વિગતવાર - ધીરુ પુરોહિત
રાજ્યમાં સરેરાશ દર અઠવાડિયે દીપડાના હુમલાનો એક બનાવ નોંધાય છે, તો દર પખવાડિયે એદાક દીપડો પાંજરે પુરવો પડે છે. પણ દીપડો છેલ્લા થોડા વર્ષોથી આટલો બધો એક્ટિવ થયો કેમ? કદાચ કોઈ પણ પરિસ્થિતિમાં ટકી શકવાની ક્ષમતાએ દીપડાને આગળ કરી દીધો છે...
ગીરના ગાઢ જંગલમાં ઢળતી રાતે ઓચિંતો મોર ચિત્કાર કરી ઊઠે કે હરણાંઓનો ભયસૂચક ચિત્કાર સંભળાય અને પછી થોડી જ વારમાં જો કોઈ પ્રાણી કે પક્ષીની મરણચીસ સાંભળવા મળે તો સમજવાનું કે આ શિકાર દીપડાનો જ છે. દીપડો શરમાળ છે એટલે તેની ચપળતા અને લુચ્ચાઈ જાહેરમાં દેખાતી નથી, પણ આ ખૂંખાર શિકારી જેની સાથે તીવ્ર સ્પર્ધા કરે છે તેવો ગીરનો સિંહ ભલે તેના દેખાવ અને તાકાતમાં બળુકો હોય, પરંતુ દીપડા સાથેની વિસ્તરવાની સ્પર્ધામાં પાછળ રહી ગયો છે. અર્થાત્ એશિયાઈ સિંહોના વિસ્તાર ગીરમાં લગભગ સાથે જ રહેતો, શિકાર કરતો અને વધતો સિંહનો કટ્ટર પ્રતિસ્પર્ધી દીપડો વિસ્તાર વધારવામાં આગળ નીકળી ગયો હોવાની વાતે વન્ય પ્રાણીઓના નિષ્ણાતોનું પણ ધ્યાન ખેંચ્યું છે.
શરમાળ પ્રકૃતિને કારણે એક સમયે લુપ્તતાને આરે પહોંચી ગયેલો બિલાડી કુળનો દીપડો અત્યારે ગુજરાતના તાલુકે-તાલુકે પહોંચી સિંહનો પ્રતિસ્પર્ધી બની ગયો છે. ચાલાક, ચબરાક, ચપળ અને દરેક પરિસ્થિતિમાં ટકી શકવાની ક્ષમતાને કારણે દીપડો પોતાની નવી વસાહતો બનાવી રહ્યો છે. જેની સાબિતી એ છે કે, દીપડાની કુલ સંખ્યાના અડધોઅડધ દીપડા જંગલ બહાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દીપડા એ દરિયાઈ પટ્ટી, નદીનાં કોતરો-બાવળની કાંટ અને ફળોના બગીચાઓને પોતાનું નવું રહેણાક બનાવી રહ્યા છે. અહીં દીપડાને શિકાર, પાણી અને સલામત આશરો મળી રહે છે. સાવજોનું ઘર ગણાતા જૂનાગઢ જિલ્લામાં જ ૩૮૦થી વધુ દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. ગુજરાતના કુલ દીપડાના ર૦ ટકાથી વધુ દીપડાએ જૂનાગઢ જિલ્લાને પોતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. આ દીપડાઓએ ખાસ કરીને ઓઝત અને હિરણ નદીનાં કોતરોમાં પોતાનું નવું ઘર બનાવ્યું છે. એશિયાઈ સિંહોનાં ઘર તરીકે ઓળખાતા ગીર જંગલમાં પણ દીપડો ધીમે ધીમે પોતાનો કબજો જમાવી રહ્યો છે. એક અંદાજ મુજબ હાલમાં ગુજરાતમાં આશરે ૧પ૦૦થી વધુ દીપડા છે. જેમાંથી અડધોઅડધ અર્થાત્ ૭પ૦ દીપડા માણસોની વચ્ચે રહે છે. પરિણામે માણસો અને દીપડા વચ્ચે પણ સંઘર્ષ વધી રહ્યો છે.
