પેરેન્ટિંગ - મોક્ષદા વ્યાસ
પેરેન્ટિંગ એક એવો મુદ્દો છે જે વિવેકબુદ્ધિ માગી લે છે. આ મુદ્દે સામાન્ય રીતે ઘણી વાર માતા-પિતા અસમંજસમાં હોય છે કે, બાળકની સાથે કેવી રીતે વર્તન કરવું? ત્યારે ચાલો જાણીએ કે બાળકને લાડ પ્યારનો કેટલો ડોઝ આપવો હિતાવહ છે.
* વધુ પડતાં લાડ પ્યાર પણ બાળકને બગાડે છે એ વાત તદ્દન સાચી છે, હદથી વધારે મળવાથી બાળકને લાગણીની કિંમત સમજાતી નથી અને બાળકબુદ્ધિ એટલી પરિપક્વ ન હોવાથી ઘણી વાર બાળક માતા-પિતાના વધુ પડતા પ્રેમનો ગેરફાયદો ઉઠાવતા પણ શીખી જાય છે. જે આગળ જતાં નુકસાનકારક સાબિત થાય છે.
* ઘણી વાર હરખઘેલાં માતા-પિતા બાળક સામે પ્રેમ પ્રર્દિશત કરવા માટે કીમતી રમકડાં અને ચીજવસ્તુઓનો ઢગલો કરી દે છે જે યોગ્ય નથી. બાળકને વસ્તુની જરૂરિયાત ઊભી થાય પછી જ જો તેને વસ્તુ આપવામાં આવે તો બાળકને તેની કિંમત સારી રીતે સમજાય છે. જરૂરિયાત પહેલાં જ જો બધી વસ્તુ મળી જાય તો બાળક વસ્તુની ઉપયોગિતા અને તેના મહત્ત્વને નહીં સમજી શકે,
* લાડ પ્યારના અતિરેકને લીધે ઘણી વાર માતા-પિતા બાળકને વાસ્તવિકતાથી દૂર રાખે છે. ઘરની નાની મોટી સમસ્યાનો બાળકને અણસાર ન આવે તેવો વ્યવહાર કરે છે. જે યોગ્ય નથી. બાળકને થોડા ઘણા અંશે વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરવા જોઈએ. આવું કરવાથી તે બાળપણથી જ પરિસ્થિતિ સામે લડતા અને સંજોગોને મેનેજ કરતા શીખશે, નહીં તો મોટા થયા બાદ તે જીવનના સંઘર્ષમાં બહુ જલદી નાસીપાસ થઈ જશે.
* પ્રેમનો અતિરેક ઘણી વાર બાળકને ભૂલ કરતા પણ નથી રોકતો. પેરેન્ટસ બાળકના ભૂલભરેલા વર્તનને નજરઅંદાજ કરે છે જે યોગ્ય નથી. આવું કરવાથી તેની ભૂલોનું પ્રમાણ વધતું જશે અને બાળક તેની ભૂલોની ગંભીરતાને નહીં સમજી શકે.
* ભૂલોની સાથે ઘણી વાર માતા-પિતા બાળકની ખામીઓને પણ નજરઅંદાજ કરે છે. પેરેન્ટ્સ ઘણી વાર બાળકને દુઃખ થશે એવું સમજીને ખામી વિશે બાળકને કહેતાં નથી અને નજરઅંદાજ કરે છે, પરંતુ આ સમયે પેરેન્ટ્સે બાળકની ખામીઓ અંગે જાગ્રત કરીને ખામીને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
* ક્યારેક એવું પણ બને છે કે, જે બાળકને ઘરમાં હદથી વધુ પ્રેમ મળે છે તે વડીલોનું અને અન્ય લોકોનું સન્માન જાળવવાનું ભૂલી જાય છે. ત્યારે માતા-પિતાએ સન્માનના મૂલ્યને સમજાવીને તેવું વર્તન કરવા માટે પ્રેરવા જોઈએ. પેરેન્ટ્સે પણ એવું આદર્શ વર્તન કરવું જોઈએ જેથી આ જોઈને બાળક કોઈનું અપમાન નહીં કરે.
વર્કિગ વુમન બાળક માટે સમય નથી આપી શકતી ત્યારે તે બાળકને મોંઘી ગિફ્ટ આપીને મનાવી લે છે, પણ પેરેન્ટિંગ બહુ સંવેદનશીલ મુદ્દો છે. તેથી બાળકને થોડો સમય આપવો જોઈએ અને તેની સાથે વાત કરીને સારા-નરસાનો ભેદ સમજાવવો જોઈએ. બાળકને એ સમજાવવું જોઈએ કે તેને સુખ, આરામની જિંદગી આપવા માટે પેરેન્ટ્સ કેટલી મહેનત કરે છે ત્યારે જ તેને તમારા પ્રેમની ખરા દિલથી અનુભૂતિ થશે અને તે પણ ખરા દિલથી આદર્શ અને સમજદાર સંતાન બનવાની કોશિશ કરશે.
ટૂંકમાં, પેરેન્ટસે બાળકને અવશ્ય પ્રેમ આપવો જોઈએ, પરંતુ પ્રેમ તેના વ્યક્તિત્વને પોષનાર બનવો જોઈએ, નહીં કે અવરોધક. તેના માટે પેરેન્ટ્સે જ થોડું સજાગ રહેવું જરૂરી છે.