કોંગ્રેસે ગાંધી ટોપીને વિદાય આપી દીધી છે પણ સંઘ તેનો ગણવેશ બદલવા તૈયાર નથી
ઉત્તરપ્રદેશની ચૂંટણીઓમાં ધબડકા બાદ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઈચ્છશે ત્યાં સુધી ભાજપાના પ્રમુખ તરીકે નીતિન ગડકરી સલામત છે. વિકિલિક્સે થોડાક સમય પહેલાં તેવો ખુલાસો કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સુષ્મા સ્વરાજ અને અરૂણ જેટલી પર ભરોસો ના હોઈ સંઘના પ્રચારક નીતિન ગડકરીને ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવ્યા હતા. ભારતમાંથી અમેરિકા રાજદૂત તિમોથી ટોમર તરફથી ઓગસ્ટથી ડિસેમ્બર-૨૦૦૯ની વચ્ચે મોકલવામાં આવેલા એક ગુપ્ત સંદેશામાં આ તથ્ય બહાર આવ્યું છે. અમેરિકા પણ માને છે કે ભાજપાની આંતરિક બાબતોમાં આરએસએસની સીધી દરમિયાનગીરી હોય છે.
ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અત્યંત શુભ હેતુથી શરૂ કરવામાં આવેલું સાંસ્કૃતિક સંગઠન છે. આઝાદી પહેલાંથી એનું અસ્તિત્વ છે. જ્યારે જ્યારે કુદરતી આફતો આવી ત્યારે ત્યારે સંઘના કાર્યકરોએ અત્યંત કપરી માનવીય કામગીરી બજાવી છે. તે અત્યંત શિસ્તબદ્ધ સંગઠન ગણાય છે. રાજનીતિ પર તેનો પ્રભાવ છે. એલ.કે.અડવાણી જેવી વ્યક્તિને હોદ્દો છોડવાનું ફરમાન કરી શકે છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદે નીતિન ગડકરી તે સંઘની પસંદગી છે. નરેન્દ્ર મોદી સંઘમાંથી આવે છે. હેડક્વાર્ટર નાગપુર છે. નાગપુરથી ફોન આવે તો ભલભલા નેતાઓએ ત્યાં હાજર થવું પડે છે. આવા સંઘના વડા તરીકે મોહન ભાગવતની પસંદગી થઈ ત્યારે સહુથી વધુ પબ્લિસિટી તેમને મળી. સંઘના નેતાઓ બહુ મીડિયા સમક્ષ આવતા નથી. પરંતુ મોહન ભાગવત સહુથી વધુ મીડિયા સમક્ષ આવ્યા. મોહન ભાગવતે જ્યારે સંઘના સરસંઘચાલકનો હોદ્દો ધારણ કર્યો ત્યારે એમ માનવામાં આવતું હતું કે, સંઘના વડા ભાજપાની ચાલ, ચરિત્ર અને ચહેરો સુધારવાની સાથે-સાથે સંઘની કેટલીક રીતિ-નીતિઓ પણ બદલવા માંગે છે. એક-બે વાર મોહન ભાગવતે એમ પણ કહ્યું કે સંઘની મૂળભૂત માન્યતા છે કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે- તે માન્યતા સિવાય સંઘમાં બીજું કાંઈપણ બદલી શકાય તેમ છે. ટૂંકમાં મોહન ભાગવતની ઈચ્છા સંઘને આજના સમયને અનુકૂળ બનાવવાની હતી.
- પરંતુ કેટલાક સમય પહેલાં કુરુક્ષેત્રમાં મળેલી સંઘની સર્વોચ્ચ નીતિ નિયામક પ્રતિનિધિ સભામાં મોહન ભાગવત તેમની ઈચ્છાઓનો અમલ કરવાની બાબતમાં હારી ગયા. મોહન ભાગવતને એ વાતની અનુભૂતિ થઈ ગઈ કે સંઘમાં કોઈપણ બદલાવ લાવવાનું કામ અઘરું છે. મોહન ભાગવત સંઘના પ્રમુખ બન્યા તે પહેલાં માનતા હતા કે ‘સંઘના ગણવેશમાં પરિવર્તન લાવવું જરૂરી છે ?’ ભાગવતની વાત સાચી છે કે આજે નવી પેઢી બર્મુડા પસંદ કરે છે ત્યારે પહોળી પહોળી ખાખી ચડ્ડી, જૂના ફોજદાર જેવો ચામડાનો બ્રાઉન બેલ્ટ અને માથે કાળી ટોપી હવે આઉટ ઓફ ડેટ છે. કોંગ્રેસે પણ ગાંધી ટોપીને જ વિદાય આપી છે. ભારતના પ્રધાનો પણ ટોપી પહેરતા નથી. અડવાણીજી પછી ધોતિયાં પહેરનારા નેતા ભાજપામાં શોધવા મુશ્કેલ છે. સંઘમાંથી જ આવતા નરેન્દ્ર મોદી સ્ટાઈલીસ્ટ ઝભ્ભા, પેન્ટ-ટી શર્ટ, માથે હેટ અને પ્રસંગોચિત અવનવાં વસ્ત્રો ધારણ કરે છે. ત્યારે સંઘ હજુ પણ ૧૦૦ વર્ષ પુરાણા ખાખી ચડ્ડીના ડ્રેસ કોડમાંથી બહાર આવતો નથી. આ વાત ભાગવતને ખબર છે. તેમણે સંઘના વરિષ્ઠ પ્રચારકોને સંઘનો ગણવેશ બદલવાની ઈચ્છા અંગે જાણ કરી. સંઘના વિભિન્ન પ્રાન્ત યુવા પ્રચારકોએ પણ ગણવેશ બદલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સંઘના બીજા બુઝુર્ગ પ્રચારકોએ ગણવેશ બદલવાનો સદંતર ઈન્કાર કરી દીધો. કુરુક્ષેત્રમાં મળેલી સંઘની પ્રતિનિધિ સભા પૂર્વે તેનો એજન્ડા નક્કી કરવા જે બેઠક મળી તેમાં ફક્ત બેલ્ટ બદલવા પર જ સહમતિ બની શકી. બાકી સંઘનો ગણવેશ બદલવાની વાતને આવતા પાંચ વર્ષ માટે અભરાઈ પર ચડાવી દેવામાં આવી. સંઘના વરિષ્ઠ પ્રચારકોના આ ફેંસલાથી મોહન ભાગવત નારાજ પણ જણાયા. પ્રતિનિધિ સભાની સમાપ્તિ વખતે તેમણે આપેલા પ્રવચનમાં આ નારાજગી તેઓ છૂપાવી શક્યા નહીં. તેમણે ગણવેશના મુદ્દાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘સ્વયંસેવકની પહેચાન તેના ગુણોથી થાય છે. ગણવેશથી નહી.’
મોહન ભાગવત સાચા છે. એક માત્ર સંઘમાં જ નહીં પરંતુ સમાજના તમામ ક્ષેત્રોમાં, શિક્ષણમાં, રાજનીતિમાં, કાયદા કાનૂનમાં, આપણે એટલા બધા રૂઢિચુસ્ત છીએ કે તેને બદલતાં વર્ષો લાગે છે. ભૂતકાળની રૂઢિઓને ‘ભવ્ય પરંપરા’નું રૂપકડું નામ આપી ખોટી આત્મશ્લાધા કરીએ છીએ. ભારત જેવા અસહ્ય ગરમ દેશમાં ૪૫ ડીગ્રી ગરમી હોય તો પણ વકીલોએ કોર્ટમાં કાળો કોટ પહેરીને જ કેસ ચલાવવો પડે છે. શુ ભારતીય તાપમાનને અનુકૂળ કોઈ ગૌરવર્પૂ્ણ ડ્રેસકોડ વકીલોને આપી ના શકાય. હાઈકોર્ટો વાતાનુકૂલિત હોય છે પરંતુ નીચલી કોર્ટોમાં તો પંખાના ઠેકાણાં પણ હોતા નથી. આ રૂઢીઓમાંથી સંઘ પણ બાકાત ના રહ્યો અને તેથી જ કુરૂક્ષેત્રમાં સંઘનો ડ્રેસકોડ બદલવામાં નિષ્ફળ રહેલા ભાગવત માટે ભાજપાના એક વરિષ્ઠ નેતાએ રમૂજમાં કહ્યું :’મોહન ભાગવત ભાજપાના પ્રમુખ બદલી શકે છે પણ સંઘની ચડ્ડી નહી.’
કમનસીબી એ વાતની હતી કે, સંઘનો ગણવેશ બદલવાનો પ્રસ્તાવ મોહન ભાગવતે જ મૂક્યો હતો અને પહેલી મિટિંગમાં જ આ પ્રસ્તાવ ઉડાડી દેવાયો હતો.
આવું જ પ્રેસ કોન્ફરન્સ અંગે થયું. પાછલા વર્ષ દરમિયાન મોહન ભાગવતે કેટલીક પત્રકાર પરિષદોને સંબોધી હતી. હવે મોહન ભાગવતે પત્રકાર પરિષદો સંબોધવાનું બંધ કરી દીધું છે. આમ ભાગવતની ઈચ્છાથી નથી થયું. પરંતુ સંઘના વરિષ્ઠ પ્રચારકોને એમ લાગ્યું કે ભાગવતે ગયા વર્ષે સહુથી વધુ પત્રકાર પરિષદો સંબોધી તેના કારણે જ સહુથી વધુ વિવાદો થયા. આ કારણથી આ વર્ષના કાર્યક્રમોમાં હવે સંઘના એજન્ડામાંથી પત્રકાર પરિષદોને હટાવી દેવામાં આવી છે. સંઘ ભારતીય સંસ્કૃતિ માટે કામ કરતું સાંસ્કૃતિક સંગઠન છે તેથી અંદર બધું જ સુંદર છે તેવું નથી. સંઘની ભીતર પણ મતભેદો છે. સંઘના વડા મોહન ભાગવત અને બીજા વરિષ્ઠ પ્રચારકો વચ્ચે મતભેદો છે. અને તે મતભેદો ભાગ્યેજ બહાર આવે છે. સંઘ એક શિસ્તબદ્ધ સંગઠન છે. અંદર ભારે ગુપ્તતા જળવાય છે. પરંતુ આજના સમયમાં બધું જ ગુપ્ત રાખવું શક્ય નથી.