વડોદરા :
બરોડા ડેરીમાં સિન્થેટીક દૂધ ઘુસાડવાના કથિત ષડયંત્રને પગલે પોલીસે પાદરા ગોવિંદપુરામાં આવેલી દુધની દુકાન પર દરોડા પાડયા હતા. જો કે પાદરા પોલીસની તપાસ દરમિયાન શંકાસ્પદ દુધનો કોઇ જ જથ્થો મળી આવ્યો ન હતો. જો કે પોલીસના દરોડાના પગલે ડેરીમાં ભેદી દૂધ જમા કરાવનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જયારે આ મુદ્દે પાદરા તાલુકાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. બરોડા ડેરીમાં તાજેતરમાં જ ૩૩,૦૦૦ લિટર શંકાસ્પદ દુધનું ભરણ થયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ ભેદી દુધનો જથ્થો સિન્થેટિક હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.દરમિયાન આ શંકાસ્પદ દુધનો જથ્થો પાદરાની સાંગમા દૂધ મંડળીમાંથી આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી.જયારે સાંગમાં દુધ મંડળીના હોદ્દેદારો દ્વારા આ દુધનો જથ્થો તેઓનો નહીં હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારે ગત તા.૩૦મી માર્ચના રોજ પાદરા પોલીસ મથકના પીઆઇ બેલીમને ઉપરી અધિકારી તરફથી સુચના મળી હતી કે પાદરા ગોવિંદપુરામા આવેલી જગદીશ દુગ્ધાલયમાં તપાસ કરવામા આવે.જેના આધારે પી.આઇ બેલીમે દુગ્ધાલય પર તપાસ કરી હતી.ત્યારે દુગ્ધાલયમાંથી દુધનો જથ્થો જ મળી આવ્યો ન હતો.આ દુગ્ધાલયના સંચાલક અને પાદરા શહેર ભાજપ ઉપપ્રમુખ જગદીશ પટેલને તેઓની દુકાનમાં પોલીસે કરેલી તપાસ અંગેની વિગતો લેવા માટે તેઓનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ આ અંગે વાત કરવાનુ ટાળ્યુ હતુ.