સિંહની તાકાત દીપડાની આક્રમકતા કરતાં બમણી હોવાને કારણે ઘણી વાર દીપડાએ કરેલો શિકાર સિંહ ઝૂંટવી ગયો હોવાના બનાવો બને છે ત્યારે દીપડાને જંગલ છોડી બહાર આવવું પડયું છે, પરંતુ કોઈ નાના શિકારથી ચલાવી લેવાની વૃત્તિ અને ગમે તેવા મુશ્કેલ માહૌલને સ્વીકારવાની આવડતના કારણે દીપડાનો વિસ્તાર વધી રહ્યો છે. કેટલાંક જંગલો અને વિસ્તારો એવાં છે જ્યાં માત્ર દીપડાઓ જ વસે છે. જેમાં પંચમહાલ, ડાંગ અને પોરબંદરનો બરડો ડુંગર વિસ્તાર મુખ્ય છે. સામાન્યતઃ સિંહ કૂતરાં કે ભૂંડનો શિકાર કરતો નથી. જ્યારે દીપડો આ તમામ પશુઓનો શિકાર કરી ચલાવી લેતો હોવાથી જંગલ બહારના (રેવન્યુ) વસ્તારમાં તેનો વ્યાપ વધી રહ્યો છે. તે જ કારણોસર ગીર અને ગિરનાર જંગલો સહિત જૂનાગઢનાં જંગલોમાં રરર દીપડા સામે રેવન્યુ વિભાગમાં ૧૬૩ દીપડાઓ વસવાટ કરે છે. શિકાર નજરે ચડતાં જ દબાતાં પગલે પથી ૭ મીટર દૂરથી શિકારનું ગળું દબાવીને મારણ કરતા દીપડાએ ઓઝત નદીનાં કોતરો અને બાગાયતી વિસ્તારને પોતાનું ઘર બનાવ્યું છે. અહીં ચીકુ, નાળિયેરી કે આંબાના બગીચામાં દીપડાને સલામત આશરો, પાણી અને સરળ શિકાર મળી રહે છે. સલામતીની દૃષ્ટિએ દીપડાએ ઓઝત નદીનાં કોતરોમાં ચૂનાના પથ્થરની બખોલોને પોતાનું ઘર બનાવ્યું છે. ઓઝત બાદ હિરણ નદીના બંને કાંઠે આવેલા પથ્થરની બખોલોને દીપડાએ પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. છુપાઈને શિકાર કરવાની ટેવ ધરાવનારા દીપડા દરિયાઈ વનસ્પતિમાં સરળતાથી છુપાઈ શકે છે, જેથી તેઓ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પણ વિસ્તરી રહ્યા છે. દીપડાના વધતા વિસ્તારને કારણે હવે ગીર અને ગિરનાર જંગલનો દીપડો આશરે ૧૦ કિમી. દૂર માખિયાળા સુધી પહોંચ્યો છે. દીપડાએ કચ્છ, જામનગર અને સુત્રાપાડામાં પણ દેખા દીધી છે. એક આશ્ચર્યજનક ઘટનારૂપે દરિયાની વચ્ચે આવેલા બેટદ્વારકામાં પણ દીપડો જોવા મળ્યો હોવાનું નોંધાયું છે. ઓછી ઊંડાઈ ધરાવતા પાણીના રસ્તેથી આ દીપડો બેટદ્વારકા સુધી પહોંચ્યો હોવાનું અનુમાન છે. અત્યાર સુધી માત્ર આફ્રિકાના જંગલમાં જ બે દીપડાઓ શિકાર કરતા જોવા મળ્યા હતા. વિસ્તરણની દૃષ્ટિએ જોતાં હાલ અમરેલી વન વિસ્તારમાં ર૯ અને રેવન્યુમાં ૭૬, પોરબંદર વન વિસ્તારમાં ૪ અને રેવન્યુમાં પ તેમજ સુત્રાપાડાના રહેણાકમાં ર૮ દીપડા છે. સિંહનો પ્રતિસ્પર્ધી એવો દીપડો જે રીતે પોતાની વસાહત વધારી રહ્યો છે તે જોતાં એક સમયે ગીર અને ગિરનાર જંગલ સહિત પૂરો જૂનાગઢ જિલ્લો દીપડાના ઘર તરીકે ઓળખાવા માંડે તો નવાઈ નહીં.
દીપડા છે ત્યાં સિંહને મૂકવામાં આવ્યા
સિંહ, વાઘ, ચિત્તો અને દીપડો બિલાડી કુળનાં પ્રાણી છે. જેમાં ગીર અને ગિરનાર જંગલમાં ફક્ત સિંહ અને દીપડા શિકાર અને ટેરેટરીમાં એકબીજાના પ્રતિસ્પર્ધી બની ગયા છે. આ સ્પર્ધામાં દીપડો આગળ નીકળી ગયો છે. હાલમાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં માત્ર દીપડા જ જોવા મળી રહ્યા છે. તેમાંનો એક વિસ્તાર એટલે પોરબંદરનો બરડો ડુંગર વિસ્તાર. દીપડો બરડા ડુંગર સુધી પહોંચી ગયો છે. ત્યારે જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી કેટલાક સિંહને બરડા ડુંગરમાં પાંજરામાં મૂકવામાં આવ્યા છે, જેથી તેઓ ત્યાંના વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે. ગીરના આ ડાલામથ્થાઓ વાતાવરણ સાથે અનુકૂલન સાધી લેશે ત્યારે તેઓને પાંજરામાંથી મુક્ત કરી ખુલ્લા જંગલમાં વિહરતા મૂકી દેવામાં આવશે.
maitrijnd@gmail.com