વડોદરા તા.૨
મુંબઇના કોલાબા વિસ્તારમાંથી ગઇકાલે ભેદી સંજોગોમાં અપહરણ કરાયેલા બન્ને બાળકો રાત્રે અત્રેના વડોદરા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા.જ્યાં બન્ને બાળકોએ તેઓનું અપહરણ થયુ હોવાની રજૂ કરેલી કેફિયતાના પગલે રેલવે પોલીસ ચોંકી ઉઠી હતી.
- પાંચ અપહરણકારોને ચકમો આપી ભાગી છુટયા હોવાની બાળકોની કેફિયત
કોલાબાના વાસવાની રોડ પરના ડો. બાબાસાહેબ આંબેડકરનગરમાં રહેતા સંતોષભાઇનો પુત્ર લખન આ વિસ્તારની કોર્પોરેશનની શાળામાં ધોરણ ૨માં અભ્યાસ કરે છે.જ્યારે આજ વિસ્તારમાં રહેતા નામદેવ રાઠોડ નેવી નગરમાં સફાઇ સેવક તરીકે નોકરી કરે છે.તેમનો પુત્ર સચીન પણ કોર્પોરેશન શાળામાં ધોરણ ૫માં અભ્યાસ કરે છે.
લખન અને સચીન ગઇકાલ તા.૧લી એપ્રિલના રોજ બપોરે નજીકના મેદાનમાં રમાતી ફૂટબોલની મેચ જોવા ગયા હતા.ત્યારે એક વ્યક્તિ તેઓ પાસે આવ્યો હતો.અને કારમાં વસ્તુ પડી છે તેનો હાથ જાય તેવો નથી તમે નાના હોવાથી હાથ જતો રહેશે તેવુ કહી બાળકોને કાર પાસે લઇ ગયો હતો.કાર પાસે બાળકો પહાંચતા જ તેઓને ધક્કો મારી કારમાં બેસાડી દીધા હતા.તેઓના મોઢા પર રૂમાલ મૂકી બેશુદ્ધ બનાવવા પ્રયાસ કર્યો હતો.કારમાં પાંચ અપહરણકારો હતા.તેઓને કારમાં બોરીવલ્લી લાવ્યા હતા.બોરીવલ્લી રેલવે સ્ટેશન નજીક કારમાંથી ઉતારીને તેઓને ચાલતા લઇ જવાતા હતા.ત્યારે લખન અને સચીન અપહરણકારોને ચકમો આપીને ભાગી છુટયા હતા.અપરહરણકારોથી બચવા તેઓ રેલવે સ્ટેશન પર પહાંચી ગયા હતા.જ્યાંથી ઉપડતી સંપર્ક ક્રાંતિ એકસપ્રેસમાં બેસી ગયા હતા.વડોદરા રેલવે સ્ટેશન આવતા અગાઉ ટી.સી એ બન્ને બાળકોને પૂછપરછ કરતા તેઓએ પોતાને પોલીસ પાસે લઇ જવા જણાવ્યું હતું.ટી .સીએ આ અંગેની જાણ આર.પી.એફને કરી હતી.તેઓએ રેલવે પોલીસને કરતા રેલવે પોલીસે બન્ને બાળકોનો કબજો મેળવી લીધો હતો.બાળકોના પિતા પોલીસ મથકમાં બાળકો ગુમ થયાની ફરિયાદ લઇને આવ્યા હતા.પોલીસે તેઓને બાળકો વડોદરા રેલવે પોલીસ મથકમાં હોવાનું જણાવતા બપોરે તેઓ આવી પહોંચ્યા હતા.બાળકો મળી જતાં તેઓનો આનંદનો કોઇ પાર રહ્યો ન હતો.રેલવે પોલીસે બન્ને બાળકોના પિતાના જવાબ લઇ તેઓને બાળકો સોંપી દીધા હતા.બન્ને બાળકોના પિતાએ ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી.