વડોદરા, તા.૧
શહેર નજીક કલાલી બસ સ્ટેન્ડ પાસે વડના ઝાડ નીચે ઇસ્ત્રીનું કામ કરતા યુવાનને મધમાખીઓ કરડી જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયાં તેની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યં હતું.
- યુવાનને સારવાર માટે સયાજીમાં ખસેડતા હાલત ગંભીર
- યુવાનને લઇ જતી ૧૦૮નો મધમાખીઓએ પીછો કર્યો
કલાલી ગામના ગણેશ ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ વિઠ્ઠલસિંહ વાઘેલા (ઉ.વ.૪૫) ઇસ્ત્રી કામ કરે છે. તેઓ ડાબા પગે પોલિયોની બીમારીથી પીડાય છે ગામના બસ સ્ટેન્ડ પાસેના વડના ઝાડ નીચે તેઓ લારી ધરાવે છે.આ ઝાડ પર જ મધપુડો આવેલો છે.આજે બપોરે મહેન્દ્રસિંહ વાઘેલા ઇસ્ત્રી કરતા હતા.ત્યારે ઝાડ પર કોઇએ પથ્થર મારતા કે અન્ય કોઇ કારણોસર અચાનક જ મધપુડા પરથી મધમાખીઓ ઉડી હતી.આ મધમાખીઓએ ઝાડ નીચે ઇસ્ત્રી કામ કરતા મહેન્દ્રસિંહ પર તૂટી પડી હતી.મધમાખીઓના ડંખની વેદનાથી મહેન્દ્રસિંહ મદદ માટે બૂમરાણ મચાવી મૂકી હતી.મહેન્દ્રસિંહની દર્દનાક ચીસોના પગલે આસપાસના લોકોએ લારી તરફ જોતા મધમાખીઓનું ઝુંડ ઉડતું દેખાતું હતું.મહેન્દ્રસિંહ પોલિયોની બીમારીથી પીડાતા હોવાથી દોડી પણ શકતા ન હતા.આથી તેઓ મધમાખીઓથી પીછો છોડાવી શકયા ન હતા.અને મધમાખીઓએ તેઓના શરીર પર ડંખ મારતા વેદના વેઠવી જ પડી હતી.
મધમાખીઓના હુમલો જોઇ કોઇ વ્યકિતએ નજીકમાં જવાનું ટાળ્યં હતું.પરંતુ મધમાખીઓને ભગાડવા માટે ધુમાડો કર્યો હતો.ધુમાડાના પગલે મધમાખીઓનું જોર થોડું ઘટયું હતું.મહેન્દ્રસિંહની વેદનામાં સતત વધારો થતો જતો હતો.ગ્રામજનોએ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માટે ૧૦૮ની મદદ લીધી હતી.૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સવાન આવી પહાંચી હતી.
તેઓ મહેન્દ્રસિંહની મદદ માટે દોડી ગયા હતા.મહેન્દ્રસિંહની મદદે ગયેલા ૧૦૮ના ટેકનિશિયન પણ પરેશાન થઇ ગયા હતા.
મહેન્દ્રસિંહને એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવ્યા હતા.તો કેટલીક મધમાખીઓ તેમાં પણ પ્રવેશી ગઇ હતી.અને કેટલીક મધમાખીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સનો થોડે દૂર સીધો પીછો પણ કર્યો હતો.