ગાંડી કુકરીનું ડહાપણ - ચતુરસેન
“બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં સુભાન અલ્લાહ!” ફાંકેરામ ગીત ગણગણતાં ગણગણતાં પધાર્યા એટલે ચતુરસેને ફાંકેરામને તરત ટોક્યા, “ઉલ્લા લા.... અને છમ્મક છલ્લોનાં ગીતોથી દિલ ભરાઈ ગયું કે આ જૂનું ગીત ઉઠાવી લાવ્યા...”
“ચતુરસેન તમેય દેશની જનતા જેમ લાંબું વિચારતા નથી.”
“એક જૂના ફિલ્મી ગીતને કોઈ ગાતું હોય, એ સંભળાવીને એમાં લાંબું શું વિચારવાનું...”
“આ ગીત હું શું કામ ગાઉં છું એ તમને કહેવું જ પડશે.”
“કહેવું તો પડે જ ને...”
“ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કોણ બન્યું?”
“અખિલેશ યાદવ...અને એણે જ સમાજવાદી પાર્ટીની છબી બદલી અને ચૂંટણી જિતાડી છે.”
“હં... તો છોટે મિયાં સુભાન અલ્લાહ ગીત જ ગાવું પડે ને...”
“ઓ હો.... તો ફાંકેરામ, તમે ગીતો પણ મીનિંગફુલ ગાવા માંડયા છો... વાહ!”
“હવે વાહ... તમને તો એવું જ લાગે છે કે તમે એક જ મીનિંગફુલ કાર્યો કરો છો, બાકી તો બધા મૂરખા જ છે ને...”
“ના ના, બધા નહીં તોપણ કેટલાક મૂરખા હોવાની શંકા ખરી...” ચતુરસેને કટાક્ષ કર્યો.
“એ બધી બબાલ રહેવા દો. મુલાયમસિંહે હવે પીએમ બની દેખાડવું પડશે.”
“એવું શા માટે?”
“પુત્ર અખિલેશ પિતા કરતાં સવાયો પુરવાર થયો છે, પણ હવે પિતા મુલાયમે પણ કેન્દ્રના રાજકારણમાં જમાવટ પાડી દેવી જોઈએ અને વડાપ્રધાન બની શકે તો જ ‘બાપ’ ગણાય ને?”
“ફાંકેરામ, મુલાયમ વડાપ્રધાન થઈ પણ જાય... કોંગ્રેસ અને ભાજપની સ્થિતિ નબળી છે ત્યારે કેન્દ્રમાં બિન-કોંગ્રેસી, બિન-ભાજપી ગઠબંધન રચાય તો સાંસદોની મોટી સંખ્યાના બળે મુલાયમસિંહ પીએમ પદના મજબૂત દાવેદાર થઈ શકે છે.”
“હં... એટલે જ મુલાયમસિંહે અત્યારથી જ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને પોતાના કાર્યકરોને લોકસભા ચૂંટણીઓ માટે સાબદા રહેવા પણ આહ્વાન કર્યું હતું.” “પીએમ પદની સુંવાળી ગાદી તો બધાને લોભાવતી હોય છે, પણ ગઠબંધન સરકારનો તાજ કાંટાળો હોય છે, એ પણ મુલાયમે યાદ રાખવું જોઈશે ને...”
એન્ટની, એન્ટની તેરા ફેં ફેં “દેશ અત્યારે ભાગ્યશાળી છે કે સ્વચ્છ પ્રતિભા ધરાવતા વડાપ્રધાન અને સ્વચ્છ ઇમેજવાળા સંરક્ષણ પ્રધાન દેશને મળ્યા
છે.” “ચતુરસેન, કોના માટે લખેલા ભાષણના અંશો બબડી રહ્યા છો?” ફાંકેરામે ટોણો માર્યો.
“હું ક્યાં રાજકારણીઓનાં ભાષણો લખવાનો ધંધો કરું છું? આ તો ટીમ અણ્ણાના દેકારાને સાંભળીને લાઉડ થિંકિંગ કરી રહ્યો છું.”
“તમે ગમે તે વિચારો મોટા ભાગના લોકો તો એવું જ માને છે કે સ્વચ્છ પ્રતિભાને કોઈ પૂછતું નથી અને સ્વચ્છ ઇમેજની સ્થિતિનું તો તમે ઇમેજિનેશન જ નહીં કરી શકો...”
“કેમ એ. કે. એન્ટનીને શું થયું છે?” ચતુરસેને પૂછ્યું.
“એન્ટની, એન્ટની તેરા ઢેં ઢેં....”
“ફાંકેરામ, તમે વળી પાછા ગીતના રવાડે ક્યાં ચડયા... હું કંઈક પૂછું છું એનો જવાબ આપો ને..”
“અરે આ આર્મી ચીફના મામલે એક પછી એક વિવાદો સર્જાયા કરે છે અને જવાબ તો એન્ટનીએ જ આપવો પડે ને...”
“હા, સંરક્ષણ પ્રધાન બન્યા છે તો જવાબ તો આપવા જ પડે...” ચતુરસેને દૃઢતાપૂર્વક મત વ્યક્ત કર્યો.
“જવાબ તો બિચારા આપે છે પણ ગેં ગેં ફેં ફેં થઈ જાય છે.”
“બિચારો ભ્રષ્ટાચારથી દૂર રહેનારો માણસ છે એટલે ભ્રષ્ટાચારની વાતથી પણ દૂર ભાગતા હશે.” ચતુરસેનને દયા આવી.
“ચતુરસેન, દયા ખાવી જ હોય તો દેશનું રક્ષણ કરતા સૈનિકો પર ખાવ... એન્ટની સારા માણસ છે, છતાં પણ દયા ખાવાની જરૂર નથી.” ફાંકેરામની ડહાપણભરી વાત ચતુરસેને કોઈ દલીલ વિના સ્વીકારી લીધી.
purti.ardhsaptahik@sandesh.com