ્યા છે એવી ફરિયાદો પ્રેસિડેન્ટ ઓબામાને કરી છે. એવું જોવા મળ્યું છે કે અભ્યાસ પૂરો કરી રહ્યા બાદ ભારતીય વિદ્યાર્થી જ્યારે એમનાં સ્વજનોને મળવા ટૂંક સમય માટે ભારત આવે છે ત્યારબાદ એમને એમનો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પિરિયડ પૂરો થયો ન હોય તો પણ અમેરિકામાં પ્રવેશવા દેવામાં નથી આવતા. એમના ડીપેન્ડન્ટોને તો એફ-૨ યા એમ-૨ વિઝા મોટાભાગે આપવામાં જ નથી આવતા. આવા સંજોગોમાં અમેરિકા ભણવા જવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓએ નીચેની બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. નહીં તો એમના સ્ટુડન્ટ વિઝાની અરજી નકારવામાં આવશે.
૧) અમેરિકાની યુનિવર્સિટીઓમાં શિક્ષણ અંગ્રેજીમાં અપાય છે, આથી અંગ્રેજી ભાષા ઉપર કાબૂ જરૂરી છે. જો અંગ્રેજી બરાબર બોલતાં આવડતું ન હોય તો સ્ટુડન્ટ વિઝાની અરજી નકારવાના સંજોગો વધશે. ટોફેલની પરીક્ષામાં ભલે તમારા ઓછા માર્ક્સ આવ્યા હોય, છતાં કેટલીક યુનિવર્સિટી તમને પ્રવેશ આપવા રાજી હશે, પણ કોન્સ્યુલર ઓફિસરો તમને વિઝા નહીં આપે.
૨) અમેરિકાની સરકારે ભલે એમ કહ્યું હોય કે કઈ યુનિવર્સિટીમાં ભણવું એ વિદ્યાર્થીનો નિજી પ્રશ્ન છે પણ તમે જો ઊતરતી કક્ષાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હશે તો સ્ટુડન્ટ વિઝા મેળવતા તમને તકલીફ પડશે. પરદેશી વિદ્યાર્થીઓ યુએસની યુનિવર્સિટીઓને ખૂબ કમાણી કરાવી આપે છે. આથી, ભારતમાંથી અમેરિકા જઈને સ્થાયી થયેલા થોડા લોકોએ આવી અઢળક કમાણી કરવા માટે યુનિવર્સિટીઓ ખોલી છે. એમાં શિક્ષણનું ધોરણ બરાબર જળવાતું નથી અને વિદ્યાર્થીઓની હાજરી પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ ભણવાના બહાને અમેરિકામાં ગેરકાયદેસર કામ કરે છે. આવી યુનિવર્સિટીમાં પ્રવેશ લેતા સ્ટુડન્ટ વિઝાની અરજી મંજૂર ન થવાના પૂરેપૂરા સંજોગો ઉપસ્થિત થાય છે. આવી યુનિવર્સિટીઓ ભારતીય વિદ્યાર્થીઓને પોતાને ત્યાં આકર્ષવા માટે કન્સલટન્ટોને સારું એવું કમિશન આપે છે. ઘણાં કિસ્સામાં તો તેઓ એક એક વિદ્યાર્થી દીઠ લાખ લાખ રૂપિયા આપે છે. આથી આ કન્સલટન્ટો વિદ્યાર્થીઓને આકર્ષવા ફી લીધા વગર એમની અરજીઓ કરી આપે છે તેમ જ ટોફેલ, જી.આર.ઈ. જેવા વર્ગો પણ વિનામૂલ્યે ચલાવે છે. અમેરિકા ભણવા જવું હોય તો ત્યાંની ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીઓમાં જ ભણવાનો આગ્રહ રાખજો જેથી વિઝા નકારવાના સંજોગો છૂટી જાય.
૩) અમેરિકા ભણવા જતાં વિદ્યાર્થીઓ ત્યાંની યુનિવર્સિટીની મોંઘીદાટ ફી કેવી રીતે ચૂકવશે એ તેમણે દેખાડી આપવાનું રહે છે. આને માટે ઘણાં બનાવટી બેંક સ્ટેટમેન્ટ અને ઈન્કમટેક્સ રિટર્ન રજૂ કરતા હોય છે, આવું મહેરબાની કરીને ન કરતાં. જો તમારાં માતા-પિતાની આવક પૂરતી ન હોય તો નેશનલાઈઝડ બેંકમાંથી લોન મેળવજો.
૪) યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે આપવા પડતા નિબંધોમાં ખોટાં બણગાં ન ફૂંકતા. એપ્લિકેશન ફોર્મમાં ખોટી બાતમી ન આપતા. વિઝાના અરજીપત્રકમાં પણ કોઈ પણની જાતની બનાવટ યા છેતરપિંડી ન કરતા. ઈન્ટરવ્યૂમાં પણ બિલકુલ ખોટું ન બોલતા. જો ખોટું બોલતાં પકડાશો તો તમને કદાચ ક્યારેય પણ અમેરિકા જવા નહીં મળે.
અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે ત્યાંની માન્યતા પામેલી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો જરૂરી છે. એ યુનિવર્સિટીએ તમને કમ્પ્યુટર દ્વારા તૈયાર કરેલું સેવિંગ્સ ખાતાવાળું ફોર્મ આપવું જરૂરી છે. ઈન્ટરવ્યૂમાં વિદ્યાર્થીએ પોતે એ ખરા અર્થમાં વિદ્યાર્થી છે અને અમેરિકા ફક્ત ભણવા માટે જ જાય છે એવું દેખાડી આપવાનું રહે છે. વિદ્યાર્થીએ કોન્સ્યુલર ઓફિસરોને ખાતરી કરાવી આપવી પડે છે કે એની આગળ અમેરિકા ભણવા માટેની તેમજ રહેવા ખાવાના પૈસાની સગવડ છે અને એના ઈરાદાઓ ભણી રહ્યા બાદ અમેરિકામાં રહેવાના નથી.
વિદ્યાર્થી જો એના સ્વદેશમાંના નાણાકીય તેમજ કૌટુંબિક સંબંધો અત્યંત ગાઢ છે એવું દેખાડી આપે તો એને વિઝા મેળવવામાં મુશ્કેલી નહીં નડે અન્યથા તમે સ્ટુડન્ટ વિઝાની અરજી કરશો અને કોન્સ્યુલર ઓફિસર તમને ઈમિગ્રેશનના કાયદાની કલમ ૨૧૪ (બી) હેઠળ તમે અમેરિકામાં કાયમ રહેવા ઇચ્છો છો એવું જણાવીને વિઝા નહીં આપે.
sudhirshah@sudhirlaw.com