Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 01:11:22 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

મારી પાસે જ્યારે મારાં ઘેટાં હતાં ત્યારે હું બહુ ખુશ હતો

Apr 03, 2012 Supplements > Ardha Saptahik
 
comment     E-Mail     Print    
 
Viewed: 1378
Rate: 3.6
Rating:
Bookmark The Article

 એલકેમિસ્ટ - પોલો કોએલો પ્રકરણ ૯

મને મારો ખજાનો કદી મળ્યો નહીં. મારી પાસે જે કંઈ થોડું છે તેને જ હું વળગી રહીશ, કારણ કે વિશ્વને જીતવા માટે હું તદ્દન નકામો અને નગણ્ય બની ચૂક્યો છું.તેણે પોતાનો થેલો ખોલ્યો - એ જોવા કે તેમાં શું બચ્યું છે. કદાચ વહાણ પર ખાધેલી સેન્ડવીચનો ટુકડો પણ હોય. પણ થેલામાંથી ફક્ત પેલી જાડી ચોપડી, તેનું જાકીટ અને વૃદ્ધે આપેલાં બે રત્નો જ નીકળ્યાં

તમે વાચ્યું

અહીં તહીં ભટકી રહેલા સાન્તિયેગોને એટલી ખબર પડી ગયેલી કે ખજાનો ક્યાંક ઈજિપ્તના પિરામિડોમાં છે. એ તરફ જતાં તેને રસ્તામાં જાતભાતના માણસો મળતાં. કોઈક સલાહ આપતું તો વળી કોઈક ખજાનામાં ભાગ પડાવવાની તૈયારી દાખવતું. એ પિરામિડ સુધી કઈ રીતે પહોંચી ખજાનો મેળવી શકાય તેની વેતરણમાં હતો.

હવે વાંચો..

તેણે પોતાની થેલીમાંથી પૈસા કાઢીને યુવાનને બતાવ્યા. શરાબખાનાનો માલિક પણ નજીક આવ્યો અને પૈસા જોયા. બંને જણાએ અરબી ભાષામાં કંઈક વાત કરી અને માલિક થોડો ચીડાયેલો જણાયો.

ચાલ, આપણે અહીંથી નીકળી જઈએ.” યુવાને કહ્યું, “એ ઇચ્છે છે કે આપણે જતા રહીએ.

છોકરાને હાશ થઈ. તે બિલ ચૂકવવા ઊભો થયો પણ માલિકે તેને પકડયો અને ગુસ્સામાં કશું કહેવા લાગ્યો. છોકરો મજબૂત હતો અને એ સામનો કરવા માગતો પણ હતો, પરંતુ એ વિદેશી ભૂમિ હતી. તેના નવા મિત્રે માલિકને બાજુ પર હડસેલ્યો અને છોકરાને પોતાની સાથે બહાર ખેંચી ગયો. તેને તારા પૈસા ઝૂંટવી લેવા હતા. બાકીના આફ્રિકા જેવો આ પ્રદેશ નથી. આ એક બંદર છે અને દરેક બંદરે ચોરો હોય જ છે.

છોકરાને એના નવા મિત્ર પર ભરોસો બેઠો. એક જોખમી પરિસ્થિતિમાં તેણે તેને મદદ કરી હતી. તેણે પૈસા બહાર કાઢીને ગણી લીધા.

કાલ સુધીમાં આપણે પિરામિડો સુધી પહોંચી શકીએ.” પૈસા સ્વીકારતાં યુવાન બોલ્યો, “પણ મારે બે ઊંટ ખરીદવાં પડશે.

ટેન્જિયરની સાંકડી ગલીઓમાં બંને સાથે ફરવા લાગ્યા. બધે જ કંઈ ને કંઈ વસ્તુ વેચાણ માટે મુકાઈ હતી. તેઓ પછી એક મેદાનમાં આવ્યા જ્યાં મોટી બજાર હતી. ત્યાં એકમેક સાથે ભાવની રકઝક કરતા, ખરીદી કરતા, ચીજો વેચતા હજારો લોકો હતા. શાકભાજીની સાથે જ છરાઓ હતા અને જાજમો સાથે તમાકુ મુકાઈ હતી, છતાં પોતાના નવા મિત્ર સામેથી છોકરાએ નજર ખસેડી જ નહીં. છેવટે તો હવે એની પાસે તેના બધા પૈસા હતા, પણ તેણે પૈસા પાછા માગવાનો વિચાર કર્યો, પણ તેને લાગ્યું કે તેવું કરવું મિત્રતાપૂર્ણ નહીં લાગે. જે અપરિચિત ભૂમિમાં તે હતો તેના રીતિરિવાજ વિશે પોતે તદ્દન અજાણ હતો.

