Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:46:31 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

માતૃત્વના ઉત્સવને કઈ રીતે માણશો?

Apr 02, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 3513
Rate: 5.0
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - માનસી પટેલ

પ્રેગ્નન્ટ મોમ ઘરમાં પુરાઈ રહીને પોતાના બાળક માટે માત્ર ઊનનાં કપડાં જ ગૂંથતી હોય, એ જમાનો ગયો. ગર્ભાવસ્થા હવે ઘરમાં બીમારની જેમ પડયા રહેવાની અવસ્થા નથી રહી. સેલિબ્રિટીથી માંડીને સામાન્ય સ્ત્રીઓ પોતાના રોજિંદા જીવન સાથે જિંદગીના આ શ્રેષ્ઠ તબક્કાને વિવિધ રીતે માણતી થઈ છે. હવે તેને નથી પ્રેગ્નન્સીનો સંકોચ કે નથી કોઈ ખોટો ડર. આ અસામાન્ય અવસ્થાને સાહજિકતાથી માણવી એક અનોખો લહાવો છે. ઈશ્વરની આ દેનને હળવાશથી માણવામાં આવે તો આ દિવસો તમારી બેસ્ટ મેમરીઝ બની રહે છે

કહાની’ ફિલ્મમાં વિદ્યા બાલનની સગર્ભા મહિલા તરીકેની ભૂમિકા અને લંડનમાં યોજાયેલા સગર્ભા મહિલાઓના રેમ્પ વોકને કારણે નારીની ગર્ભાવસ્થાની ચર્ચાનો મુદ્દો બન્યો છે. કવયિત્રી રિતા રુડનરનું કહેવું છે કે લાઇફ ઇઝ ટફ વિધાઉટ હેવિંગ સમવન કિક યુ ફ્રોમ ઇનસાઇડ. સ્ત્રી માટે ગર્ભસ્થ શિશુ ગેલમાં આવીને લાત મારે, એ અનુભવ મહામૂલો હોય છે. માતૃત્વ સ્ત્રીને પૂર્ણ બનાવે છે, તેના જીવનને સાર્થકતા બક્ષે છે. કેટલીક ભ્રમણાઓ અને પરંપરાઓને કારણે એક જમાનામાં સગર્ભા મહિલાની હાલત તેને જાણે ‘નજરકેદ’ની સજા મળી હોય એવી રહેતી હતી પરંતુ સમય બદલાતાં આજે સેલિબ્રિટીથી માંડીને સામાન્ય સ્ત્રી પણ માતૃત્વનો ઉત્સવ મનભરીને માણી શકે છે. ગર્ભાવસ્થાના દિવસો એ સ્ત્રીના જીવનના સૌથી અગત્યના દિવસો હોય છે, કારણ કે એક નવા જીવનું સર્જન ફક્ત સ્ત્રીના ઉદરમાં જ થઈ શકે છે. વિશ્વના કોઈ પણ ખૂણે પ્રેગ્નન્ટ સ્ત્રી કંઈ પણ બોલ્યા વિના સન્માન અને સંભાળની અધિકારિણી બની જ જતી હોય છે. ‘કહાની’ મૂવિમાં આપણી એ સંસ્કૃતિની નક્કર રજૂઆત થઈ છે. આપણા સામાજિક રિવાજો હોય કે યુદ્ધના નિયમો, સગર્ભા સ્ત્રીને સાચવવાની પરંપરા રહી છે. અલબત્ત, જૂના જમાનાની કેટલીક માન્યતાઓ અને ભ્રમણાઓને કારણે તથા નવા જમાનામાં બ્યુટી અને ફિટનેસના ખોટા ખયાલોને કારણે ગર્ભાવસ્થા સ્ત્રી માટે ક્યારેક અનિચ્છનીય પણ બની રહેતી હતી. પણ હવે સમય બદલાયો છે,

તેમ લોકોની સમજ પણ બદલાઈ છે. સ્ત્રીની સ્થિતિ અને ભૂમિકામાં પણ મહાકાય પરિવર્તન આવ્યા પછી મહિલા માટે ગર્ભાવસ્થા ખરા અર્થમાં માણવાલાયક અનુભવ બની રહ્યો છે.

