Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 02:00:31 AM IST
 

સવાસો વર્ષ પહેલાં ડૂબેલી ગુજરાતી ‘ટાઈટેનિક’હાજી કાસમની વીજળી! (સમયાંતર)

Apr 03, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 9403
Rate: 4.4
Rating:
Bookmark The Article

સમયાંતર - લલિત ખંભાયતા

૧૯૧૨ની ૧૪મી એપ્રિલે ભવ્ય જહાજ ટાઇટેનિકે એટલાન્ટિક મહાસાગરમાં જળસમાધિ લીધી. વિશ્વની મોટી દુર્ઘટનાઓની વાત થાય ત્યારે ટાઇટેનિકની વાત અચૂક થાય છે. જોકે ટાઇટેનિકના અઢી દાયકા પહેલાં ગુજરાતમાં માંગરોળના દરિયાકાંઠે વીજળી નામની આગબોટ ડૂબી ગયેલી અને એમાં પણ ૭૦૦ કરતાં વધારે મુસાફરો હતા. હાજી કાસમ તારી વીજળી’ કાવ્યના નામે એ દુર્ઘટના સાહિત્યમાં તો જીવંત છે, પણ ખરેખર સવાસો વરસ પહેલાં વીજળી ડૂબી ત્યારે શું થયેલું?

૧૮૮૮ની વાત છે. એ સમયે આખી દુનિયામાં પ્રવાસ માટે જહાજો હોટફેવરિટ સાધનો હતાં. પ્લેનની શોધ તો છેક ૧૯૦૩માં થવાની હતી. જહાજી સફરમાં વળી યુરોપિયન દેશો અને ગુજરાતીઓ થોડા આગળપડતા હતા. આજે ભલે ગુજરાતનો દરિયાકાંઠો અણમાનીતો હોય, પણ સો-સવાસો વરસ પહેલાં દક્ષિણ ગુજરાતના ઉમરગામથી લઈને કચ્છના લખપત સુધી દુનિયાભરનાં જહાજોની આવન-જાવન ચાલુ રહેતી હતી. ખંભાત જેવા એ સમયના મોખરાના બંદરોએ તો ૮૪ દેશોના જહાજો પાર્ક થતાં રહેતા! એ વખતમાં કચ્છના માંડવીથી ઊપડી મુંબઈ જઈ રહેલી વીજળી નામની આગબોટ દરિયામાં ડૂબી ગઈ. એ કરુણાંતિકા આપણે ત્યાં હાજી કાસમ તારી વીજળીકાવ્યને કારણે જાણીતી છે. વળી ગુણવંતરાય આચાર્યએ ‘હાજી કાસમની વીજળી’ નામે એ દુર્ઘટના પર નવલકથા પણ લખી છે. જોકે નવલકથા અને કાવ્યમાં એ સમયની લોકમુખે કહેવાયેલી વાતોનો વધારે આધાર લેવાયો છે. હવે ગુજરાતી પુરાતત્ત્વવિદ્ યુસૂફ એમ. ચિતલવાલાએ વીજળી વિશે બેનમૂન સંશોધન કરી સવાસો વર્ષ પહેલાંનો ઇતિહાસ વીજળી હાજી કાસમની’ નામે પુસ્તકમાં લખ્યો છે. શું થયેલું એ વખતે? ચાલો એ કરુણરસથી તરબતર ઇતિહાસમાં...

----

લંડનસ્થિત શેફર્ડ કંપની જ્યાં જ્યાં બ્રિટિશરો હોય ત્યાં પોતાનો જહાજી વ્યવહાર ચલાવતી. ભારતમાં પણ તેની વિવિધ આગબોટ ચાલતી. એ વખતે આજના જેવાં આધુનિક જહાજો નહીં. આગબોટનાં નામ કંપનીએ ભારતની વિવિધ નદીઓ પરથી પાડેલાં... કાલિન્દી, ગોદાવરી, સાવિત્રી, ભીમા, વૈતરણા વગેરે. આપણે વાત કરવાની છે, વૈતરણા (મુંબઈ પાસે એ નદી છે)ની જે વીજળી નામે વધુ જાણીતી છે. વ્યાપક માન્યતા એવી છે કે વીજળી લાઇટવાળી પહેલી આગબોટ હોવાને કારણે લોકોએ તેનું નામ વીજળી પાડેલું. હકીકતે એ પહેલાં પણ લાઇટ ધરાવતી આગબોટ હતી એટલે વીજળી નામ લોકોએ લાડમાં પાડી દીધું હોય એવું બની શકે.