હું તેના પર નજર રાખતો રહીશ.” તેણે વિચાર્યું. તે જાણતો હતો કે નવા મિત્ર કરતાં પોતે વધુ બળવાન હતો.

અચાનક એ આખી ધમાલની વચ્ચે તેણે આજ સુધીમાં જોયેલી સૌથી વધુ સુંદર તલવાર જોઈ. તેના મ્યાનમાં ચાંદીની કોતરણી કરી હતી અને કાળા હાથામાં સુંદર રત્નો જડયાં હતાં. તેણે સંકલ્પ કર્યો કે જ્યારે ઇજિપ્તથી પાછો ફરશે ત્યારે આ તલવાર તે ચોક્કસ ખરીદશે.

***

પેલા દુકાનવાળાને જરા પૂછો તો કે આ તલવારની કિંમત શું છે?” તેણે મિત્રને કહ્યું. પછી તેને ખ્યાલ આવ્યો કે જ્યારે તે તલવારને જોઈ રહ્યો હતો તે દરમિયાન થોડી ક્ષણો માટે તેનું ધ્યાન મિત્ર પરથી હટી ગયેલું, તેનું હૃદય એક થડકારો ચૂકી ગયું, છાતી જાણે દબાણ અનુભવી રહી. એ આજુબાજુ નજર કરતાં ભય અનુભવી રહ્યો હતો, કારણ કે શું દેખાશે એની તેની ખબર હતી. તે સુંદર તલવાર સામે તે હજી થોડી વાર જોઈ રહ્યો અને હિંમત એકઠી થઈ ત્યારે પાછળ ફર્યો.

તેની આસપાસ આખું બજાર હતું, લોકોની આવનજાવન હતી, તેઓ બૂમો પાડતા હતા, ખરીદી અને વેચાણ કરતા હતા અને કોઈ અપરિચિત વાનગીઓની સુગંધ આવતી હતી, પણ પેલો નવો સાથીદાર તેને ક્યાંય ન દેખાયો.

છોકરાને થયું કે અકસ્માતે જ તેનો મિત્ર તેનાથી છૂટો પડી ગયો હોય એમ પણ બને. તેણે ત્યાં જ રોકાવાનો અને તેની રાહ જોવાનો નિર્ણય કર્યો. તે રાહ જોઈ રહ્યો હતો ત્યારે એક મૌલવી પાસેના મિનાર પર ચડયો અને બાંગ પોકારવા લાગ્યો. બજારમાંના સહુ ઘૂંટણિયે પડયા, જમીન પર કપાળ ટેકવવા લાગ્યા અને બાંગમાં સૂર પુરાવવા લાગ્યા. પછી કામગરી કીડીઓના રાફડાની જેમ પોતપોતાની દુકાનો સમેટીને ચાલતા થયા.

સૂર્ય પણ જવાની તૈયારી કરવા લાગ્યો. છોકરો થોડો સમય ક્ષિતિજને નીરખી રહ્યો. સૂર્ય બજારની આસપાસનાં ધોળાં ઘરોની પાછળ પહોંચી ગયો. તેને આજના દિવસે સૂર્ય ઊગ્યો હતો તે ક્ષણ યાદ આવી. તે સમયે પોતે પૃથ્વીના બીજા જ ખંડમાં હતો, હજી ૬૦ જેટલાં ઘેટાંનો માલિક હતો અને એક છોકરીને મળવાની ઝંખના સેવી રહ્યો હતો. એ સવારે પોતાનાં જાણીતાં બીડ ખૂંદતી વખતે જે કંઈ થવાનું હતું તે બધું જ એ જાણતો હતો, પરંતુ હવે જ્યારે એ સૂર્ય ઢળવા લાગ્યો છે ત્યારે તે કોઈ જુદા જ ખંડમાં હતો. એક અપરિચિત ભૂમિમાં અપરિચિત માનવ, ત્યાંની ભાષાથી પણ અજાણ. હવે તે ભરવાડ પણ નહોતો રહ્યો. તેની પાસે કશું નહોતું, પાછા જવાની ટિકિટના પૈસા પણ નહીં અને બધું તેણે નવેસરથી શરૂ કરવાનું હતું.

આ બધું જ સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે બની ગયું... છોકરો વિચારમાં પડી ગયો. તેને પોતાની દયા આવતી હતી. જીવન આટલું અચાનક, આટલી ખરાબ રીતે પલટાઈ ગયું તે મુદ્દે એ શોક કરવા લાગ્યો.

તેને એટલી ગ્લાનિ થઈ આવી કે તેને રડવાનું મન થઈ ગયું. પોતાનાં ઘેટાંનીય સામે તે કદી રડયો નહોતો. પણ બજાર હવે ખાલી હતી, તે ઘરથી ખૂબ દૂર હતો એટલે તે રડયો. એ રડયો કારણ કે ઈશ્વરે એની સાથે અન્યાય કર્યો હતો અને જે લોકો પોતાનાં સ્વપ્નોમાં વિશ્વાસ રાખતાં હોય તેમને ઈશ્વર આવા દિવસ દેખાડતો હતો.