ગર્ભાવસ્થાને મોકળાશથી માણવાનો જમાનો છેલ્લા કેટલાક સમયથી ભારતીય સેલિબ્રિટી વિમેન પોતાની ગર્ભાવસ્થાને છુપાવ્યા વિના તે તબક્કામાં કામકાજ કરીને પોતાની સબળ અને ગરિમાસભર છાપ ઊભી કરવામાં સફળ રહી છે. એક સમય એવો હતો જ્યારે ફિલ્મી એક્ટ્રેસ પોતાનું ગર્ભવતી હોવાનું છુપાવતી. આ ઉપરાંત ઉપસેલા પેટ સાથે પોતાના પ્રશંસકોને મળવાનું પણ ટાળતી હતી. અથવા તો એ પ્રકારના પોશાક પહેરતી કે તે પ્રેગ્નન્ટ છે એવી કોઈને ખબર ન પડી જાય, કારણ કે જો લોકોને ખબર પડી જાય તો એક્ટ્રેસને કામ મળતું બંધ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થતી હતી. આજે પરિસ્થિતિમાં પલટો આવ્યો છે. અભિનેત્રીઓ મીડિયા સામે સહેજ પણ છોછ વિના સ્વીકારે છે કે પોતે ગર્ભવતી છે. આ ઉપરાંત તે નિશ્ચિંત થઈને આ અવસ્થામાં પૂરતી કાળજી રાખીને કામ પણ કરે છે. તો બાળકના જન્મ બાદ પહેલાંની જેમ જ સ્લિમ એન્ડ ટ્રીમ બોડીમાં અથવા તો પાછા પોતાના મૂળ ફિગરમાં આવીને ફરી કામે વળગી જાય છે. આવી હોટ મોમ્સની લાઇનમાં રવિના ટંડન, સોનાલી બેન્દ્રે, શ્રી દેવી, મલાઇકા અરોરા ખાન, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર, કાજોલ ઉપરાંત લેખિકા શોભા ડે સહિતની ઘણી સ્ત્રીઓ આવી શકે છે.

ઐશ્વર્યા રાયે ખૂબ સાહજિકતાથી બેબી બમ્પ સાથે થાઇલેન્ડમાં એડનું શુટિંગ કર્યું હતું. તો મંદિરા બેદી અને કોંકણા સેન શર્માએ પોતાની પ્રેગ્નન્સી દરમિયાન અવનવા ફોટો શૂટ કરાવ્યા હતા અને ડિઝાઇનર ક્લેક્શનમાં રેમ્પ વોક પણ કર્યું હતું. હવે તો નેશનલ ઇન્ટરનેશનલ મેગેઝિન પણ સેલિબ્રિટી સ્ત્રીઓની પ્રેગ્નન્સી દરમિયાન ફોટો શૂટ માટે મોટી રકમ ઓફર કરતાં હોય છે, પરંતુ બહુ ઓછી ભારતીય સેલિબ્રિટી સ્ત્રીઓ પોતાની આ ખાસ પળો અને પોતાના વિશિષ્ટ પોશ્ચરને લોકો સાથે શેર કરવાનું પસંદ કરે છે.

સેલિબ્રિટી સ્ત્રીઓની કોન્શિયસનેસ મીડિયા દ્વારા વિવિધ શહેરો અને ગામડાંઓની સ્ત્રીઓ સુધી પણ પહોંચે છે. જેને લીધે સ્ત્રીઓ ઘણી એડવાન્સ થઈ છે. ડોક્ટરનાં સલાહ સૂચન મુજબ સગર્ભા મહિલા પોતાને તથા ગર્ભસ્થ શિશુને ફાયદો થાય તેવાં પગલાં લેતા અચકાતી નથી. આજે માતા બનતી સ્ત્રી પોતાની હેલ્થ સાચવવાની સાથે સાથે ફેશન તથા ફિગર પ્રત્યે સભાન બની છે. એ ઉપરાંત હવે તેઓ દૃઢપણે માને છે કે તે પ્રેગ્નન્ટ છે, બીમાર નથી. અને તેઓ સ્વસ્થ હોય ત્યાં સુધી ડોક્ટરી સલાહની સાથે સાથે પૂરતી કાળજી લઈને જીવનના આ તબક્કાને વિવિધ રીતે માણી શકે છે. સો લેડિઝ... બેબી આવશે કે બાબો? તેની તપાસમાં પડયા વિના કે ચિંતા કર્યા વિના જીવનના આ શ્રેષ્ઠ તબક્કાને એમ વિચારીને માણવો જોઈએ કે ઈશ્વર તમારા પર મહેરબાન છે અને તેનો પુરાવો તમારું ઉપસેલું પેટ પૂરો પાડી રહ્યું છે.

