સુરત,તા.૧
અમરોલી કોસાડ આવાસમાં રહેતી એક શ્રમજીવી પરિવારની બે દીકરીઓને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેમનું અપહરણ કરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. અમરોલી કોસાડ આવાસમાં ગમન દેવીપૂજક (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ છે. તેમની મોટી દીકરી ૧૪ વર્ષીય સુનીતા (નામ બદલ્યું છે)ની આંખ એક લગ્નમાં ગિરીશ નામના યુવાન સાથે મળી ગઈ હતી. જ્યારે નાની દીકરી ૧૨ વર્ષીય કોમલ (નામ બદલ્યું છે)ને લગ્નમાં જ મજૂરી કામ કરતાં વાસુ નામના યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. ૨૫ માર્ચના રોજ સુનીતા ભાગળ ખાતે આવી હતી ત્યાંથી તે ગિરીશ સાથે નાસી ગઈ હતી. બીજા દિવસે અમરોલી ખાતેથી કોમલ વાસુ સાથે ભાગી ગઈ હતી. ગિરીશ અને વાસુ બંને બહેનોને વરાછામાં એક ઝૂપડામાં લઈ ગયા હતા. ચાર દિવસ દરમિયાન ગિરીશે સુનીતા સાથે અને વાસુએ કોમલ સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ બાબતે પરિવારને તેમની બંને દીકરીઓ વરાછામાં હોવાની ખબર પડી હતી. એટલે સુનીતાની માતાએ અમરોલી પોલીસ મથકમાં ગિરીશ જ્યારે કોમલના પિતાએ વાસુ વિરુદ્ધ મહિધરપુરામાં અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.