શેફર્ડ કંપનીએ ઠેર ઠેર તેના એજન્ટો નીમી દીધેલા. વીજળીના મુસાફરોનું બુકિંગ એ એજન્ટો કરે, જેમ આજે ટ્રાવેલ એજન્ટો હોય એમ. પોરબંદરમાં કંપનીના એજન્ટનું નામ હાજી કાસમ નુરમહંમદ હાલાઈ હતું. એમના જ નામે આજે વીજળી ઓળખાય છે અને વીજળી એની માલિકીની હોવાની પણ માન્યતા છે, જે ખોટી છે. ૧૭૦ ફીટ લાંબી વીજળી પેસેન્જર ઉપરાંત માલ-સામાનની પણ હેરફેર કરતી.

વીજળીઃ ફ્રોમ લંડન ફોર બિઝનેસ!

હજુ ૩ વર્ષ પહેલાં વીજળી બ્રિટનના ગ્રેંજમાઉથ ડોકયાર્ડ ખાતે બનેલી. એ જહાજવાડાની એ પહેલી આગબોટ હતી. કંપનીએ આ આગબોટને ભારતનો હવાલો સોંપ્યો એટલે ગ્લાસગોથી વાયા ઇસ્તંબુલ થઈ એ મુંબઈ આવેલી. મુંબઈ-માંડવી તેનો કાયમી રૂટ હતો. મુંબઈથી માંડવી પહોંચતા તેને ૩૦ કલાક થતા. ૨૨ ટન કોલસો ભર્યો હોય એટલે વીજળી સરળતાથી કચ્છ-મુંબઈ-કચ્છની ટ્રીપ મારી શકતી. સામાન્ય સંજોગોમાં તેમાં હજારેક મુસાફરો સમાઈ શકતા. ૧૮૮૮ની આઠમી નવેમ્બરે માંડવીના દરિયામાં ઊભેલી વીજળીને જોઈ રહેલા માંડવીવાસીઓને ખબર ન હતી કે તેઓ આ આગબોટને આખરી વાર જોઈ રહ્યા છે. માંડવીથી ૫૨૦ મુસાફરો ચડેલા, જેમાં ૧૩ જાનના જાનૈયા, મુંબઈ યુનિવર્સિટીમાં પરીક્ષા દેવા જઈ રહેલા વિદ્યાર્થીઓ અને બીજા મુસાફરો હતા. સવારે સાડા સાતે બાવીસેક વર્ષથી જહાજો ચલાવતા અનુભવી કપ્તાન કાસમ ઇબ્રાહીમની નેમ બીજા દિવસે બપોરે દોઢેક વાગ્યા સુધીમાં મુંબઈ પહોંચવાની હતી. મુસાફરો પોતપોતાની કેબિનમાં ગોઠવાયા, લંગરો હટાવી લેવાયાં, એન્જિનો ચાલુ થયાં, ચીમનીમાંથી કાળા ડીબાંગ ધૂમાડાના ગોટાઓ આકાશમાં ફેલાયા અને વીજળીએ મુસાફરી આરંભી. વીજળીના મુસાફરોને ક્યાં ખબર હતી કે હજારો કિલોમીટર દૂર તેના કાળનું સર્જન થઈ ચૂક્યું હતું. દક્ષિણ ભારતમાં મેંગલોરના દરિયાકાંઠે ઊઠેલું તોફાન ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. આ બાજુ વીજળી પોતાના અંત તરફ... સવારે માંડવીથી ઉપડેલી વીજળી બપોરે દ્વારકા થઈ દરિયામાં દૂર સૂરજ આથમવાની તૈયારી કરવા માંડયો ત્યાં સુધીમાં તો પોરબંદર પહોંચેલી. અહીં જ અણસાર મળી ચૂકેલો કે દરિયો તોફાની છે.