ગર્ભાવસ્થામાં રહો ગોર્જિયસ

ગર્ભાવસ્થામાં પણ સ્ત્રી સ્ટાઇલિશ અને ગોર્જિયસ લાગી શકે છે. જોકે ગર્ભાવસ્થામાં પહેરવાના આઉટફિટ્સમાં ઇન્ડિયન કરતાં વેસ્ટર્ન ડ્રેસીસમાં વિકલ્પ વધારે મળી રહે છે.

- પ્રેગ્નન્ટ વુમન લોંગ ગાઉન, સ્માર્ટ પીનાફોમ, સ્ટ્રેચેબલ પેન્ટ,મેક્સી, સ્કર્ટ -ટોપ, ખૂલતાં શર્ટ, કુર્તા સરળતાથી પહેરી શકે છે.

- જેને ઇન્ડિયન લુક પસંદ હોય તે લૂઝ સલવાર, ખૂલતાં ટોપ પહેરી શકે.

- તમે પ્રેગ્નન્ટ હો એટલે તમારા દેખાવ પર ધ્યાન ન આપવું, એવું ન હોય. વાસ્તવમાં આ ગાળામાં આઉટફિટસ સાથે થોડાં એક્સપરિમેન્ટ કરીને સ્ટાઇલિશ અને ક્યૂટ લાગી શકો છો.

- ફ્લોઈ મટીરિયલ તથા શક્ય હોય ત્યાં સુધી કોટન મટીરિયલ પહેરવું. જેથી અકળામણ ન થાય.

- લાઇટ જ્વેલરી અને ફિટ ફ્લોપ ફૂટવેર સાથે તમે કમ્ફર્ટ અને સ્ટાઇલનું બેલેન્સ કરી શકો છો. હિલ પહેરવાનું ટાળવું.

- પેટ પાસેથી સ્પ્લિટવાળા, ડિઝાઇન કરેલા આઉટફિટ્સ બેબી બમ્પને થોડા છુપાવે છે.

- તમે સાડીમાં હળવાશ અનુભવતા હો તો ક્યારેક ખાસ પ્રસંગે સાડી અથવા તો ભારે ડ્રેસીસ પહેરી શકાય.

પૂર્વી દોશી, ફેશન ડિઝાઇનર, અમદાવાદ

પહેલાં અને પછી રહો ફિટ એન્ડ ફાઇન મોમ

- પ્રેગ્નન્ટ સ્ત્રી એકસરસાઇઝની મદદથી બાળકના જન્મ પહેલાં અને બાળકના જન્મ પછી એવી જ સુંદર રહી શકે છે.

- જો સ્ત્રીને કોઈ તકલીફ ન હોય તો તે નિષ્ણાત ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ એકસરસાઇઝ કરે તે ફાયદાકારક જ રહેશે.

- આ સમય દરમિયાન સ્ત્રીએ વર્કઆઉટનું પ્રમાણ થોડું ઘટાડવું જોઈએ.

- પેટનો ભાગ દબાય નહીં અને ધબકારા એક લિમિટ કરતાં વધે નહીં તેનું ધ્યાન રાખવું.

- એકસરસાઇઝથી પેલ્વિક તથા કમરના સ્નાયુઓ મજબૂત થતા હોય છે જેનો ઘણો ફાયદો થાય છે.

