શિંહોર, તા.૧
શિંહોર પાલીકા શાસક પક્ષ દ્વારા ૧૩ માં નાણાપંચ યોજના હેઠળ કોમ્પ્યુટર તેમજ તેને લગતા અન્ય માલ સામાન સપ્લાયમાં ભ્રષ્ટાચાર કરી પાલિકાને આર્થિક રીતે નુકશાન પહોંચાડયાની ઉચ્ચકક્ષાએ વિપક્ષ કોંગ્રેસે ઘા નાંખતા ચકચાર મચી ગયેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ શિંહોર પાલીકા દ્વારા કોમ્પ્યુટર ખરીદી અંગેની જાહેર નિવિદાની જાહેરાતમાં તા.ર૧-૧ર-૧૧ સુધીમાં રજીસ્ટર એ.ડી. કે કુરીયર દ્વારા શિંહોર પાલીકાને સાંજના ૪ વાગ્યા સુધીમાં ટેન્ડર પહોંચતું કરવા જણાવવામાં આવેલ. પરંતુ છેલ્લી તારીખ સુધી એક પણ ટેન્ડર ભરાયેલ નહી. ત્યારબાદ તા.ર૬-૧ર ના પાલીકાની ઓફીસથી ત્રણ એજન્સી પારસ કોમ્પ્યુટર, પાશ્વ કોમ્પ્યટુર (ભાવનગર) તેમજ ઓમ કોમ્પ્યુટર એન્ડ ર્સિવસ(પાલીતાણા) થી ટેન્ડર ઉપાડવામાં આવેલ. આમ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ર૧-૧ર હોય તો ર૬-૧ર ના રોજ કઈ રીતે ટેન્ડર સ્વીકારવામાં આવ્યા.
ઉપરાંત ત્રણેય એજન્સીઓએ નિવિદા માંગેલ કંપનીના કોમ્પ્યુટરને બદલે બીજી અન્ય નીચી કક્ષાના માલસામાન પાલિકાને આપી આર્થીક નુકશાન કર્યાનો આક્ષેપ કરેલ છે. વળી આ ત્રણ એજન્સીઓ પૈકી બે એજન્સી ભાવનગર ની હોવા છતાં પાલીતાણાથી ટેન્ડર પોસ્ટ કરી શિંહોર મોકલેલ છે જેથી ત્રણેય એજન્સીઓ ભેગી થઈ અને પાલીકાને આર્થિક નુકશાન કર્યાનો કારસો રચી મિલીભગત કરી શિંહોર નગરપાલિકાના પ્રમુખ ઉમેશભાઈ મકવાણા, ચીફ ઓફીસર જે.એલ. દવે, ઉપપ્રમુખ ઈલાબેન જાની તેમજ અન્ય સભાસદ શકુંતલાબેન ત્રિવેદીએ પાલીકાને આર્થિક નુકશાનની કર્યાની ફરીયાદ પાલીકાના વિપક્ષનેતા વિજયભાઈ આલ તેમજ વિપક્ષી સભ્યો મુકેશભાઈ જાની, ભરતભાઈ બી. રાઠોડ અને હનિફભાઈ આઈ.રાંધનપુરાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલ છે.