Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 01:21:10 AM IST
 

ભારતીય હોકી: હજુ ઘણી મજલ કાપવાની છે (બેટલ ગ્રાઉન્ડ)

Apr 03, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 687
Rate: 5.0
Rating:
Bookmark The Article

બેટલ ગ્રાઉન્ડ - ચિંતન બુચ

એક ખૂબ જ જૂની વાર્તા છે. મદિરાના નશામાં એકવાર રાજા મોડી રાત્રે નગરચર્યા માટે નીકળ્યો. રસ્તામાં અચાનક જ રાજાની નજર એક ઠંડીમાં ધ્રુજતા ભિક્ષુક ઉપર નજર પડી. રાજાને આ ભિક્ષુક ઉપર અચાનક જ સંવેદના જાગી ઊઠી અને તેને પોતાના મહેલમાં લાવી દીધો. ભિક્ષુક તો એ વાતે રાજીનો રેડ હતો કે હવે તેનાં જીવનમાં કોઈ જ અગવડ નહીં પડે અને તે પોતાની જાહોજલાલીનાં સ્વપ્ન જોતાં જ ઊંઘી ગયો. બીજા દિવસે સવારે રાજાનો નશો ઊતર્યો અને પોતાના શાહી પલંગ ઉપર ભિક્ષુકને જોઇ લાલપીળો થઇ ગયો. રાજાએ તુરત જ આ ગુસ્તાખી બદલ પેલા ભિક્ષુકને ફાંસીએ ચડાવી દેવા પોતાના સૈનિકોને આદેશ આપ્યો. ફાંસીના માંચડે જઇ રહેલા ભિક્ષુકના અંતિમ શબ્દો હતા રાજા ગુસ્સે થાય તો જ નહીં પણ અચાનક હેત ઊભરાઈ આવે તો પણ સાચવવું’.

આપણા દેશના રમતપ્રેમીઓ બસ આ રાજા જેવા જ છે. ભારતીય ટીમ કે પ્લેયર કોઇ ઇવેન્ટમાં વિજય મેળવે એ સાથે જ તેના જેવું સર્વશ્રેષ્ઠ કોઇ નથી એ રીતે પ્રશંસા કરે છે, પરંતુ જેવી ટીમ હારે એ સાથે જ ઊભરો શમી જાય છે અને ‘હું કોણ અને તું કોણ’ તેમ વિચારવા માંડે છે. ૨૦૦૪ અને ૨૦૦૮માં ઓલિમ્પિક્સમાં શૂટિંગમાં મેડલ જીત્યા એ સાથે જ આ રમત શીખવા જનારાની સંખ્યા વધવા લાગી. સાનિયા મિર્ઝા અને સાયના નહેવાલના હાથમાં ટ્રોફી જોઇ ઘણાં માતા-પિતાએ પોતાની પુત્રીઓને ટેનિસ, બેડમિન્ટન પ્લેયર બનાવવાનાં ખ્વાબ જોવા લાગ્યાં. આ એક ખૂબ જ સારી નિશાની છે પણ સમસ્યા એ વાતની છે કે સોડાવોટરની જેમ આપણો આ ઊભરો થોડી વાર માટેનો જ હોય છે. ગયા મહિને ભારતીય હોકી ટીમે લંડન ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કર્યું એ સાથે જ ચાર દિવસ માટે હોકી ટીમ અને તેના પ્લેયરની ચર્ચા થવા લાગી. માહોલ તો એવો જામ્યો કે જાણે આપણી ટીમે લંડન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો. ઓલિમ્પિક્સનાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આપણી ટીમે ખૂબ જ સારો દેખાવ કર્યો તેમાં ના નહીં. આપણી ટીમે માત્ર ૬ મેચમાં ૪૪ ગોલ ફટકારી દીધા હતા, જેમાં ફ્રાન્સ સામેની ફાઇનલમાં જ ૮ ગોલ ફટકાર્યા હતા પરંતુ દોસ્ત પિક્ચર અભી બાકી હે....