- સ્ત્રી સ્વસ્થ હોય તો છેલ્લા યોગ્ય માર્ગદર્શન હેઠળ છેલ્લા મહિના સુધી એકસરસાઇઝ કરી શકે છે.

- જો પ્રસૂતિમાં કંઈ તકલીફ ન થઈ હોય તો ડોક્ટરની સલાહ લઇને બે મહિના બાદ સ્ત્રી ફરીથી કસરત શરૂ કરીને પોતાનું ફિગર મેઇન્ટેઇન કરી શકે છે.

- યોગ્ય કસરત અને ડાયટના સહારે તમે વધેલી ચરબી ઓછી કરીને સુડોળ શરીર મેળવી જ શકો છો.

ફિટનેસ પ્રોગ્રામર, વેલોસિટી જિમ, અમદાવાદ

એવી કેટલીક બાબતો જે છેવટ સુધી રાખશે સ્વસ્થ

- નિયમિત ચેકઅપ અને ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી.

- બાળક સાથે મનોમન સંવાદ કરવો, તેને દુનિયાની ઓળખ આપવી.
- તણાવથી શક્ય તેટલા દૂર રહેવું.
- સ્વસ્થ હો તો બિનજરૂરી આરામ ન કર્યા કરવો.

- આલ્કોહોલ, ધૂમ્રપાન જેવું કોઈ પણ વ્યસન હોય તો તાત્કાલક ધોરણે છોડી દેવું.

- લોકોની નોખી-અનોખી વાતો સાંભળીને કન્ફ્યુઝ ન થવું, શરૂઆતથી ડોક્ટરની સલાહ-સૂચનોને અનુસરવું.

- શારીરિક તથા માનસિક પરિપકવતાને જોતાં ૨૬થી ૨૮ વર્ષનો ગાળો માતા બનવા માટે યોગ્ય છે. જો લગ્ન મોડાં થયાં હોય તો કંસીવ કરવામાં રાહ ન જોવી.

- સ્વસ્થ સગર્ભા સ્ત્રી ચોથાથી સાતમા મહિના સુધી ડ્રાઇવિંગ પણ કરી શકે છે.

- પ્રેગ્નન્સીનાં ૨૮ અઠવાડિયાં સુધી હવાઇ મુસાફરી પણ થઈ શકે.

કેટલીક ભ્રમણાઓથી દૂર રહેવું
- કેટલુંક ખાવાનું ગરમ/ઠંડું પડે.
- કેસરવાળું દૂધ પીવાથી બાળક ગોરું આવે
- સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણથી દૂર રહેવું.

- ગરમીના મહિનાઓમાં પ્રસૂતિ થઈ હોય તેમ છતાં કાને ચોવીસ કલાક સ્કાર્ફ બાંધી રાખવો.

અર્ચના શાહ, ગાયનેકોલોજિસ્ટ, અમદાવાદ

શ્રેષ્ઠ તબક્કાને કરો Enjoy

ગર્ભાવસ્થા જીવનનો ખાસ તબક્કો છે. તમે તમારી સાથે એક નવા જીવને પોષતા હો છો.આ સમયગાળાને આનંદથી માણવા તમે વિવિધ પ્રવૃત્તિ કરી શકો છો.

- ગર્ભાવસ્થાને લગતા યોગ, એરોબિક કે કસરતો નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવી.

- પ્રફુલ્લિત રહેવા માટે મનને ખુશ રાખે તેવું સંગીત સાંભળવું.

- તમારા રોજે રોજના અનુભવોને ડાયરીમાં ટપકાવતા રહો, એ રીતે તમારી સ્વીટ મેમરીને જીવનભર યાદ રાખી શકશો.

- ગર્ભાવસ્થાના જુદા જુદા તબક્કા પ્રમાણે આલબમ પણ બનાવી શકો.

- વાચન, ગાર્ડનિંગ, વોકિંગ,રૂટિન કામકાજ પણ હળવાશથી કરવાં.

- પ્રેગ્નન્સી અંગે તબક્કાવાર માર્ગદર્શન આપતી વેબસાઇટ પર રજિસ્ટર્ડ થઈને ઘેરબેઠા જરૂરી માર્ગદર્શન મેળવી શકાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com