દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
ઇન્ડિયન આર્મી અને આર્મી ચીફ જનરલ વી. કે. સિંહ છેલ્લા ઘણા સમયથી ચર્ચા અને વિવાદમાં છે. જનરલ સિંહ એવા પહેલા આર્મી ચીફ છે જેમણે દેશની વડી અદાલતનો દરવાજો ખખડાવ્યો હોય. ઉંમરના વિવાદમાં તેમણે પાછીપાની કરવી પડી હતી. મને રૂ. ૧૪ કરોડની લાંચની ઓફર થઈ હતી તેવી વાત કરી તેમણે ખળભળાટ મચાવ્યો. આ વિવાદ શમે એ પહેલાં આર્મી ચીફે વડાપ્રધાનને લખેલો અત્યંત ખાનગી પત્ર લીક થઈ ગયો. આ પત્રમાં વળી એવી ચોંકાવનારી વિગતો હતી કે આપણી સેના પાસે પૂરતો દારૂગોળો પણ નથી! હવાઈ સુરક્ષા ખસ્તા હાલ છે. દેશના બજેટના ૩૪ ટકા સંરક્ષણ પાછળ વપરાય છે. આ વર્ષે રક્ષા બજેટ રૂ. ૧,૯૩,૪૦૭.૨૯ કરોડનું છે. આખા વિશ્વમાં થતી કુલ હથિયારોની ખરીદીમાંથી દસ ટકા ખરીદી માત્ર ભારત કરે છે. ચીન અને પાકિસ્તાન પણ આપણાથી પાછળ છે. છતાં આવું કેમ છે? સેનાની ખરીદી એ ભ્રષ્ટાચારની જડ છે. તોપથી માંડી કોફિન સુધીની ખરીદીમાં ગેરરીતિઓના કિસ્સાઓ ગાજ્યા છે. કોઈ એવો વિચાર જ નથી કરતું કે આ બધા વિવાદોની અસર આપણી સેનાના મોરલ પર કેવી થશે?
‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...’ સ્વરસમ્રાજ્ઞા લતા મંગેશકરે આમ તો આ ગીત શહીદોને સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાયું હતું. પણ આજે ભારતીય સેનામાં જે ચાલી રહ્યું છે એ જોઈને વતનના લોકોની આંખ જરાક જુદી રીતે ભીની થઈ જાય એવું છે. ખુદ આર્મી ચીફ એમ કહે કે સેનાની હાલત દયાજનક છે અને મને રૂ. ૧૪ કરોડની લાંચની ઓફર થઈ હતી. ત્યારે પેલી પંક્તિ જ યાદ આવી જાય કે ‘હર ડાલ પે ઉલ્લુ બૈઠા હૈ, અંજામે ગુલિસ્તા ક્યા હોગા?’
ભારતીય સેના વિશ્વની ચોથા નંબરની સૌથી શક્તિશાળી સેના છે. સેનાની ત્રણ પાંખમાંથી આર્મીના વડા જનરલ વી. કે. સિંહ ઉંમરના વિવાદમાં પાછા પડયા પછી કેસરિયા કરવાના મૂડમાં છે.
નિવૃત્ત થતાં પહેલાં તે ધડાધડ બોંબ સેલ્સ ફોડી રહ્યા છે. પ્રોટોકોલ અને પ્રાઈવસીની ઐસીતૈસી થઈ રહી છે. સેનાના વડા દેશના વડાપ્રધાનને સેનાની હાલત વિશે એક પત્ર લખે છે અને એ પત્ર લીક થઈ જાય છે! આર્મી ચીફને બરતરફ કરવા સુધીની માંગ સંસદમાં ઊઠે છે. લશ્કર પાસે પૂરતાં હથિયારો નથી, ટેન્કસ માટે દારૂગોળો નથી, હવાઈ સુરક્ષાની ૯૭ ટકા વ્યવસ્થા ખરાબ છે, હવાઈ હુમલાથી બચવું મુશ્કેલ છે. આ અને આવી વાતો મીડિયા સુધી પહોંચી જાય છે. આવું બધું થાય ત્યારે કોઈ એવું વિચારે છે ખરા કે આ બધાથી આપણી સેનાના મોરલ ઉપર શું અને કેવી અસર થશે?
