Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:15:00 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News અમદાવાદના અશોક ગજ્જર-ભારતીબેનનું ઉત્તરાકંડમાં મોત
 

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું વિચારો છો? (વિઝા એ ટુ ઝેડ)

Apr 03, 2012 Supplements > Columnist
 
Tags:   Visa Guide comment     E-Mail     Print    
 
Viewed: 12032
Rate: 4.6
Rating:
Bookmark The Article

વિઝા એ ટુ ઝેડ - મૌલિન રમેશ રાવલ

અહીં દર વખતે આપણે વિઝા સંબંધિત સવાલ જવાબની ચર્ચા કરીએ છીએ. એ સંદર્ભમાં કેટલાક આંખ ઉઘાડનારા કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે. ગુજરાતીઓ અમેરિકા જવા કંઈ પણ કરવા તૈયાર થાય છે અને ઘણાખરા કિસ્સામાં આ કંઈ પણ ગેરકાયદેસર હોય છે. એજન્ટોના રવાડે ચડી ગેરકાયદેસર રીતે જહાજ કે પ્લેનમાં ચડી જતાં લોકોને ખબર નથી હોતી કે તેમની મંઝિલ ક્યાં છે? એ અમેરિકા પહોંચશે કે પછી તેને ભળતા જ કોઈ દેશમાં સબડવા માટે મૂકી દેવાશે? અહીં રજૂ કરેલી વિગતો જુઓ.

દિલ્હી પોલીસે તાજેતરમાં જાહેર કર્યું કે ઘણા

ગુજરાતી જુવાનિયાઓ અમેરિકા જવાની લાયમાં ગ્વાટેમાલામાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આપણે ઘણા કિસ્સા સાંભળીએ છીએ કે જેમાં પરદેશ જવા નીકળેલા યુવાનોનો કોઈ પત્તો મળતો નથી. એ યુવાનો ક્યાં ગયા હોય? આવા ગ્વાટેમાલા જેવા દેશોમાં જ સ્તો. માનવીય તસ્કરીનું રીતસર રેકેટ ચાલે છે અને એમાં ભલભલા ભણેલા-ગણેલા ફસાઈ જાય છે. લાલચ ગમે તેવા જાણકારોને ફસાવી દે છે. દિલ્હી પોલીસે એક ભાઈને પકડયા જેમની પાસે ૧૦૫ પાસપોર્ટ હતા. એની તપાસ કરતાં ખબર પડી કે ગુજરાતમાંથી અમેરિકા જવા ગમે તે વાહનમાં ચડી બેસતા ઉમેદવારો ખરેખર તો ગ્વાટેમાલામાં ફસાય છે અને ઘણી વખત ત્યાં જ મૃત્યુ પામે છે.

દિલ્હી પોલીસે વળી પકડયો એ ભાઈ અમદાવાદના રહેવાસી છે. હવે અહીંથી ગેરકાયદેસર રવાના થતાં લોકો કઈ રીતે અમેરિકા પહોંચે છે, એ જાણવા જેવું છે. ધારો કે તમને કોઈ એજન્ટ અમેરિકા મોકલી આપવાની ખાતરી આપી પાંચથી લઈને પચીસ લાખ સુધીના રૂપિયા ખંખેરી લેશે. એ રકમ તમારી છેતરાવાની ક્ષમતા પર આધાર રાખે છે. એ પછી તમને કોઈ શિપમાં બેસાડી દેવાશે, અમેરિકા જઈ રહ્યા છો એમ કહીને એ જહાજ ઉપડે અને થોડા દિવસ પછી તમને કોઈ ભૂમિ પર ઉતારી દેવામાં આવે. અમેરિકા છે એવું તમે માની રહ્યા હો તો થોડા સમયમાં તમારી માન્યતા ખોટી પડે. ત્યાં જોકે તમને કોઈ લેવા આવે અને પાસપોર્ટ સહિતના કાગળો હોય એ તમારી પાસેથી લઈ લે. તમને એક નાનકડી જગ્યામાં બંધ કરી દેવામાં આવે.

