મસ્તીનાં પૂર - સાંઈરામ દવે
આખા વરસમાં ગયો માર્ચ એ એકમાત્ર એવો મહિનો હતો જે કોઈ નાની મોટી જ્ઞાતિના મહાસંમેલન વગર પૂરો થયો. નહીંતર આ વરસે તો મૌસમ હાલી’તી શંભુમેળાઓ ભરવાની. જ્ઞાતિનો ઉપયોગ સદીઓથી સત્તા ઉપર બેસવાની સીડીરૂપે કરવામાં આવે છે. આ વાત તમામ જ્ઞાતિના લોકો જાણે છે છતાં છેતરાય છે, કારણ કદાચ પારકા છેતરે એના કરતાં પોતાનાથી છેતરાવાની લોકોને ટેવ પડી ગઈ છે.
મહાસંમેલનો દ્વારા દરેક જ્ઞાતિ પોતાનો મસલપાવર બતાવી અને સરકારી સત્તારૂપી કન્યાને પઈણાવવા માટે પોતાની નાત પાસે કેટલા મુરતિયા છે એનો સ્વયંવર કરતી હોય એવું લાગે છે. સ્ટેજ ઉપર જ્ઞાતિના સંપની મસમોટી વાતો થાય છે અને એકબીજાને પંપ મારવામાં આવે છે. સંગઠનના અફીણિયા વાતાવરણમાં ઠન ઠન ગોપાલો ગળાં બેસી જાય ત્યાં સુધી નારાઓ લગાવે છે. સામા થાય એને પાડી દેવાના પાવર પ્લાન રજૂ કરાયા છે. આખી ધરતી ઉપર આપણી નાતથી મોટું કોઈ છે જ નહીં અને જે છીએ તે આપણે જ છીએ, આવા અહંનાં ઈંજેક્શનો સમગ્ર સમૂહને શબ્દોની સોયથી લગાવવામાં આવે છે.
એક સંમેલનમાં સમાજના પરમ મુરખશ્રી (ઓહ સોરી... પ્રમુખશ્રી) સંબોધન કર્યું કે આપણી નાતને આગળ આવવાની જરૂર છે તો આ સાંભળી અડધા લોકો સ્ટેજ ઉપર આગળ પહોંચી ગયા. કદી નિશાળે ન ગયા હોય એવાં જ્ઞાતિરત્નો સમાજને તતડાવીને ભાષણો ઠબકારે છે કે આપણા સમાજમાં શિક્ષણની તાતી જરૂર છે. બગલાની પાંખ જેવા ધોળાફૂલ સુટ ઉપર કાળા ડામર જેવા બૂટ ટટકારી ચમકતી ટાલ સાથે અને ફૂલેલી ફાંદ સાથે અમીર જ્ઞાતિજનો સમાજ ઉપર ઉપકાર કરતા હોય એમ લાખો અને કરોડોનાં દાનના આંકડા જાહેર કરી લોકોની તાળીઓ ઉઘરાવે છે. આપણી જ્ઞાતિ માટે કે જ્ઞાતિના વિકાસ માટે આપેલી રકમને ‘દાન’ કહેવામાં મારો સંસ્થાગત વિરોધ છે. જે જ્ઞાતિમાં આપણે જન્મ્યા, જે નાતે આપણને પોતાના ગણ્યા એ જ્ઞાતિ માટે તમે કંઈ પણ આપો છો ત્યારે એ ‘ઋણ સ્વીકાર’ કહેવાય. મારા મતે ડાબા હાથને ખબર ન પડે અને જમણો હાથ કૈંક આપી દે એને દાન કહેવાય. બાકી છાપામાં ફોટા આપવા કે નામ આપવા માટે અપાતી રકમો એ દાન નહીં માત્ર શક્તિ પ્રદર્શનો કહી શકાય. દરેક જ્ઞાતિનાં સંમેલનોમાં એક જ સૂર જોવા મળે છે કે આપણે આગળ નથી વધવું પણ ફલાણી જ્ઞાતિને પાડી દઈ દેખાડીને આગળ વધવું છે. દરેક કોમ સંગઠિત થાય અને આગળ વધે એનો મને પણ રાજીપો છે પણ એક કોમ બીજી કોમને કચડીને આગળ વધવા ચાહે એ વિઘાતક છે.