મારી પાસે જ્યારે મારાં ઘેટાં હતાં ત્યારે હું બહુ ખુશ હતો અને મારી આસપાસના લોકોને પણ ખુશ કરતો હતો. મને આવતો જોઈને લોકો મને આવકારતા, પણ આજે હું દુઃખી અને એકલો છું. એક વ્યક્તિએ મને છેતર્યા છે, તેથી હું કડવાશભર્યો બની જઈશ અને લોકો પર અવિશ્વાસ રાખીશ. હું એ લોકોને ધિક્કારીશ જેમણે પોતાનો ખજાનો શોધી લીધો હશે, કેમ કે મને મારો ખજાનો કદી મળ્યો નહીં. મારી પાસે જે કંઈ થોડું છે તેને જ હું વળગી રહીશ, કારણ કે વિશ્વને જીતવા માટે હું તદ્દન નકામો અને નગણ્ય બની ચૂક્યો છું.

તેણે પોતાનો થેલો ખોલ્યો - એ જોવા કે તેમાં શું બચ્યું છે. કદાચ વહાણ પર ખાધેલી સેન્ડવીચનો ટુકડો પણ હોય. પણ થેલામાંથી ફક્ત પેલી જાડી ચોપડી, તેનું જાકીટ અને વૃદ્ધે આપેલાં બે રત્નો જ નીકળ્યાં.

રત્નો જોઈને કોઈ અકળ કારણસર તેને હાશકારો થયો. તેણે છ ઘેટાં આપીને સોનાના કવચમાં જડેલાં બે રત્નો મેળવ્યાં હતાં. આ રત્નો તે વેચીને પાછા ફરવાની ટિકિટ મેળવી શકે, પણ આ વખતે હું વધુ ચતુર બનીશ, છોકરાએ વિચાર્યું અને થેલામાંથી કાઢીને રત્નોને ખિસ્સામાં મૂક્યાં. આ એક બંદર ધરાવતું શહેર હતું અને તેના મિત્રે તેને એક સત્ય તો કહ્યું જ હતું કે, બંદરવાળાં શહેરોમાં ઘણા ચોર હોય.

હવે તેને સમજાયું કે શરાબખાનાનો માલિક શાથી આટલો વ્યગ્ર બની ગયો હતો. તે તેને સમજાવવા માગતો હતો કે પેલા યુવાન પર તે વિશ્વાસ ન રાખે. હું બીજા બધા જેવો જ છું - દુનિયામાં દરેક બાબતને હું મારી જ રીતે જોઉં છું, નહીં કે તે વાસ્તવમાં છે તે રીતે.

રત્નો પર તેણે હળવેથી હાથ ફેરવ્યો, તેની ઉષ્મા અને સુંવાળી સપાટીનો સ્પર્શ અનુભવ્યો. તે જ હવે તેનો ખજાનો હતો. તેના સ્પર્શથી જ તેને સારું લાગ્યું. તેને વૃદ્ધની વાત યાદ આવી.

તેણે કહ્યું હતું, “જ્યારે આપણે કંઈક મેળવવાની ઇચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શક્તિ આપણી મદદે આવે છે.

વૃદ્ધના શબ્દોના તથ્યને સમજવાનો તે પ્રયત્ન કરવા લાગ્યો. આ ખાલી થઈ ગયેલી બજારમાં તે ઊભો હતો, પાસે ફૂટી કોડી પણ નહોતી અને રાત્રે જેનું ધ્યાન રાખવું પડે એવું એક ઘેટું સુધ્ધાં નહોતું. આ રત્નો એ વાતનો પુરાવો હતાં કે તે એક રાજાને મળ્યો હતો - એક રાજા, જેને છોકરાના ભૂતકાળની જાણ હતી. “તેમને યુરીમ અને થુમીમ કહે છે અને તને શુકન સમજવામાં તે મદદ કરશે.” છોકરાએ રત્નો પાછાં થેલીમાં મૂક્યાં અને એક પ્રયોગ કરવા વિચાર્યું. વૃદ્ધે કહ્યું હતું કે તદ્દન સ્પષ્ટ પ્રશ્નો કરવા અને તે માટે છોકરાએ એ જાણવું જોઈએ કે તેને શું જોઈએ છે. તેણે પૂછયું કે શું વૃદ્ધના આશીર્વાદ તેની સાથે હજી પણ હતા ખરા? (ક્રમશઃ) 

(સુધા મહેતા દ્વારા અનુવાદિત ‘એલકેમિસ્ટ’માંથી, પ્રકાશકઃ આર.આર. શેઠ)

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com