એ દેશ કદાચ આફ્રિકા ખંડનો કોઈ દેશ હોય કે પછી મેક્સિકો હોય કે પછી ગ્વાટેમાલા જેવો અમેરિકા જવાનો રૂટ બનતો દેશ પણ હોય. ધારો કે તમે ગ્વાટેમાલા પહોંચી ગયા છો તો એ પછી તમારે આખું મેક્સિકો વીંધીને અમેરિકા-મેક્સિકોની સરહદે પહોંચવાનું. ત્યાં સુધી વળી તમને કોઈ પહોંચાડી દે. અમેરિકા-મેક્સિકો સરહદ ગેરકાયદેસર આવન-જાવન, દાણચોરી, શસ્ત્રોની હેરાફેરી માટે આખા જગતમાં કુખ્યાત છે. અહીં અમેરિકન સૈન્ય સાબદું હોય છે અને ગમે તેને ભડાકે દેતાં અચકાતું નથી.

અહીંથી સરહદ પાર કરવાની રીત તમે કલ્પના ન કરી હોય એવી હોય છે. મેક્સિકોમાં તમારી સાથે એજન્ટનો કોઈ માણસ હોય છે. એ તમારાં બધાં કપડાં ઉતરાવી લે છે. ચડ્ડી કે ગંજી સુધ્ધાં! શા માટે? ધારો કે તમે પકડાઈ જાવ (એ શક્યતા વધારે છે) તો ખબર ન પડે કે તમે ક્યાંના છો. તમારા શરીર પર કોઈ વસ્ત્ર હોય તો તેની બ્રાન્ડનાં સ્ટિકરના આધારે તપાસ થઈ શકે કે આ ભાઈ ક્યાંથી આવે છે. એ રીતે કપડાંની લેબોરેટરીમાં તપાસ કરીને પણ કદાચ તેની બનાવટ વિશે જાણકારી મેળવી શકાતી હશે. તમે પકડાઇ જાવ એનો વાંધો નથી પણ એજન્ટ કે તેની ગેંગ ન પકડાય એ માટે આ તકેદારી રાખવી પડે છે. એ રીતે દિગમ્બર અવસ્થામાં તમારે રાતના અંધકારમાં સરહદ પાર કરવાની. એમાં જો તમે ન પકડાવ તો તમે સામે પહોંચી શકો છો. ત્યાં વળી તમને કોઈ લેવા ઊભું હોય તો કપડાં પહેરાવી દે. એ પછી તમે જાણો ને તમારું અમેરિકા જાણે. તમારી ત્રેવડ હોય એ રીતે તમારે અમેરિકાને ફોલી ખાવાનું. જો પકડાયા તો કાયમ માટે સ્વદેશ રવાના કરી દે અને તમારી કામગીરી શંકાસ્પદ જણાય તો જેલ ક્યાં નથી?

થ્રિલર કથા જેવી લાગતી આ પદ્ધતિથી ઘણાં ગુજરાતીઓ-ઈન્ડિયનો અમેરિકા જાય છે. કેટલાક અમેરિકા પહોંચવામાં સફળ થાય છે, તો કેટલાક ક્યાં ગુમ થયા તેનો પત્તો ક્યારેય લાગતો જ નથી.

(લેખક ઇમિગ્રેશન એડવોકેટ છે)તમારા વિઝા સંબંધિત સવાલો મોકલી આપો અથવા મેઈલ કરોઃ વિઝા એ ટુ ઝેડ, સંદેશ, પૂર્તિ વિભાગ, વસ્ત્રાપુર, અમદાવાદ. સવાલમાં બિનજરૂરી વિગતો ન ઉમેરવી તેમજ સરનામું પૂરું લખવું. એ સિવાયના સવાલોને સ્થાન મળશે નહીં

viza.sandesh@gmail.com
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com