ભાવનગર, તા.૧
ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્તારમાં આજે રવિવારે તાડ બિલાડીએ અનેક લોકોને ડરાવી દિધા હતાં. સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયા બાદ ફોરેસ્ટને જાણ કરાતા આખરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બિલાડીને પીંજરે પુરવામાં આવી હતી. હાલ આ બિલાડીને વિક્ટોરીયા પાર્કમાં રખાઈ છે.
- કુંભારવાડમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફોરેસ્ટે પકડી પીંજરે પુરી
આ અંગે વિક્ટોરીયા પાર્કના આરએફઓ જાડેજાએ જણાવ્યું હતું કે આવી બિલાડી અગાઉ ભાવનગરમાં કોઈએ જોઈ ન હોવાથી ફફડાટ ફેલાયો હતો. આ તાડ બિલાડી છે. જે દક્ષિણ ગુજરાતના પંચમહાલ અને વડોદરા આજુબાજુનાં જંગલમાં જોવા મળે છે. તાડ બિલાડી મોટાભાગે તાડના વૃક્ષ પર રહેતી હોય અને તાડનો રસ પિતી હોવાથી તેને તાડ બિલાડી કહેવાય છે. જેની વસતી હાલ ખુબજ ઓછી થઈ ગઈ છે. તાડ બિલાડીનો મિશ્રાહારી છે. તાડ અને ફળોની સાથોસાથ ઉંદર અને નાના પક્ષીઓ તાડ બિલાડીનો મુખ્ય ખોરાક છે. કોઈ કન્ટેનર સાથે બિલાડી ભાવનગર પહોંચી ગઈ હોય તેવું બની શકે છે. આ તાલ બિલાડી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમમાં શેડયુલ-ર પાર્ટ-રનું પ્રાણી ગણાય છે. એકાદ-બે દિવસમાં આ બિલાડીને પંચમહાલ તરફ સુરક્ષિત જંગલમાં લઈ જઈ છોડી દેવાશે.