Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 04:14:04 AM IST
 

ધૃતિ કેસમાં પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરશે

Apr 02, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1754
Rate: 3.3
Rating:
Bookmark The Article

સુરત-નવસારી, તા.૧

નવસારી શહેરના અગ્રણી ચોક્સી પરિવારની પુત્રી ધૃતિનું તેની સાસરીમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું. સાસરીયાઓ દ્વારા ધૃતિએ આત્મહત્યા કરી હોવાનું કહેવાયું છે, જો કે ધૃતિના પરિજનો તેની હત્યાની આશંકા સેવી રહ્યા છે જે મુદ્દે વિવાદ વકરી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલના તબીબોના રિપોર્ટ મુજબ પણ ધૃતિએ આત્મહત્યા જ કરી હોવાનું સ્પષ્ટ થયું છે. છતાં ધૃતિની હત્યાની આશંકા નિવારવા પોલીસ આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શ કરવા જઈ રહી છે.

ધૃતિને તેના સાસરીયાઓ તે રાત્રે પારસી હોસ્પિટલ લઈ ગયા હતાં અને ત્યાં હાજર તબીબોએ એવું કહ્યું હતું કે ધૃતિનું મોત થઈ ચૂક્યું છે. ધૃતિના સાસરીયાઓ પટેલ પરિવારે એવી વાત કરી હતી કે ધૃતિએ તેના બાથરૂમમાં પડદો ભેરવવાના સળીયા પર ટુવાલ વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છેજો કે આ વાત માનવા ધ્રુતિના પીયરપક્ષના પરિજનો તૈયાર ન હતાં અને તેમણે પટેલ પરિવાર પર એવા આક્ષેપ કર્યા હતાં કે તેઓ દ્વારા જ ધ્રુતિની હત્યા કરવામાં આવી છે. ધ્રુતિની હત્યા કે આત્મહત્યા, આ પ્રશ્ન ભેદવા માટે પોલીસે પેનલ પોસ્ટમોર્ટમનું શરણ લીધું હતું અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોની પેનલે ધ્રુતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. જેમાં એવં સ્પષ્ટ તારણ કરાયું હતું કે ધ્રુતિએ આત્મહત્યા જ કરી છે, હત્યાના કોઈ નિર્દેશ મળ્યા નથી. જો કે તે છતાં પણ ધ્રુતિના પરિજનો ઉપરાંત સમાજના ઘણાં લોકો આ રિપોર્ટને માનતાં નથી. તેઓમાં સતત એવી ચર્ચા છે કે, બાથરૂમના જે સળીયા પર ધ્રુતિએ આત્મહત્યા કરી છે તે ધ્રુતિનું વજન કઈ રીતે ઝીલી શકે. સાથે જ જાડા ટુવાલ વડે ગળે ફાંસો જ કઈ રીતે આવી શકે.

આમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપરાંત પણ આવી આશંકાના સમાધાન માટે પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવાનું નક્કી કર્યું છે. તપાસ કરનાર અધિકારી પોઈ એમ. આર. ચાવડાએ જણાવ્યું હતું કે આશંકા કરનારા ધ્રુતિના પરિજનો, અન્ય અગ્રણીઓ, એફએસએલ નિષ્ણાંતો તેમજ પોલીસના ઉચ્ચાધિકારીમાં આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન ટૂંક સમયમાં જ કરવાની તૈયારી અમે કરી રહ્યાં છીએ.

આ તમામની હાજરીમાં ધ્રુતિના બાથરૂમમાં પડદો લગાડવાનો જે સળીયો છે તે કેટલું વજન ઝીલી શકે છે, કઈ રીતે વજન લટકાવી શકાય છે તે ચેક કરાશે. ઉપરાંત ધ્રુતિના અપમૃત્યુમાં જે ટુવાલ જપ્ત કરાયો છે તેવા જ પ્રકારનો ટુવાલ વાપરીને તેનાથી ફાંસો આવી શકે કે કેમ તેની તપાસ કરાશે.

ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીની જે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી છે તેમાં ક્યાંય એવો નિર્દેશ જણાતો નથી કે ધ્રુતિની હત્યા થઈ હોઈ શકે. તે છતાં પણ સમાજમાં જે લોકો શંકા વ્યક્ત કરી રહ્યાં છે તેના સમાધાન માટે પોલીસ આ કાર્યવાહી કરશે. ચાવડાએ વધુમાં ઉમેર્યું હતું કે ધ્રુતિએ આત્મહત્યા કરી હોવાની વાત સાબિત થાય તો પણ તેને આ હદ સુધી દોરી જનારા આરોપીઓ વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી તો કરી જ રહી છે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે કદાચ આ કેસમાંથી ૩૦૨ એટલે કે હત્યાની કલમ નીકળી જાય તો પણ આત્મહત્યાની દુષ્પ્રેરણાની કાર્યવાહી તો પોલીસ યોગ્ય રીતે કરી જ રહી છે.

