અમદાવાદ,તા.૧
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને રાજય સરકાર અમદાવાદને બેસ્ટ ટુરીસ્ટ સ્પોટ તરીકે ગણાવી વાહવાહી મેળવી રહ્યું છે. આ દાવા પોકળ હોવાનો ખુદ મ્યુનિ.એ જ સ્વિકાર કર્યો છે. મ્યુનિ.એ સ્વિકાર્યું છે કે શહેરમાં અનેક હેરીટેજ સાઈટો હોવા છતાં પ્રવાસીઓને આકર્ષવામાં મ્યુનિ. નિષ્ફળ રહ્યું છે. આ માટે હવે સેપ્ટનો સહારો લઈ સાઈટોના ડેવલપમેન્ટનું કામ હાથ ધરવા નિર્ણય કરાયો છે. જો કે પ્રોજેક્ટ કોસ્ટ નક્કિ કરાઈ નથી તે પૂર્વે સેપ્ટને પ્રોજેક્ટ કોસ્ટના ૪.પ ટકા મહેનતાણું ચુકવવાનો મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ ભેદી નિર્ણય કર્યો છે.
- પ્રોજેક્ટ કોસ્ટ નક્કી નથી ને સેપ્ટના ૪.પ ટકા નક્કી થતાં આશ્ચર્ય
- હેરિટેજ સ્થળો ભરપૂર છતાં ટૂરિસ્ટોને આકર્ષવામાં મ્યુનિ. કોર્પોરેશન નિષ્ફળ
તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરાયો હતો. મ્યુનિ. કમિશનર ડો.ગુરૂપ્રસાદ મહાપાત્રાએ દરખાસ્ત કરી જણાવ્યું હતું કે અમદાવાદ શહેર વર્લ્ડ હેરીટેજના દરજ્જા માટે આગળ વધી રહ્યું છે. શહેરમાં ઘણી જ હેરીટેજ ઈમારતો આવેલી છે. પરંતુ આ ઈમારતોની આજુબાજુ લેન્ડ સ્કેપિંગ, પબ્લિક યુટીલિટી તેમજ તેના રીનોવેશનનો વ્યવસ્થિત પ્લાન, ડેવલપમેન્ટ નહીં થવાના કારણે સારામાં સારી ટુરીસ્ટ જગ્યા હોવા છતાં ટુરીસ્ટોને આકર્ષી શકી નથી. શહેરના ઐતિહાસિક વારસાને જાળવવા તેમજ શહેરના ટુરીસ્ટોને આકર્ષવા આ હેરીટેજ સાઈટોને ડેવલપ કરવાનું પ્રથમ તબક્કામાં આયોજન કરાયું છે. જેમાં કુલ ૧૦ સાઈટો નક્કિ કરાઈ છે. આ સાઈટોને કેવી રીતે ડેવલપ કરવી તેના કન્સલટેશનની જવાબદારી સેપ્ટને સોંપવામાં આવી છે. આ માટે સેપ્ટ સાથે મ્યુનિ.એ એમઓયુ કર્યું છે. સેપ્ટને કન્સલટેશન ફી પેટે સમગ્ર પ્રોજેક્ટ કોસ્ટના ૪.પ ટકા ફી ચુકવવાની રહેશે. આશ્ચર્યની વાત એ છે કે પ્રોજેક્ટ કોસ્ટ કેટલી થશે તેનો અંદાજ હજુ લગાવાયો જ નથી. તો સેપ્ટને ૪.પ ટકા મહેનતાણું ચુકવવાની ગણતરી કેવી રીતે કરવામાં આવી તે તપાસનો વિષય છે.
કઈ સાઈટ વિકસાવાશે?
(એ)રિલિજિયસ ટૂરિઝમ
* સરખેજ રોજા મકબરા
* હઠીસિંગનું મંદીર શાહીબાગ
* ઝુલતા મીનારા ગોમતીપુર
* સીદી સૈયદની જાળી
(બી)ફેમીલી એન્ટરટેઈનમેન્ટ
* કેલીકો મ્યુઝીયમ શાહીબાગ
* કાંકરિયા તળાવ મણીનગર
* લો-ગાર્ડન માર્કેટ એલીસબ્રીજ
(સી)ફ્રીડમ આઈકોન
* ગાંધી આશ્રમ સાબરમતી
* કોચરબ આશ્રમ પાલડી
* સરદાર સ્મારક શાહીબાગ
સેપ્ટ શું કામગીરી કરશે?
ડોક્યુમેન્ટેશન ઓફ સાઈટ, પ્રપોઝલ ઓફ રીસ્ટોરેશન, કન્સેપ્ટ રીપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રકચર ઈમ્પ્રુવમેન્ટ પ્લાન, ડીટેઈલ ડિઝાઈન એન્ડ ટેન્ડરિંગ, કન્સ્ટ્રક્શન સ્ટેજમાં ર્વિંકગ ડ્રોઈંગ બનાવવા, સાઈટ સુપરવીઝન, બીલ ચેકિંગ.