દાનથી યાદ આવ્યું. એક ભાઈએ જ્ઞાતિની વાડીમાં પંખાનું દાન કર્યું અને ત્રણેય પાંખિયાં ઉપર પોતાની ત્રણેય પેઢીયુનાં નામ ચીતરાવ્યાં પછી તો જેવો કોઈ પંખો ચાલુ કરે એટલે આ ભાઈની ત્રણ પેઢી ઘુમરે ચડે. મહિના દિવસ પછી ઈ પંખાના દાનવીર પ્રમુખને કહેવા આવ્યા કે જ્યારથી અમે નાતની વાડીમાં પંખાદાન કર્યું છે ત્યારથી કુટુંબમાં બધાયને માથું દુખ્યા કરે છે. પ્રમુખ કહે આ પંખા ઉપરથી વડવાનાં નામ કઢાવો એમાં જ માથાં દુખે છે. સાતસો રૂપિયાના સડેલ પંખામાં નાતને બતાવવાનું ન હોય કે તમે દાનવીર કર્ણના અવતાર છો.
આવું ને આવું ચાલ્યું તો વીસ વરહ પછી દરેક કોમના અલગ અલગ ફતવાઓ રોજ બહાર પડશે કે આપણી ફલાણી જ્ઞાતિએ ઢીંકણું શેમ્પૂ જ વાપરવું. આપણી ફલાણી જ્ઞાતિએ ઢીંકણું તેલ જ વાપરવું એન્ડ મોરલ ઓફ ધ સ્ટોરીઝ આપણી નાતે ઢીંકણી અભિનેત્રીની જ ફિલ્લમ જોવી (કારણ ઈ એક જ આપણી નાતની છે). આપણી નાતે ઢીંકણા કલાકારને જ બુક કરવો (કારણ કે સમ ખાવા ઈ એક જ આપણો કલાકાર છે).
યાર કોમવાદનું જો રિએક્શન આવશે તો ક્યાંક આપણી સદીઓ જૂની રાષ્ટ્રપ્રેમની સરવાણીને સૂકવી તો નહીં નાંખેને? આપણી કોમ સિવાય આપણે ગુજરાતી પણ છઈએ એક ભારતીય પણ છઈએ. અમિતાભ બચ્ચન, સચીન, લતા, ગુલામઅલી, જેવી સેંકડો પ્રતિભાઓને તમે એની જ્ઞાતિથી ઓળખો છો કે એની કલા અને કૌશલ્યોથી? અને સામા પક્ષે દરેક સમાજના પ્રમુખોને અભિનંદન. આજે એક બાપનાં પાંચ છોકરાં ભેગાં થતાં નથી, આ મિત્રોએ લાખો જ્ઞાતિજનોને એક છાબડે ભેગા તો કર્યા. ચીયર્સ. સમાજના કલ્યાણ માટે મેળવેલાં ડોનેશનો સરકારી કૌભાંડોની જેમ ચાંઉ ન થાય એવી પ્રભુ પ્રાર્થના કરું છું, કારણ કે નાત માટે કામ કરવું એ કોલસાની ખાણ માટે કામ કર્યા જેવું છે. જશ મળે કે ન મળે જોડાં તો તૈયાર જ હશે. પ્રમુખોને વંદન, વાડા ભલે મજબૂત કરીએ પણ એકમાંથી બીજા વાડાને મદદ કરી શકો એવાં છીંડાં પણ રાખીએ. આપણી આજુબાજુના કોઈ પણ માણસને જ્યારે આપણે એની કોમથી નહીં પણ કૌશલ્યોથી ઓળખતા થાશું ત્યારે રામ રાજ્યનો પાયો નંખાશે અને એક જ્ઞાતિ જ્યારે બીજી આખી જ્ઞાતિને મદદ કરતી થાશે ત્યારે સાચું રામરાજ્ય સ્થપાશે. વેઇટિંગ ફોર ઈટ ઇગરલી.
હાઉકલી
એવી કઈ વસ્તુ છે જે ફ્રીજમાં રાખો તોય ગરમ જ રહે - ગરમ મસાલો
mastinapur@gmail.com