એ સળિયાં પર ત્રણ પોલીસ અધિકારીઓ પુલ-અપ્સ મારી આવ્યા...

પોઈ ચાવડાએ જણાવ્યું હતું કે પહેલા દિવસથી જ ધ્રુતિના પરિજનો દ્વારા તેની હત્યાની આશંકા વ્યક્ત કરાઈ હતી જેથી પોલીસે તમામ પાસાઓને ગંભીરતાથી લીધા છે. ઘટનાની શરૂઆતથી જ બાથરૂમના પડદો લટકાવવાના સળીયા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ અમે અમારી રીતે તેની ખરાઈ ક્યારની કરી લીધી છે. બે દિવસ પૂર્વે જ નવસારીના ઈન્ચાર્જ ડીએસપી પિયુષ પટેલ નવસારી આવ્યા ત્યારે તે ધ્રુતિના સાસરે ગયા હતાં.જે બાથરૂમમાં ધ્રુતિએ આત્મહત્યા કર્યાનું કહેવાય છે ત્યાં પટેલ પહોંચ્યા હતાં. બાથરૂમના સળીયા બાબતની જે શંકા હતી તેની તપાસ માટે તેમણે તેમની સાથેના એક અધિકારીને કહ્યું હતું. ૭૦ કિલોની આસપાસના વજનવાળા આ અધિકારીએ આ સળીયા પર ત્રણ પુલઅપ્સ મારી હતી અને સળીયો વાંકો સુધ્ધાં વળ્યો ન હતો. પટેલે આ વાત પત્રકાર પરિષદમાં પણ કહી હતી. તો પોઈ એમ. આર. ચાવડાએ પણ જણાવ્યું કે મારૃં વજન ૮૦ કિલોની આસપાસ છે અને હું પણ આ શંકાના સમાધાન માટે તે બાથરૂમના સળીયા પર પુલ-અપ્સ મારી આવ્યો છું. એટલું જ નહીં, મારી સાથેના અન્ય એક અધિકારીએ પણ સળીયા પર લટકીને તેના પર ફાંસો ખાઈ શકાય કે નહીં તે ચકાસ્યું હતું.

ધૃતિના સાસરિયાંઓના રિમાન્ડ માટે પોલીસ રિવિઝન અરજી કરશે

ધૃતિ અપમૃત્ય કેસમાં પાંચેય આરોપીઓનાં પોલીસે માંગલાં વધું રિમાન્ડની માંગણી જ્યુડિશિયલ કોર્ટે ફગાવી દેતાં તમામને જેલભેગા કરવામાં આવ્યા હતાં. જો કે આ કેસની તપાસ અધૂરી હોવા ઉપરાંત કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા માટે આરોપીઓનું કસ્ટોડિઅલ ઇન્ટરોગેશન આવશ્યક હોય પોલીસ આરોપીના વધુ રિમાન્ડ માટે આવતીકાલે સેશન્સ કોર્ટમાં અરજી કરે તેવી વિગતો જાણવા મળી છે. ચોક્સી પરિવારની લાડલી ધૃતિના અપમૃત્યુ અંગે તેના પિતાની ફરિયાદને આધારે પોલીસે ઈપીકો કલમ ૩૦૨, ૩૦૬, ૨૦૧ તેમજ દહેજ પ્રતિબંધક ધારાની કલમ ૩, ૭ મુજબ ગુનો નોંધી પાંચ આરોપીઓ તણીના પતિ દિવ્યેશ પટેલ , જેઠ હીરલ, સસરા ગોરધનભાઈ, જેઠાણી કૃતિબેન હિરલ તેમજ સાસુ નીરૂબેનની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે ચીફ કોર્ટે દિવ્યેશ, હિરલ અને ગોરધનભાઈના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. જ્યારે કૃતિ અને નીરૂબેનને કોર્ટ કસ્ટડીને સોંપવાનો હુકમ કર્યો હતો. નવસારીના જાણીતા પ્રભાત સ્ટોર્સના માલિક એવા ગોરધનભાઇ તથા તેમના બે પૂત્રોના રિમાન્ડ દરમિયાન પોલીસે પૂછપરછ કરી હતી. ધૃતિને દહેજમાં મળેલા લાખોના ઘરેણાં તથા કાર પોલીસે કબજે લીધા હતાં. આ ઉપરાંત દિવ્યેશના લગ્નેતર સંબંધો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. જો કે આ તપાસ દરમિયાન ગઈકાલે આરોપીઓના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતાં. પોલીસે ચીફ કોર્ટમાં વધુ રિમાન્ડ માટે અરજી કરી હતી. જો કે, કોર્ટે વધુ રિમાન્ડની અરજી નકારી કાઢી હતી અને ત્રણેય આરોપીઓને જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં. અલબત્ત એવી વિગતો જાણવા મળી છે કે પોલીસ વધુ રિમાન્ડ માટે આવતીકાલે સેશન્સ કોર્ટમાં અરજી કરનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે ધૃતિ અપમૃત્યુ પ્રકરણે ચકચાર જગાવી છે તે જોતાં તેની તપાસ પોલીસ માટે પણ ચેલેન્જ અને સાથે જ પ્રતિષ્ઠાનો વિષય બની ગયા છે. બે દિવસના રિમાન્ડમાં પોલીસ કોઈ જ પુરાવા એકત્ર કરી શકી નથી. આરોપીઓ પાસેથી કોઈ વિગતો કઢાવી શકી નથી કે પછી કોઈ ચોક્કસ દિશા શોધી શકી નથી ત્યારે પોલીસ એવું માની રહી છે કે આરોપીઓના રિમાન્ડ મેળવી શકાય તો કેસની તપાસમાં મદદ મળે તેમ છે. આ કેસમાં તપાસ કરનારા જલાલપોર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એમ. આર. ચાવડાએ જણાવ્યું હતું કે ચીફ કોર્ટે પોલીસના વધારાના રિમાન્ડની જે અરજી નામંજૂર કરી છે તેનો ચુકાદો આવતીકાલે મળ્યા બાદ પોલીસ સેશન્સ કોર્ટમાં આરોપીઓના વધુ રિમાન્ડ માટેની અરજી કરશે.

