સુરત, તા.૧
પાંડેસરામાં એક રેડિમેઇડ ગાર્મેન્ટ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મહેમાન બનેલા લોકપ્રિય ટીવી સિરિયલના કલાકારો જેઠાલાલ અને દયાભાભીને જોવા ભારે ભીડ જામી હતી. શહેરમાં ઠેક-ઠેકાણેથી ટીવી કલાકારોને જોવા સંખ્યાબંધ લોકો ઊમટી પડયા હતા ત્યારે એક મકાનની ગેલેરીમાં અનેક લોકો એકત્ર થઇ જતા ગેલેરી ધડાકાભેર ધસી પડી હતી અને વિસ્તારમાં ભારે ધક્કામુક્કી થવા સાથે અરાજકતા ફેલાઇ ગઇ હતી. આ ઘટનામાં દસેક જણને વત્તી-ઓછી ઇજા થતાં સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
- પાંડેસરામાં શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ટીવી કલાકાર આવ્યા હતા
- કલાકારોને જોવા હજ્જારો લોકો ઊમટી પડતાં અરાજકતા ફેલાઈ
- સ્ટેજ સુધી લોકટોળું ધસી જતાં ધક્કામુક્કીનાં દૃશ્યો સર્જાયાં
- ભાગદોડ દરમિયાન ગેલેરી ધસી પડતાં ૧૦ જણને ઈજા
નવી સિવિલ હોસ્પિટલ તથા ઘટનાસ્થળનાં સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માના કલાકારો દિલીપ જોષી (જેઠાલાલ) અને દિશા વાકાણી (દયાભાભી) આજરોજ રવિવારે સુરત શહેરના મહેમાન બન્યાં હતાં. પાંડેસરામાં હાઉસિંગ બોર્ડ ખાતે જલારામનગરમાં એક રેડિમેઇડ ગાર્મેન્ટ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપવા આવેલા બંને ટીવી કલાકારોને જોવા શહેરમાં ચોમેરથી લોકટોળું એકત્ર થઇ ગયું હતું.
કતારગામ, અડાજણ, રાંદેર, ઉધના, લિંબાયત, સચિન એમ ઠેક-ઠેકાણેથી લોકો માનીતા કલાકારોને જોવા ઊમટી પડયા હતા. ટીવી કલાકારોની એક ઝલક મેળવવા લોકોએ ભારે ધક્કામુક્કી કરી દીધી હતી. લોકો આજુબાજુની દુકાનો તથા મકાનોની ગેલેરીમાં કલાકારોને જોવા ચઢી ગયા હતા ત્યારે નજીકમાં આવેલા ઇશ્વરલાલ સોનીના મકાનના પહેલા માળે આવેલી ગેલેરીમાં પણ લોકોની ભીડ જામી હતી. દરમિયાન ભારે દબાણ થતા ગેલેરી ધડાકાભેર ધસી પડતાં ગેલેરીમાં ઊભેલી દસેક વ્યક્તિઓ નીચે પટકાઇ હતી. બનાવને પગલે વિસ્તારમાં ભારે અંધાધૂધી ફેલાઇ હતી અને લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. લોકટોળું કલાકારોના સ્ટેજ સુધી ધસી જતાં ભારે ધક્કામુક્કી થઇ હતી. લોકોએ આયોજકોને પણ ધક્કે ચઢાવ્યા હતા.
આ ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી કેટલાકને પ્રાઇવેટ હોસ્પિટલમાં તો કેટલાકને નવી સિવિલમાં સારવારાર્થે ખસેડાયા હતા. સિવિલમાં સારવાર લેનારા દર્દીઓમાં પીયૂષ બાબરી (ઉ.વ.૨૨, રહે. રાજલક્ષ્મી સોસાયટી, કતારગામ), અર્ચના રાકેશ સોલંકી (ઉ.વ.૩૦ ,રહે. શ્રીજીનગરી, રામનગર, રાંદેર), જીવન ગોવિંદ ત્રિપાઠી (ઉ.વ.૬, રહે. પંચવટીનગર, હાઉસિંગ બોર્ડ, પાંડેસરા) તથા નિર્મળા ચીમનભાઇ સોલંકી (ઉ.વ. ૫૦, રહે. શ્રીજીનગરી, રામનગર, રાંદેર)નો સમાવેશ થાય છે.આ બનાવને પગલે વિસ્તારમાં ભારે અફરા-તફરી મચી ગઇ હતી. બનાવ અંગે જાણ થતા જ પાંડેસરા પોલીસે સ્થળ પર દોડી જઇ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.