લંડન ઓલિમ્પિક્સના ૨૯ જુલાઈથી ૧૧ ઓગસ્ટમાં યોજાશે, જેમાં ભારતના ગ્રૂપમાં જર્મની (રેન્કઃ ૨), નેધરલેન્ડ્સ (રેન્કઃ ૩), કોરિયા (રેન્કઃ ૬), ન્યૂઝીલેન્ડ (રેન્કઃ ૭), બેલ્જિયમ (રેન્કઃ ૧૧) જેવી ધરખમ ટીમ સામેલ છે. ભારત પાંચમાંથી ચાર મેચમાં વિજય મેળવે તો તે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે, જેમાં તેની સામે મુકાબલો કરવા માટે ઓસ્ટ્રેલિયા (રેન્કઃ ૧), બ્રિટન (રેન્કઃ ૪), સ્પેન (રેન્કઃ ૫), પાકિસ્તાન (રેન્કઃ ૮)માંથી કોઇ એક ટીમ સામે મુકાબલો થઇ શકે છે. આપણી ટીમ હાલ રેન્કિંગમાં ૧૦મા ક્રમે છે, આમ, ઓલિમ્પિક્સમાં જે ટીમ ભાગ લઇ રહી છે તેમાંથી બે-ત્રણ જ ભારત કરતાં રેન્કિંગમાં પાછળનું સ્થાન ધરાવતી હશે. ભારતીય હોકી ટીમને છેલ્લા એક વર્ષમાં જે સફળતા મળી છે તેનું શ્રેય ઓસ્ટ્રેલિયન કોચ માઇકલ નોબ્સ અને ઓસ્ટ્રેલિયન સાઇકોલોજિસ્ટ ડેવિડ જ્હોનને જાય છે. નોબ્સે ભારતીયોને ઓસ્ટ્રેલિયાની આક્રમક શૈલીથી રમતા કરી દીધા છે. નોબ્સે પોતાને અત્યારસુધી મળેલી સફળતા અંગે કહ્યું હતું કે હું ટીમ સાથે જોડાયો ત્યારે ભારતીય પ્લેયર્સનો આત્મવિશ્વાસ તળિયે હતો, ફિટનેસનું સ્તર સાવ કંગાળ હતું. ભારતીય હોકીપ્લેયરોમાં પ્રતિભાની કોઇ કમી નથી મેં માત્ર તેમનો આત્મવિશ્વાસ જગાવ્યો છે અને ફિટનેસ ઉપર મહેનત કરી છે. હું હકીકતને સ્વીકારીને ચાલવામાં માનું છું. ભારતની અત્યારની ટીમ બ્રોન્ઝ મેડલ માટે પણ દાવેદાર નહીં હોય પણ ચમત્કાર રાતોરાત થતા નથી.

નોબ્સ ઉપરાંત ભૂતપૂર્વ પ્લેયર દિલીપ તિર્કેનો પણ ભારતીય હોકી ટીમની સફળતામાં ફાળો છે. દિલીપ તિર્કેના મતે એક વર્ષમાં ભારતીય ટીમમાં ઘણો ફરક આવી ગયો છે, આપણી ટીમ હવે ચુસ્ત આયોજન સાથે ઊતરી રહી છે. ટીમના દરેક સભ્યનું લક્ષ્ય ઓલિમ્પિક્સમાં મેડલ જીતી દેશમાં ફરી હોકીને જીવંત કરવાનું છે.

બીજી તરફ ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ સુકાની પરગટસિંહનું માનવું છે કે ઓલિમ્પિક ક્વોલિફાયર અને ઓલિમ્પિકમાં જમીન-આસમાનનો ફરક છે. આપણે આક્રમક રમક દાખવતાં શીખી ગયા છીએ તેમાં ના નહીં પણ મજબૂત હરીફ સામે ઊતરતાં અગાઉ ડિફેન્સ ખૂબ જ મજબૂત કરવું પડશે. પ્લેયર્સની ફિટનેસમાં પણ પહેલાં કરતાં ઘણો સુધારો થયો છે પણ હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે. ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ૮-૧થી આપણો પરાજય થયો હતો. ગોલનું આ અંતર જ આપણા અને હરીફ વચ્ચે કેટલો ફરક છે તે દર્શાવે છે. 

chintan_buch@yahoo.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com