સુરત તા.૧
ટ્રેનના ડબ્બા પર ચઢી મુસાફરી કરવામાં વાપીના યુવાને જિંદગી જોખમમાં મૂકી દીધી હતી. વાપીથી અમદાવાદ જતી ટ્રેનમાં ડબ્બા પર ચઢી મુસાફરી કરતો યુવાન સાયણ રેલવે સ્ટેશન પાસે હાઇટેન્શન લાઇનની ઝપટે ચઢતાં વીજકરંટનો ભોગ બન્યો હતો. તેને ગંભીર હાલતમાં સારવારાર્થે સિવિલમાં ખસેડાયો હતો.
- સાયણ રેલવે સ્ટેશન પાસે હાઇટેન્શન લાઇનની ઝપટે ચઢયો
નવી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વાપીમાં કાંતિભાઇની ચાલમાં રહેતા રવિ સંજુભાઇ રાણા (૨૫)આજે બપોરે સાયણ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ડબ્બા પરથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા રવિને સુરત સિવિલમાં સારવારાર્થે ખસેડાયો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે મજૂરીકામ કરતા રવિ પાસે ટિકિટના પૈસા ન હોઇ વાપીથી અમદાવાદ જવા ટ્રેનના ડબ્બા પર ચઢી ગયો હતો. દરમિયાન સાયણ સ્ટેશન પાસે હાઇટેન્શન લાઇનની ઝપટે ચઢતાં તેને જોરદાર વીજકરંટ લાગ્યો હતો અને ડબ્બા પરથી તે નીચે પટકાયો હતો. માનસિક રીતે અસ્વસ્થ રવિને સિવિલમાં ખસેડાયો છે.