ધૃતિએ આપઘાત કર્યો છે તેવા નિષ્કર્ષ તરફ પોલીસ

પોલીસ ઈન્સ્પેક્ટર એમ. આર. ચાવડાના જણાવ્યા મુજબ ધૃતિ અપમૃત્યુ પ્રકરણમાં પોલીસે તમામ પાસાઓનું ઝીણવટભર્યું નીરિક્ષણ કર્યું છે અને આજદિન સુધી તેમાં તેની હત્યા થઈ હોય તેવો નિર્દેશ ક્યાંય મળતો નથી. બાથરૂમના સળિયા અને ટુવાલની શંકા અમે અમારી રીતે તપાસી લીધી છે અને તે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી તેની ચોક્સાઈ પણ કરી લેવાશે.જ્યારે ધૃતિના શરીર પર જે ઈજાના નિશાનો જોવા મળ્યા હતાં તે બાબતે પણ અમે ચોક્સાઈ કરી લીધી છે. ચક્ચારી કેસમાં તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે હેતુથી અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એફએસએલના નિષ્ણાંતને મળ્યા હતાં અને ઈજાના નિશાનો વિશેની વિગતવાર માહિતી માંગી હતી. જેમાં એવું જણાવાયું છે કે આ નિશાનો ધ્રુતિના મોત પૂર્વેના નહીં પરંતુ તેના મૃત્યુ બાદના હતાં.પોલીસે ઉલટતપાસ પણ કરી હતી જેમાં એવું જણાયું કે ધૃતિના શરીર પર લોહીના નિશાન ક્યાંય જોવા મળ્યા ન હતાં. વ્યક્તિ જીવતો હોય અને તેને ઈજા થાય તો લોહી નીકળે છે પરંતુ મૃત્યુ બાદ જો કોઈ ઈજા થાય તો લોહી નીકળતું નથી. જેથી ધૃતિના શરીર પરના ઈજાના નિશાનો મૃત્યુ બાદના જ હતાં. આ ઈજા કેવી રીતે થઈ હોઈ શકે તે બાબતે તપાસ કરતાં જણાયું કે ધૃતિને ખુબ જ ઉતાવળમાં બહાર કાઢી પારસી હોસ્પિટલ લઈ જવાઈ હતી અને તે વખતે બાથરૂમમાં તૂટેલો કાચ લાગ્યો હોઈ શકે અથવા કારમાં ચઢાવતાં ઉતારતાં કે પછી હોસ્પિટલ લવાતા અન્ય કોઈ વસ્તુ તેના વાગતાં આ ઈજા થઈ હોઈ શકે.અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રુતિના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જ્યારે પોલીસને મળ્યો હતો ત્યારે એવી વાતો પણ થઈ હતી કે, ધ્રુતિના શરીરના ઈજાના નિશાનો જુના હોઈ શકે. ધ્રુતિના સાસરીયાઓ દ્વારા તેને મારપીટ કરાતી હતી જેથી થોડા દિવસો પૂર્વે તેને માર મરાયો હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. જો કે હવે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી આ વિગતો મેળવી હોવાની વાત આજે કહી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com