Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:11:34 PM IST
 

આખરે મરો તો મધ્યમ વર્ગનો થયો

Apr 02, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 419
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૧

બજેટમાં ઝીંકાયેલા વિવિધ વેરાનો બોઝો એપ્રિલ ફૂલના દિવસે જ પ્રજાના માથે મરાયો છે. સરકારી બજેટના આ વેરા વધારાની આમ આદમીના ખિસ્સા પર અસર હજુ તો વર્તાય એની પહેલા જ સીએનજીમાં કરાયેલા તોતિંગ વધારાએ મિડલ કલાસથી માંડી બસમાં ઠેબા ખાઈ રોજનું પેટીયું રળતા છેવાડાના શહેરી માણસને મોંઘવારીનો વધુ એક ઝાટકો આપ્યો છે. સીએનજીમાં ઝીંકાયેલો આ ભાવવધારાની અસરથી કોઈ બાકાત નહી રહે. કારમાં ફરતા મિડલ કલાસથી લઈ બસ અને શટલ રીક્ષામાં ફરતા આમ આદમીના ખિસ્સા પર હવે કાતર ફરવાની શરૂઆત થઈ જશે. જો કે કારમી મોંઘવારી પણ હજુ પિકચર અભી બાકી હે મેરે દોસ્તના અંદાઝમાં છે. કેમ કે પેટેલના ભાવમાં પણ તમ્મર લાવી દે એવા ભાવ વધારાનું પણ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સરવાળે મોંઘવારના આ મારે મિડલ કલાસને વધુ એક કારમો ફટકો માર્યો છે.

ST હવે CNG બસો નહી ખરીદે

રાજય એસટી નિગમે હવે સીએનજીની નવી બસો નહીં ખરીદવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે.સીએનજીના છાસવારે વધી રહેલા ભાવના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એસ.ટી.નિગમના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

આ અધિકારીએ એવો નિર્દેશ આપ્યો હતો કે, સીએનજીની એસટી બસો અત્યંત ખર્ચાળ હોય છે, આ ઉપરાંત તેના મેઇન્ટેનન્સનો પણ ખર્ચ વધતો જ જાય છે. જયારે કે ડિઝલ બસોનું સરળતાથી મેઇન્ટેનન્સ થઇ શકતું હોય છે.આ સંજોગોમાં હવે નિગમ હવે ડિઝલથી જ ચાલતી બસોની ખરીદી કરી રહી છે.

સીએનજીના જે રીતે ભાવ વધી રહ્યા છે તેની સીધી અસર એસ.ટી. નિગમને પણ થઈ છે. હાલમાં સીએનજીનો ભાવ પણ ડિઝલ કરતા પણ વધી ગયા છે. એક અંદાજ મુજબ રાજ્યમાં ૮૩૯૨ ડિઝલથી ચાલતી બસો છે.જ્યારે સીએનજીથી ચાલતી બસોની સંખ્યા ૧૪૬૦ છે.અગાઉ જ્યારે ડિઝલના ભાવની તુલનાએ સીએનજીની બસો સસ્તી રહેતી હતી ત્યારે એસ.ટી. નિગમનો સંચાલન ખર્ચ પણ ઘટતો હતો. હવે તો દર ચારથી છ મહિને સીએનજીના દર વધી રહ્યા છે ત્યારે નિગમને હવે વધુ ખર્ચાળ સીએનજીની બસો પોષાઇ શકે તેમ નથી.

સીએનજીના ભાવો કાયમ માટે વધતાં જ રહેશે તેવા પણ નિર્દેશ મળી રહ્યા છે ત્યારે હવે ડિઝલથી ચાલતી બસો જ ખરીદવામાં આવી રહી છે.નવી બસોની જેટલી પણ ખરીદી કરાશે તે તમામ ડિઝલની જ રહેશે તેમ પણ જણાવવામાં આવે છે.

સીએનજી એક કિલોનો ભાવ રૂ.૫૦ સપાટીને વટાવી ગયો છે ત્યારે એસટી નિગમ પણ ચોંકી ઉઠયું છે.

ગેઇલનો CNGનો ભાવ હજુ ૪૫ રૂપિયા

અદાણી કંપની દ્વારા સીએનજીના દરમાં કરાયેલા તોતિંગ વધારાના પગલે સીએનજીથી ચાલતી ઓટોરિક્ષાના સંચાલકોની હાલત કફોડી બની જવા પામી છે.બીજી તરફ શહેરમાં ગેઇલના સીએનજીના ભાવ હજી એક કિલોના રૂ.૪૫ જ ભાવ હોવાથી આજે ગેઇલના સીએનજી પંપો પર કાર તેમજ રીક્ષાની લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી.

અદાણીએ સીએનજીના ભાવમાં એક કિલોએ રૂ.૪.૭૦નો વધારો કરીને રૂ.૫૦.૨૦નો ભાવ કર્યો છે ત્યારે હવે સીએનજી આધારિત મોટરકાર ધરાવનારાઓ પણ વિચારતા થઇ ગયા છે. આગામી દિવસોમાં ગેઇલ દ્વારા પણ સીએનજી ગેસની કિંમત અદાણીના ગેસની કિંમત જ જેટલી કરી દેવામાં આવશે તેવા નિર્દેશ પણ મળી રહ્યા છે.

