Cover Story - Khushali Dave
આપણે કોઈ યોગી નથી કે સંજયદૃષ્ટિ આપણને મળી નથી એટલે દિવાસ્વપ્નો પર મદાર રાખીને હું સફળ બનીશનો જાપ જપવાને જો વિઝ્યુલાઈઝેશન સમજતા હો તો વહેલી તકે જાગી જાઓ. કરિયરના સંદર્ભે વિઝ્યુલાઈઝેશનનો તર્કબદ્ધ અર્થ એ છે કે જીવનમાં આપણે જે કંઈ મેળવવા ઝંખીએ છીએ તેના માટે યોગ્ય દૃષ્ટિકોણ, દૂરંદેશી અને સાચી દિશામાં તનતોડ અથવા બૌદ્ધિક મહેનત કરીને હાંસલ કરવું અને જે આપણને મળી ગયું છે, તેનો આપણે આનંદ માણી રહ્યા છીએ, તેને એક મિનિટમાં ૬થી ૭ શ્વાસ લેતા લેતા અનેકવિધ ઇન્દ્રિયો દ્વારા સવાર-સાંજ ચોક્કસ સમયે અને ચોક્કસ સમય માટે અનુભૂતિ કરવી
કેટલાક તર્કશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો દ્વારા થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે જીવનમાં બનેલી ઘટનાઓ - દૃશ્યો, લખાણો કરતાં વધુ ઝડપથી યાદ રહે છે. આ વિષે મહાન વિચારક બોબ વિક્ટરે પણ કહ્યું છે કે જો તમે કોઈ પણ બાબતને મનમાં સર્જી શકો તો તેને ભૌતિક જગતમાં લાવવું સરળ છે. વિઝ્યુલાઈઝેશનનો ઉપયોગ તો માત્ર ફ્લ્મિમેકિંગના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે ચાલે, દરેક ક્ષેત્રમાં નહીં, એવી માન્યતા જો તમારા માનસમાં ઘર કરી ગઈ હોય તો તેને વહેલી તકે તમારા મગજમાંથી બહાર જવાનો રસ્તો દેખાડી દેજો.
આત્મપ્રયોગ
કોઈ પણ મનુષ્ય તેની આજુબાજુ જુએ છે, સાંભળે છે એનાથી તેની જ્ઞાનેન્દ્રિય વિકસે છે. એ સૃષ્ટિનો સર્વસામાન્ય નિયમ છે. એટલે તમે શિક્ષણ માટે પણ જો આ નિયમ લાગુ કરો તો જ્ઞાની બની શકો. એક ઉદાહરણ જોઈએ તો જ્યારે તમારે કાર ડ્રાઈવ કરતાં શીખવું હોય ત્યારે પહેલા જ ધડાકે ડ્રાઈવર સીટ પર બેસાડી દેવામાં આવે તો? એક્સીલરેટર, બ્રેક, ક્લચમાં ગૂંચવાડો ઊભો થયા વગર રહે નહીં, પણ એક વખત કાર ડ્રાઈવ કરવા માટેનો વિડીયો જોઈને પછી જો તમે ડ્રાઈવર સીટ પર બેસો તો? સો ટકા ફરક પડશે. જિંદગીની ગાડીમાં પણ વિઝ્યુલાઈઝેશનનું મહત્ત્વ ગાડી શીખવા જેટલું જ અગત્યનું છે.
વિઝ્યુલાઈઝેશન એટલે એક વર્કશોપ
પ્રખ્યાત લેખક નેપોલિયન હિલે પોતાના વિખ્યાત પુસ્તક ‘Think and Grow Rich’ માં લખ્યું છે કે, The imagination is literally workshop wherein are fashioned is given shape from and action through the aid of the imaginative faculty of the mind. એટલે વિઝ્યુલાઈઝેશન કલ્પના એ વૈચારિક - સાહિત્યિક વર્કશોપ છે. જ્યાં કલ્પનાની મદદ વડે કાર્યને આકાર આપવાનો મનનો એક વિભાગ છે. થોમસ આલ્વા એડિસન, હેનરી ફોર્ડ, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, આઈઝેક ન્યુટન વગેરેએ નવા જગતની કલ્પના કરીને વિશ્વને અનેક શોધો ભેટ ધરી છે. એટલે જ કહેવાય છે ને! કોઈ પણ વસ્તુ, પ્રસંગ, ઘટના, દુર્ઘટના બે વખત બને છે પહેલાં મનુષ્યના મનમાં બાદમાં ભૌતિક જગતમાં. માટે વિધાયક વિઝ્યુલાઈઝેશન કરવું આવશ્યક છે.
