સુરત તા.૧
પગારમાં વિસંગતતા સહિતના પડતર પ્રશ્નોના મુદ્દે રાજ્ય સરકાર સામે આંદોલન ચલાવી રહેલા તબીબી શિક્ષકોની હડતાળ સતત દસમા દિવસે પણ જારી રહી છે. સિવિલના તબીબી શિક્ષકોએ હડતાળના ભાગરૂપે સરકાર વિરોધી નાટકની ભજવણી કરી હતી તેમજ આવતીકાલે મૌન રેલી કાઢી વિરોધ વ્યક્ત કરશે.
- તબીબી શિક્ષકોની દસમા દિવસે હડતાળ જારી
- આજે મૌન રેલી કાઢશે, સરકાર વિરોધી પોસ્ટર પ્રદર્શન પણ યોજાશે
મળતી વિગતો પ્રમાણે યુજીસી પ્રમાણે પગારધોરણ સહિતના પડતર પ્રશ્નોના રાજ્યભરના તબીબી શિક્ષકો રાજ્ય સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. વર્ષોજૂના પડતર પ્રશ્નોના મુદ્દે તબીબી શિક્ષકોની અનેકવાર રજૂઆત સામે સરકાર માત્ર ખોખલી ખાત્રી આપી હાથ ઊંચા કરતી હતી. સરકારની લોલીપોપ આપવાની નીતિ સામે રોષે ભરાયેલા તબીબોએ અંતે આંદોલનનું રણશિંગું ફૂંક્યું હતું. આંદોલનના ભાગરૂપે તબીબી શિક્ષકો છેલ્લા દસેક દિવસથી હડતાળ પર ઉતર્યા હતા. દરમિયાન આજરોજ રવિવારે તબીબી શિક્ષકોએ કોલેજ કેમ્પસમાં ડીન ઓફિસની બહાર એકત્ર થઇ રાજ્ય સરકાર વિરોધી નાટકની ભજવણી કરી હતી. નાટકમાં તબીબોએ નિદ્રાધીન સરકારની ભૂમિકા ભજવી રોષ ઠાલવ્યો હતો. વધુમાં આવતીકાલે તબીબી શિક્ષકો મૌન રેલી થકી વિરોધ વ્યક્ત કરશે.સવારે ૧૦.૩૦ વાગ્યે હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મૌન રેલી કાઢશે તેમજ પોસ્ટર કોમ્પિટિશનનું પણ આયોજન થયું છે. જેમાં તબીબો કોમ્પિટિશનમાં સરકાર વિરોધી પોસ્ટર બનાવી આક્રોશ ઠાલવશે.ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસથી હડતાળ ઉપર ઉતરેલા ડોક્ટરો રેલી, આવેદનપત્ર, સૂત્રોચ્ચારો વગેરે કાર્યક્રમો થકી સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યાં છે. ડોક્ટરોની આ હડતાળને કારણે તબીબી સેવા ખોરવાઈ ગઈ છે.