બીજી તરફ હવે ડિઝલની મોટરકારનું આકર્ષણ વધી જવા પામ્યું છે.સીએનજી કિટ ધરાવતી કાર લેવાના બદલે હવે ઘણા ગ્રાહકો તો ડિઝલની કાર ખરીદવી પસંદ કરી રહ્યા છે. પેટ્રોલ અને સીએનજીના ભાવમા વારંવારનો વધારો થઇ રહ્યો છે તેની તુલનાએ ડિઝલનો ભાવ વધારો અંકુશમાં રહે તેમ થઇ રહ્યો હોવાથી પણ ડિઝલની કારોની ખરીદી તરફ ગ્રાહકોનું આકર્ષણ વધ્યું છે.આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં પણ લિટર દીઠ રૂ.૩ થી રૂ.૫નો વધારો તોળાઇ રહ્યો છે તે સંજોગોમાં પણ ડિઝલની કારોની ખરીદી વધશે તે પણ ચોક્કસ જ છે.

આજથી વિટકોસના ભાડામાં વધારો

અદાણી કંપનીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ કરેલા રૂ.૪.૭૦ના વધારાના પગલે હવે એક કિલોનો ભાવ રૂ.૫૦.૨૦ થઇ જતાં જ શહેરી બસ સેવા પુરી પાડતી વિટકોસે પણ ભાડામાં વધારો જાહેર કર્યો છે. ભાડામાં રૂ.૧નો વધારો થતાં હવે લઘુત્તમ ભાડુ .૫ થઇ જશે.જ્યારે મહત્તમ ભાડુ રૂ.૧૩ થઇ જશે. ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને મુસાફરી માટે આશીર્વાદ રૂપ બનેલી વિટકોસની મુસાફરી પણ મોંઘી થઇ જશે.વિટકોસના બસ ભાડામાં વધારો થતાં સામાન્ય વર્ગના મુસાફરોની હાલત કફોડી બની જવા પામશે.ઓછામાં ઓછો રૂ.૫૦ થી રૂ.૬૦નો નવો બોજો પડશે.

વિટકોસના મેનેજર નરેન્દસિંહ રાણાએ જણાવ્યું હતું કે,સીએનજીના ભાવમાં કરાયેલા તોતીંગ વધારાના પગલે વિટકોસને બસ ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે.રોજનો રૂ.૩૦,૦૦૦નો નવો બોજો પણ ભાવવધારાથી પડયો છે.રોજના એક લાખ લોકોને મુસાફરીની સુવિધા આપતી વિટકોસમાં ૬૦ ટકા મુસાફરો તો પાસ ધારકો છે.૭૫ બસો દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે.

સીએનજીમાં કરાયેલા તોતિંગ વધારાની આ રહી અસર

વાનવાળા’ અંકલ પણ પૈસા વધારશે

શહેરમાં હાલમાં સ્કુલ વર્દી ઓટો રીક્ષા મારૂતિ વાનના ચાલકોને સીએનજીના ભાવ વધારાની સીધી અસર પડી છે.જેના પગલે ટૂંક સમયમાં આ ઓટો રિક્ષા - વાન ચાલકો વાલીઓ પાસેથી જ ભાડા વધારો વસૂલશે. સ્કુલ વર્દીવાન ઓટો રીક્ષા યુનિયન જણાવે છે કે, સીએનજીના ભાવમાં થયેલો ભાવ વધારો તાત્કાલિક પાછો ખંંચાવવો જરૂરી છે. જો યોગ્ય પગલાં ન લેવાય તો સમગ્ર રાજ્યમાં હડતાળ જેવા જલદ કાર્યક્રમો પણ અપાશે.

સસ્તી CNG કાર હવે મોંઘી પડે છે

શહેરમાં સીએનજી કાર ચાલકોના બજેટ પણ વેરણ છેરણ બની જશે.સીએનજી કારના માલિક જો રોજ ૨૦ થી ૫૦ કિલો મીટરની મુસાફરી કરતાં હોય તો પણ ઓછામાં ઓછા રૂ.૧૦ થી રૂ.૨૫ નો વધારો તો રોજનો થઇ જાય. વળી સીએનજી મેળવવા માટે હાલમાં કાર માલિકોને સીએનજી સ્ટેશન પર લાઇનમાં ૧૫ મિનિટ થી ૩૦ મિનિટનો સમય બગાડવો પડે છે.

રિક્ષાના ભાડા પણ વધશે

હવે, રિક્ષાના ભાડા પણ વધી શકે છે. વડોદરા રીક્ષા ચાલક કોંગ્રેસ (ઇન્ટુક)ના મહામંત્રી જીવન ભરવાડે જણાવ્યું છે કે,સીએનજીના ભાવમાં રૂ.૪.૭૦નો વધારાનો ઉગ્ર વિરોધ કરવામાં આવે છે. વારંવાર ભાવમાં થતાં વધારાથી રીક્ષા ચાલકો તથા સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની જાય છે.જો સરકાર ભાવ વધારો પાછો ન ખેંચવા તો સમગ્ર શહેરના યુનિયનો એક થઇને આગામી દિવસમાં હડતાળ પડાશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com