શ્રીલંકા સામે આવતીકાલથી શરૂ થતી બીજી ટેસ્ટ ઇંગ્લેન્ડ માટે નિર્ણાયક બની રહેશે. ઇંગ્લેન્ડ માટે બીજી ટેસ્ટ જીતવી ફરજિયાત છે. ઇંગ્લેન્ડ હારશે કે આ ટેસ્ટ ડ્રો પણ પરિણમશે તો તે આઠ મહિનામાં આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવી દેશે. આ પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડને પાછળ મૂકી દક્ષિણ આફ્રિકાની ટીમ નંબર-૧ બની જશે. હાલ ઇંગ્લેન્ડ ૧૧૮ પોઇન્ટ સાથે ટોચના અને દક્ષિણ આફ્રિકાની ટીમ ૧૧૬ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. સ્ટુઅર્ટ બ્રોડ ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી ખસી જતાં તેના સ્થાને ટીમ બ્રેસ્નાનનો સમાવેશ નિશ્ચિત છે. આ ઉપરાંત મોન્ટી પાનેસરને સ્થાને સ્ટિવન ફિન્નને સામેલ કરવામાં આવે તેવી પણ સંભાવના છે. ઇંગ્લેન્ડના બેટ્સમેનો સતત બીજી શ્રેણીમાં સ્પિનરો સામે રમવામાં નબળા પડયા છે. પ્રથમ ટેસ્ટમાં રંગાના હેરાથે ૧૨ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો. સ્ટ્રાઉસ છેલ્લી ૨૩ ઇનિંગ્સથી એકેય સદી ફટકારી શક્યો નથી. સંભવિત ટીમ : શ્રીલંકા : દિલશાન, થિરીમને, સંગાકારા, જયવર્દને (સુકાની), સમરવીરા, ચંદિમલ/મેથ્યુસ, પ્રસન્ના જયવર્દને, સુરજ રન્દિવ, રંગાના હેરાથ, ઇરંગા, લકમલ. ઇંગ્લેન્ડ : સ્ટ્રાઉસ (સુકાની), કૂક, ટ્રોટ, પીટરસન, બેલ, બોપારા, પ્રાયર, બ્રેસ્નાન, સ્વાન, ફિન્ન, એન્ડરસન.