પોરબંદરના કાંઠેથી દોઢેક કિલોમીટર દૂર ઊભેલી વીજળીના કેપ્ટનને તોફાનની ભયંકરતાનો અંદાજ ન હતો. અહીંથી સોએક પેસેન્જર ચડવાના હતા, પણ તોફાનને કારણે તેમણે પ્રવાસ મુલતવી રાખ્યો. પરિણામે દ્વારકાથી મુસાફરો ભર્યા પછી ૪૩ ક્રૂ મેમ્બર સાથે હવે વીજળીમાં ૭૪૩ મુસાફરો હતા. પોરબંદર તો પાંચ-સાત મિનિટ જ ખોટી થઈને વીજળી રવાના થઈ ગઈ. હવેનો મુકામ ક્યાં હતો? દરિયાના પેટાળમાં જ તો વળી! માંગરોળના એજન્ટ જયકૃષ્ણ બાવાજીએ વીજળીને દરિયામાં પસાર થતાં જોઈ. કદાચ માંગરોળમાં વીજળીનો હોલ્ટ નહીં હોય. એ પછી માધવપુર ઘેડ પાસેથી પણ પસાર થતી કેટલાકે જોઈ હોવાનું કહેવાય છે. મતલબ કે પોરબંદરથી રવાના થયેલી વીજળી ૯૦ કિલોમીટર દૂર માંગરોળ સુધી તો પહોંચી હતી. સામે પક્ષે મુંબઈ વીજળીની રાહ જોવાતી હતી. ખાસ તો એમાં જાનૈયાઓ હતા. જાનની રાહ કોને ન હોય! વીજળીમાં આકસ્મિક સંજોગોમાં બચવા માટે લાઇફ બોટ પણ હતી જેમાં વધુમાં વધુ ૨૦૦ મુસાફરો સમાઈ શકે એમ હતા. એમ તો વીજળીના તળિયે કમ્પાર્ટમેન્ટ કરેલાં હતાં (ટાઇટેનિકની જેમ જ) જેથી કોઈ કારણસર વીજળીનું પડખું તૂટે તો એક જ ખાનામાં પાણી ભરાય. બીજા ખાનાંઓ સલામત રહી જાય અને વીજળી ડૂબતી બચી જાય. ટૂંકમાં બચાવ માટેની થોડી તકેદારી તો હતી, પણ કાળને કોણ પાછું વાળી શક્યું છે, તો વીજળી વાળી શકે?

અંત તરફ મુસાફરીનો આરંભ

દિવસે વિદાય લીધી, સંધ્યા પણ ડોકું કાઢીને જતી રહી. હવે માઝમ રાત જામી હતી. દરિયામાં દૂર દૂર સુધી પાણીની પ્રભુતા નજરે પડતી હતી. વીજળીના મુસાફરો સૂવાની તૈયારીમાં હતા. એ વખતે જ એવું લાગ્યું કે દરિયો આજે કંઈક જુદી જાતનો દેખાય છે. મોજાં ધીમે ધીમે કદ વધારતાં જતાં હતાં. વીજળી પણ વાઇબ્રેટર પર મુકાઈ હોય એમ ધ્રૂજવાની શરૂઆત થઈ હતી. વીજળીના કોઈ મુસાફર જીવંત બચ્યા ન હતા એટલે છેલ્લી ઘડીએ શું થયેલું તેનું કોઈ સત્તાવાર બયાન ઉપલબ્ધ નથી. માત્ર કલ્પના જ કરવી રહી.

સામાન્ય લાગતાં મોજાં હવે પર્વત જેવડાં થઈ રહ્યાં હતાં. વીજળી માંગરોળથી અંદાજે વીસ-પચીસ કિલોમીટર દૂર દરિયામાં હશે. અહીં જ તેનો અંતિમ પડાવ હતો. દક્ષિણ ભારતથી રવાના થયેલું તોફાન વીજળી સામે કાળ બનીને આવી પહોંચ્યું. તોફાન પોતાની રૌદ્રતા વધારતું જતું હતું. પવન વેગીલો હતો અને કાજળઘેરું આકાશ. આખરે તોફાન સામે વીજળી હારી ગઈ. ફંગોળાઈ, ઢાંચો તૂટવા લાગ્યો. મુસાફરો બચવા માટે દરિયામાં કૂદે કે લાઇફ બોટ લઈને દૂર ભાગે એ પહેલાં જ દરિયાદેવે વીજળીને ક્યાંય દૂર ફંગોળી દીધી. ત્યાં સુધીમાં વીજળીના સ્પેરપાર્ટ્સ છૂટા પડી ગયા હતા અને કોઈ બચી શક્યું હોય તો પણ એ દરિયાના તોફાન સામે કેટલો સમય ઝીંક ઝીલી શકે એ મોટો પ્રશ્ન હતો. મીંઢળબંધા વરરાજાઓ, પરીક્ષા આપવા થનગનતા વિદ્યાર્થીઓ, લગ્નગીતથી વીજળીને ગુંજવતી જાનડીઓ, મુસાફરોની સરભરામાં દોડાદોડી કરતા વીજળીના કર્મચારીઓ બધાજનાં આક્રંદ એકસાથે દરિયાના ઘૂઘવાટામાં સમી ગયાં.

