સુરત,તા.૧
એન્જિનિયરિંગ, મેડિકલ સહિત વિવિધ શાખાઓમાં પ્રવેશ ઇચ્છુક સેંકડો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયાની સાથે જ ગુજકેટની તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે. હમણાં ગુજકેટની તૈયારીઓ, પેપર પ્રેક્ટિસ જોરશોરમાં ચાલી રહી છે. પરીક્ષાને હવે આંગળીના વેઢે ગણાઇ એટલા જ દિવસો બાકી છે ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઇને ગુજરાત શિક્ષણ બોર્ડે આવકારદાયક પગલું લીધં છે. બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, હવે વિદ્યાર્થીઓની ઓનલાઇન ટિકિટ માન્ય ગણવામાં આવશે. વિદ્યાર્થી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી ઓનલાઇન હોલ ટિકિટ થકી એક્ઝામ હોલમાં પ્રવેશ મેળવી શકશે. જે અંતર્ગત શિક્ષણ બોર્ડે નવો પરિપત્ર બહાર પાડયો છે અને તમામ કોલેજો, વિદ્યાર્થીઓને ઓનલાઇન હોલ ટિકિટને લગતા નવા નિર્ણયની જાણકારી મળી રહે તે માટેનો ઉમદા પ્રયાસ કર્યો છે.વિદ્યાર્થીઓને પરીક્ષા અને શિક્ષણને મુદ્દે વધુ સરળતા રહે તે માટે ગુજરાત શિક્ષણ બોર્ડે છેલ્લા એક વર્ષમાં ધરખમ ફેરફારો કર્યા છે. શિક્ષણની ગુણવત્તામાં સુધારો આવે તે માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, ડિગ્રી કોર્સ સહિતના વિવિધ અભ્યાસક્રમોમાં નવા નિયમો દાખલ કર્યા છે. એવામાં હમણાં ગુજકેટની પરીક્ષાને લઇને બોર્ડ દ્વારા સરાહનીય પગલું લેવામાં આવ્યું છે. આજના ઇન્ટરનેટના યુગમાં વિદ્યાર્થીઓ સરળતાથી હોલ ટિકિટ મેળવી શકે, ટિકિટના મુદ્દે વિદ્યાર્થી અસમંજસમાં ન રહે તે માટે ઓનલાઇન હોલ ટિકિટ માન્ય રાખવાનો નિર્ણય લેવાયો છે. હમણાં સુધી હોલ ટિકિટને પગલે વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ બોર્ડે લીધેલા નિર્ણયને કારણે વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ આવશે.ગુજકેટ આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા હોલ ટિકિટ મોકલવામાં આવે છે. જે અંતર્ગત કેટલાક કિસ્સાઓમાં ટપાલ મારફતે હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થી તણાવની સ્થિતિમાં મુકાઇ જતો હતો. જોકે, હવે વિદ્યાર્થીને હોલ ટિકિટ માટે ટપાલના ભરોસે બેસવું પડશે નહીં. બોર્ડે બહાર પાડેલા પરિપત્ર મુજબ, હવે વિદ્યાર્થી ઇન્ટરનેટ પરથી જ ઓનલાઇન હોલ ટિકિટ મેળવી શકશે. તે માટે રજિસ્ટ્રેશન નંબર અને ફોર્મનો આઇ.ડી. નંબર નાંખીને વિદ્યાર્થી પોતાની ઓનલાઇન હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આ ઓનલાઇન હોલ ટિકિટ માન્ય ગણવામાં આવશે. ખાસ કરીને ફોટોની પ્રિન્ટ બરાબર આવે એ આવશ્યક છે. નોંધનીય છે કે, હમણાં સુધી ઓનલાઇન ટિકિટ માન્ય રાખવામાં આવતી ન હતી, પરંતુ ઓનલાઇન ટિકિટ સ્વીકારવાના નિર્ણયથી વિદ્યાર્થીઓની મૂંઝવણ ઘટશે એવું પ્રાધ્યાપકો માની રહ્યા છે.