Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 09:20:55 AM IST
 

વિદેશમાં નોકરીના નામે હીરાના કારીગરોને ખંખેરનાર ઝડપાયો

Apr 02, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 396
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૧

વિદેશ મોકલવાના બહાને રત્નકલાકારો સાથે ચિટિંગ કરનાર નિલેશ પટેલ નામના સુરેન્દ્રનગરના વતની એવા યુવકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. જિજ્ઞોશે ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી ૭૦,૦૦૦ના પગાર સાથે હીરા સાફ કરવાની જોબ ઓફર કરવામાં આવી હતી. ૩૭ રત્નકલાકારે આ જોબ માટે અરજી કરતાં તેમની પાસે ૧૨ હજાર રૂપિયા લેખે ૪,૪૪,૦૦૦ રૂપિયા વસૂલી લેવામાં આવ્યા હતા.

  • ડર્બનની કંપનીમાં નોકરીના નામે ૩૭ યુવકો પાસે રૂ. ૪,૪૪,૦૦૦ વસૂલી લીધા હતા
  • ૭૦,૦૦૦ના પગાર સાથે હીરા સાફ કરવાની જોબ ઓફર કરવામાં આવી હતી

 ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રો પાસેથી આ કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગરના હળવદ તાલુકાના ટિકળ ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા નિલેશ ચંદુભાઇ એરવાડિયા (પટેલ)એ ચાર વર્ષ અગાઉ સુરતના વરાછાના લંબેહનુમાન રોડ ઉપર મારુતિ ચોક વિસ્તારમાં પટેલ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ શરૂ કરી હતી. દિનેશ પટેલ સાથેની ભાગીદારીમાં નિલેશે અહીંથી રત્નકલાકારોને વિદેશ મોકલવાનો ધંધો શરૂ કર્યો હતો.

આ બંને જણાએ દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરની એક કંપનીમાં હીરા સાફ કરવાના કામ માટે કારીગરો જોઇએ છે, એવી જાહેરાત અખબારોમાં પ્રસિદ્ધ કરાવી હતી. આ જાહેરાતમાં મહિને ૭૦ હજારનો પગાર ઓફર કરવામાં આવ્યો હોય ઘણા રત્નકલાકારો નોકરી માટે દોડયા હતા. ૩૭ જેટલા હીરા કારીગરોએ આ નોકરી માટે ફોર્મ ભર્યા હતાં. નિલેશ અને દિનેશે તેઓ પાસેથી ૧૨ હજાર રૂપિયા લેખે ૪,૪૪,૦૦૦ રૂપિયા વસૂલ્યા હતા. આ રકમ લીધા બાદ રત્નકલાકારોને ડર્બન મોકલવાની જગ્યાએ આ બંને જણ ફરાર થઇ ગયા હતા.

છેતરપિંડીનો ભોગ બનનાર રત્નકલાકારો દ્વારા નિલેશ અને દિનેશ પટેલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. એ સમયે પોલીસે દિનેશને ઝડપી પાડયો હતો. જ્યારે નિલેશ નાસતો ફરતો હતો. આ નિલેશ પટેલ આજે વરાછાના બરોડા પ્રિસ્ટેઝ વિસ્તારના મોહનનગરમાં આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના ભરતસિંહ ગોહિલ અને વિજયસિંહ ડોડિયાને મળી હતી. બાતમીના આધારે નિલેશ પટેલને પકડી વધુ તપાસ વરાછા પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળે છે.

ટાઈલ્સનો ધંધો પૂરે ડુબાડયો અને હમદર્દે છેતર્યો

સુરત : વિદેશમાં નોકરીના બહાને ચિટિંગના ગુનામાં ઝડપાયેલો નિલેશ પટેલ કુદરતની થપાટ ખાધા બાદ હમદર્દ બનીને આવેલા શખ્સની ઝપટે ચઢેલો માણસ છે. પોલીસના કહેવા પ્રમાણે નિલેશના ટાઇલ્સનો સારો ધંધો હતો. સુરતના ભટાર રોડ વિસ્તારમાં તેની દુકાન પણ હતી. જો કે વર્ષ ૨૦૦૬માં આવેલા વિનાશક પૂરમાં નિલેશનો ધંધો તણાઇ ગયો હતો. પૂરની ખાનાખરાબીમાં થયેલા કમરતોડ નુકસાન બાદ નિલેશ પાછો ઊભો થઇ શક્યો ન હતો. ત્યારબાદ તે ટાઇલ્સનો ધંધો સમેટી મલેશિયા જતો રહ્યો હતો. જ્યાંથી પરત ફરતી વેળા મુંબઇ એરપોર્ટ ઉપર તેને નડિયાદના અશ્વિન પટેલનો ભેટો થઇ ગયો હતો. સામાન્ય વાતચીત દરમિયાન નિલેશે તેની વ્યથા જણાવતાં અશ્વિને તેની પાસે એક સારું કામ હોવાની વાત કરી હતી. અશ્વિન પટેલે નિલેશને સાઉથ આફ્રિકાના ડર્બનની એક કંપનીનો જોબવર્ક માટેનો લેટર બતાવ્યો હતો. આ કંપનીને ૨૫૦ હીરાના કારીગરોની જરૂર હતી. અશ્વિને કારીગર શોધી આપવાનું કામ અને એક વ્યક્તિ દીઠ ૨૦૦૦ રૂપિયા કમિશનની ઓફર કરી હતી. નિલેશે આ ઓફર સ્વીકારી પટેલ એન્ટરપ્રાઇઝ નામથી કામ પણ શરૂ કર્યું હતું. તેણે ૩૭ રત્નકલાકારોને ભેગા કરી તેમની પાસે ૧૨ હજાર રૂપિયા લેખે ઉઘરાવેલા પૈસામાંથી ૨૦૦૦ કમિશન પેટે પોતે રાખ્યા અને બીજા અશ્વિન પટેલને આપી દીધા હતા. આ રકમ લઇ અશ્વિન પટેલ ફરાર થઇ જતાં નિલેશ અટવાઇ ગયો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com