જમીન ખા ગઈ યા આસમાન નિગલ ગયા!

તોફાનમાં પિસાયા પછી બીજા દિવસે વીજળીનો કાટમાળ કે મુસાફરોના મૃતદેહો મળવા જોઈએ. હકીકતે વીજળી વેરણ થયા પછી તેના કોઈ અવશેષો હાથ લાગ્યા નહીં. એટલે વીજળીનું રહસ્ય વધારે વિસ્મયકારક બન્યું. ત્યારે આજના જેવી ટેક્નોલોજી હોય નહીં. જોકે ડૂબ્યાના ખબર મળ્યા પછી તુરંત બે આગબોટને વીજળીની ભાળ મેળવવા રવાના કરાયેલી, પણ કંઈ સબૂત હાથ લાગ્યાં નહીં. વેગીલા પવનો અને ઉછળતાં મોજાંએ વીજળીને જ્યાં ફંગોળી ત્યાં દરિયામાં વમળ રચાયેલું. એ વમળમાં ખાબકેલી વીજળીનું એક ખપાટિયું પણ તુરંત અને ત્યાં જ સપાટી પર આવે એવી સંભાવના ઓછી હતી. એ બધો કાટમાળ સપાટી પર આવ્યો હશે પણ એ સ્થળ અને કાળ બંને જુદાં હશે. એટલે વીજળીને શોધવા જનારાઓને કોઈ તાગ ન મળે એ સ્વાભાવિક છે.

કરો તપાસ, બેસાડો પંચ!

વીજળીની હોનારતના ખબર મળતાં જ હાહાકાર મચી ગયો. મુંબઈની કોડભરી કન્યાઓના સેંથામાં સિંદૂર પુરાય એ પહેલાં જ સુહાગ ઊજડી ગયા. કેટલાયના ઘરના મોભી છિનવાઈ ગયા. પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓનાં માતા-પિતાનાં આશા-અરમાનો પર દરિયાએ રીતસર પાણી ફેરવી દીધું. વીજળી બ્રિટિશરોની માલિકીની હતી એટલે દુર્ઘટનાના પડઘા છેક લંડનના શાહી દરબાર સુધી પડયા. વીજળી કેમ ડૂબી? કોની બેદરકારી હતી? કે પછી તોફાન જ આક્રમક હતું? વગેરે સવાલોના જવાબ મેળવવા એક મહિના પછી મુંબઈમાં ‘મરિન કોર્ટ ઓફ ઇન્ક્વાયરી’ બેસાડાઈ. ચિતલવાલાએ એ ઈન્ક્વાયરી અને એ વખતના અખબારી અહેવાલોનું સંશોધન કરી આ વિગતો મેળવી છે.

વીજળીનું ભૂત!

ડૂબ્યાના થોડા દિવસો કોઈએ વીજળીને જોઈ હોવાની વાતો બહાર આવેલી. મસ્કતથી આવતા એક જહાજના કપ્તાને એવું બયાન આપેલું કે તેમને ઓમાન પાસે વીજળીનો ભેટો થયેલો. વીજળીના કપ્તાને તેની સાથે વાત પણ કરેલી. એ પ્રમાણે વીજળીમાં બળતણ ખલાસ થઈ ગયેલું. જોકે એ વાત માનવી મુશ્કેલ છે, કેમ કે વીજળીમાં જરૂરિયાત કરતાં ત્રણેક ગણો કોલસો હતો. અલબત્ત, આજે પણ કોઈ જહાજ ડૂબે તો ઊંડી અને વિગતવાર તપાસ વગર ઘણી વખત સત્ય શોધી શકાતું નથી. તો પછી સવા સદી પહેલાં બનેલી ઘટના વિશે પૂરેપૂરી વિગતો મળી રહે એવું માનવું જરા વધારેપડતું છે.