વિઝ્યુલાઈઝેશન બેધારી તલવાર
સફળતા કે નિષ્ફળતા એ બીજું કંઈ નથી પણ વિધાયક કલ્પના કે નકારાત્મક શંકાનું પરિણામ છે. જેઓ સફળતાનું વિઝ્યુલાઈઝેશન કરે છે તેઓ સફળ થાય છે અને જેઓ સફળતા અંગે શંકા સેવે છે તેઓ નિષ્ફળ નિવડે છે. વિલિયમ એસ. ગિલ્બટે સત્ય આ સત્ય અને તેના સાતત્ય માટે કહ્યું છે કે, Losers visualize the penalties of failure, winner visualize the reward of success. અર્થાત્ પરાજિત લોકો નિષ્ફળતાના વિઝ્યુલાઈઝેશનની સજા ભોગવે છે, વિજેતાઓ સફળતાના વિઝ્યુલાઈઝેશનનો બદલો મેળવે છે.
વિઝ્યુલાઈઝેશનની અસાધારણ શક્તિ
જ્યારે આપણે જીવનસ્વપ્નો, જીવનઆદર્શો અને નૈતિક મૂલ્યો સ્પષ્ટ કરીને આયોજનપૂર્વક પૂર્વ વિઝ્યુલાઈઝેશન કરીને નિરંતર કાર્ય કરતા રહીએ છીએ ત્યારે સફળતા મળવી એ અનિર્વાય બાબત છે. આડેધડ વિચારો કરવાથી, અન્યથી પ્રભાવિત થઈને ઇચ્છાઓ કરવાથી કે સખત પરિશ્રમ કરવાથી સફળતા મળે છે, પણ તેમાં માંડ-માંડ ઘરનું ગુજરાન ચાલે છે. પણ જેઓ કંઈ પણ શારીરિક-માનસિક કાર્ય કરતા પહેલાં વિઝ્યુલાઈઝેશન કરે છે તેઓ પરફેક્ટ સક્સેસ થાય છે. જેઓની પાસે આજે અઢળક સંપત્તિના ભંડાર છે. શાણપણ અપાર છે, પ્રતિષ્ઠા અપરંપાર છે તેઓએ માત્ર પરસેવો પાડીને મેળવ્યું નથી, પરંતુ તેઓ વિઝ્યુલાઈઝેશન દ્વારા અને સ્માર્ટ વર્ક દ્વારા અસાધારણ સિદ્ધિના માલિક બનવા પામ્યા છે.
વિઝ્યુલાઇઝેશન શક્તિશાળી પ્રક્રિયા
વિઝ્યુલાઈઝેશન શક્તિશાળી મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે, પણ જો માનીએ તો. આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું છે Imagination is more important than knowledge. For knowledge is limited whereas imagination emabraces the whole world. એટલે કે જ્ઞાન કરતાં કલ્પનાનું વિશેષ મહત્ત્વ છે. જ્ઞાનની મર્યાદા છે જ્યારે કલ્પના - વિઝ્યુલાઈઝેશન સમગ્ર વિશ્વને આલિંગન કરે છે. એ વાત પણ હકીકત છે કે તેમની શોધ જ્યાં સુધી શોધનું બિરુદ ન પામે ત્યાં સુધી માત્ર કલ્પના જ હોય. કલ્પનાને શોધ બનાવીને તેનો સદઉપયોગ થાય ત્યારે જ તે ઇન્વેન્શન બને.
સૃષ્ટિના આકર્ષણનો નિયમ
આપણે જ્યારે એ નક્કી કરીએ કે આપણે જે તે ક્ષેત્રમાં આગળ ધપવું છે પછી એ લક્ષ્ય માટે વિઝન કેળવીએ, અવેર અર્થાત જાગૃત રહીએ, પરફેક્ટ બ્રેન વેવ્ઝ અને પરફેક્ટ વિઝ્યુલાઈઝેશન તરફ ધ્યાન આપીએ તો ક્રમિક રીતે જીવનમાં જે બનવું છે એ બનતાં તમને દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. સૃષ્ટિના આકર્ષણના નિયમ પ્રમાણે સમગ્ર સૃષ્ટિ આપણા ધ્યેયોને સાકાર કરવાના કામમાં લાગી જાય છે. પરિણામ સ્વરૂપ ઇચ્છિત પદ, વસ્તુ, પ્રસંગ, સમૃદ્ધિ, આરોગ્ય, પ્રતિષ્ઠા આપણી તરફ ખેંચાઈને આવે છે અને આપણું જીવનલક્ષ્ય સફળ થઈ જાય છે.