પ્રેરણા - દિવ્યા શેઠ
‘હુંવધારે ભણી નથી તેનો મને સદા અફસોસ રહેતો, કદાચ તેના કારણે જ હું ચોકલેટ મેકિંગ, પર્સ મેકિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ વળી છું.’ આવું ઉત્સાહથી કહેતાં સુરતનાં ૬૧ વર્ષનાં રઝિયાબહેન ગાંગદાણીનો પોતાના શોખને પોષવા માટેનો જુસ્સો અનેરો છો. ભણતર નહીં, પરંતુ ગણતર જ કામ આવે છે તે ઉક્તિને સાર્થક કરતાં રઝિયાબહેને ‘ચોકલેટ હોમ’ નામનું પુસ્તક પણ બહાર પાડયું છે. તેમની સાથે થોડી ગોઠડી માંડતાં અન્યને મદદરૂપ થવાની તેમની તાલાવેલી અનુભવીને આનંદ થાય છે...
તમે ચોકલેટ મેકિંગ, પર્સ મેકિંગ, લેખન વગેરેની પ્રવૃત્તિ તરફ કેવી રીતે વળ્યાં?
મારાં મમ્મીને ભરત ગૂંથણ અને રસોઈનો શોખ હતો અને પિતાને લખાણનો શોખ હતો એટલે મને પહેલેથી આ બધું ગમતું. સિલાઈ પણ જાણતી. ત્રણ દીકરાઓમાંથી બે ભણીગણીને ડોક્ટર થયા અને બીજો એક દીકરો એમઆરના ફિલ્ડમાં મેનેજર થયો, ત્યાર બાદ ફુરસદની પળોમાં મારા શોખ પાછળ હું પૂર્ણપણે સમય આપતી થઈ. એ વખતે પર્સ, ચોકલેટ કે બાંધણી, સિરામિકના પોટ બનાવવાનું શીખી. ધીરે ધીરે એમાં નવા પ્રયોગો કરતાં મારી ફાવટ આવતી ગઈ. એટલે બીજાને શીખવવાનું શરૂ કર્યું.
તમે પ્રોફેશનલી કામ કરો છો?
ના. મારા પર ખુદાતાલાની મહેરબાની છે. મારા પતિ એમબીબીએસ છે. મારે આવકની કોઈ જરૂર નથી. જે જરૂરિયાતમંદ બહેનો શીખવા આવે તેને હું ઓછા પૈસે શીખવું છું. ઘણી વાર તો સધ્ધર ઘરની મહિલાઓ શીખવા આવે અને ફી ઓછી લેવાનો પ્રસ્તાવ મૂકે તો હું એ પ્રસ્તાવ સ્વીકારી લઉં છું.
તમે શોખની પરિપૂર્તિ કરવાની સાથે અન્ય મહિલાઓને મદદરૂપ થઈ શકો છો, તેની અનુભૂતિ કેવી છે?
આ બાબત ખરેખર આત્માને સંતોષ આપે છે કે આપણને ઉપરવાળાએ જે કંઈ કૌશલ્ય આપ્યું છે તે શોખને માણવાની સાથે અન્યને મદદરૂપ પણ થઈ શકીએ છીએ.
purti.nari@sandesh.com