***

૧૯૧૨માં ડૂબેલી ટાઈટેનિકનો કાટમાળ ૧૯૮૫માં રોબર્ટ બેલાર્ડ નામના સમુદ્રશાસ્ત્રીએ એટલાન્ટિક મહાસાગરમાંથી શોધી કાઢયો. જેમ્સ કેમેરોને જગ પ્રસિદ્ધ ટાઈટેનિક પર ફિલ્મ પણ બનાવી અને અચાનક જ લોકમાનસ પરથી ભુલાઈ ગયેલી ટાઇટેનિક જાણે જીવંત બની ઊઠી. વીજળીનો ભંગાર પણ એ રીતે ન શોધી શકાય? વીજળીની કરુણાંતિકા પર પણ ફિલ્મ ન બની શકે? બની શકે સમુદ્રમાં હજારો ફીટ નીચે પોઢેલી વીજળી કોઈક રોબર્ટ બેલાર્ડ કે જેમ્સ કેમેરોનની રાહ જોતી હોય!

ટાઇટેનિકની શતાબ્દીની ઉજવણી બેશક ખોટી નથી, પણ વીજળી ક્યાં કોઈ રીતે ટાઇટેનિકથી કમ હતી?

હાજી કાસમ તારી વીજળી

હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ... કાવ્ય આપણે ત્યાં લોકસાહિત્યમાં છવાયેલું છે. જોકે કાવ્યમાં સત્ય કરતાં કલ્પના વધારે છે, પણ એમાં સર્જકનો વાંક નથી. સર્જકને તો એ વખતે જે જાણકારી મળી હોય તેના આધારે તેણે કલમ ઉપાડી વીજળીની મોતની સફરને શબ્દદેહ આપ્યો હોય. કાવ્યના રચયિતા કોણ છે એ પણ જાણ મળતી નથી. પણ કરુણરસને કાવ્યમાં પૂરેપૂરો નિચોવી લેવાયો છે. બે લીટી જ આપણાં રૂવાંડાં ઊભાં કરવાં માટે પૂરતી છે. માંડવી બંદરેથી મુંબઈ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીની મૌનવ્યથા કવિએ આબાદ રીતે રજૂ કરી છે. જેમાં વિદ્યાર્થી પોતાના શિક્ષકને ઉદ્દેશીને કહે છે કે, સાહેબ, હવે આ પરીક્ષાની તૈયારી માટેની નોટ અમારા માટે શ. કામની.. ડિયર સર, આ લાસ્ટ વખતની શા કામની આ નોટ નોટ સુધ્ધાં દરિયામાં પડવું છે ભરતી નહીં ઓટ. કલ્પના કરો, કેવી સ્થિતિ હશે એ વિદ્યાર્થીની?

વીજળી અને ટાઇટેનિકઃ થાય સરખામણી તો...

વીજળી અને ટાઇટેનિક વચ્ચે ઘણી સામ્યતાઓ છે. એક તો બંને ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલી. બંનેની માલિકી વળી બ્રિટિશ કંપનીઓની હતી. ટાઇટેનિક અકસ્માત વખતે ડૂબી ન જાય એ માટે તેના તળિયે ૧૬ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતાં. મતલબ કે કોઈ કારણસર ભંડકિયામાં પાણી ઘૂસી જાય તો ૧૬ પૈકી એક જ ખાનામાં પાણી રહે. બીજાં ખાનાંઓ બંધ હોય. પરિણામે જહાજ ડૂબે નહીં.

વીજળીમાં પણ સાત વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ હતાં. બંનેની જળસમાધિ પછી તપાસપંચો નિમાયેલાં. ટાઇટેનિક જોકે શાંત સમુદ્રમાં ડૂબેલી અને એ દુર્ઘટનાનું વર્ણન કરવા મુસાફરો જીવતા રહેલા. વીજળી તોફાની દરિયામાં ડૂબી અને એક પણ અવશેષ બાકી છોડયા વગર. ટાઇટેનિકમાં પણ કેટલાક મુસાફરો ઉપડયા પછી બીજા બંદરે ઊતરી ગયેલા. તો વીજળીમાં પોરબંદરથી ૧૦૦ મુસાફરો ચડવાના હતા એમણે પ્રવાસ કેન્સલ કરેલો. એમની જીવાદોરી લાંબી હશે..

lalitgajjer@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com