આપણી સેનાના જવાનો પચાસ ડિગ્રી તાપમાનવાળા બળબળતા રણમાં અને માઇનસ ફિફ્ટી ડિગ્રી ટેમ્પરેચરવાળા સિયાચીનમાં ખડેપગે પહેરો ભરે છે. એક જગ્યાએ ચામડી બળી જાય એટલો તાપ હોય છે અને બીજી જગ્યાએ ચામડી ફાટી જાય એવી કડકડતી ઠંડી હોય છે. ‘ઉસ મુલ્ક કી સરહદ કો કોઈ છૂ નહીં સકતા, જિસ મુલ્ક કી સરહદ કી નિગહબાન હૈં આંખેં...’ ગીત સાંભળીએ ત્યારે આપણું માથું ગર્વથી ઊંચું થઈ જાય છે અને છાતી થોડીક ફૂલી જાય છે. મોટી આફતો વખતે જ્યારે કોઈનું ધ્યાન નથી પડતું ત્યારે સેનાના જવાનો સેવા માટે પહોંચી જાય છે. બીજી તરફ દુશ્મનો સામે સામી છાતીએ લડીને શહીદી વહોરનાર નરબંકાઓના પાર્થિવ દેહને વતન લઈ આવવા માટે ખરીદાતા કોફિનમાં કૌભાંડ થાય છે. કારગિલ શહીદોના પરિવાર માટે બંધાતા ફ્લેટ્સ પડાવી લેવા પ્રપંચો ખેલાય છે! કોઈનું રૃંવાડુંયે નથી ફરકતું! ગીતની એ કડી કેમ ભુલાઈ જાય છે કે ‘જો શહીદ હુએ હૈં ઉનકી, જરા યાદ કરો કુરબાની!’
‘અય જાતે હુએ લમ્હોં, ઝરા ઠહરો.. ઝરા ઠહરો...’ ‘બોર્ડર’ ફિલ્મનું ગીત સાંભળીએ ત્યારે હૃદયના ધબકારા થોડાક વધી જાય છે અને ‘ખબર નથી પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.’ સાંભળીએ ત્યારે રોમે રોમમાં જોમ પુરાઈ જાય છે. રોજ રાતે આપણે આરામથી ઊંઘી શકીએસ્ છીએ તેના યશના ભાગીદાર આપણા સૈનિકો પણ છે. બીજાં કૌભાંડોની વાત સાંભળીએ ત્યારે આપણને ગુસ્સો આવે છે પણ સેનાનાં કૌભાંડોની વાત આવે ત્યારે આપણે ધ્રૂજી જઈએ છીએ, કારણ કે સૈનિકો પ્રત્યે દરેક હિન્દુસ્તાનીને ગર્વ છે. આર્મી અને અદાલત બે એવી પવિત્ર ચીજો છે જેને ખરડાતી જોઈએ ત્યારે આપણી અંદર કંઈક તૂટતું અને કણસતું હોય એવું લાગે છે.
કમનસીબી એ છે કે આપણી સેનાને પણ ભ્રષ્ટાચારનો એરુ આભડી ગયો છે. આર્મી ચીફ જનરલ વી. કે. સિંહની કરિયર ભવ્ય રહી છે. વર્ષોની ફરજ દરમિયાન તેની સામે આંગળી ઊઠી નથી પણ છેલ્લા થોડા સમયમાં જે થયું છે તેનાથી તેઓ પણ શંકાના દાયરામાં આવી ગયા છે. સૌથી મોટો સવાલ એ કે જ્યારે તેમને ૧૪ કરોડની લાંચની ઓફર થઈ ત્યારે તેઓ શા માટે ચૂપ રહ્યા? ફરિયાદ કેમ ન નોંધાવી? અને હવે વાત કરી દીધી છે તો પછી એવું શા માટે નથી કહેતા કે કોણ તેને રોકતું હતું? જનરલ સિંહે કહ્યું કે તેમણે રક્ષામંત્રી એ.કે. એન્ટનીને વાત કરી હતી, રક્ષામંત્રીએ લેખિતમાં આપવા કહ્યું ત્યારે તેમણે કેમ ન આપ્યું? બીજો સવાલ એ પણ થાય કે રક્ષામંત્રી એન્ટની પણ આર્મી ચીફની વાત સાંભળ્યા પછી શા માટે મોઢું સીવીને બેસી રહ્યા? રક્ષામંત્રી એ.કે. એન્ટનીની છાપ પ્રામાણિક અને સંનિષ્ઠ રાજકારણીની છે. તેમણે અગાઉ એવા અનેક નિર્ણયો કર્યા છે જેનાથી સેનાની શક્તિ વધી હોય અને મોરલ ઊંચું ગયું હોય!
સેનાનો બધો જ પત્રવ્યવહાર અત્યંત ગુપ્ત હોય છે. મોસ્ટ કોન્ફિડેન્શિયલ લેટર કઈ રીતે ફૂટી ગયો? આર્મી ચીફે વડાપ્રધાનને લખેલા લેટરમાં જે વિગતો છે એ જાણીને દરેક ઇન્ડિયનને એવું જ થાય કે ખરેખર શું આપણી સેનાની હાલત આવી છે? દેશના બજેટનો મોટો હિસ્સો સંરક્ષણ પાછળ ફાળવવામાં આવે છે, એ રૂપિયા ક્યાં જાય છે? હથિયારોની ખરીદીમાં કમિશન અને કટકી લેવાય છે એવી વાતો હવે નવી નથી. અલબત્ત, અત્યાર સુધી તો આવા ધંધામાં રાજકારણીઓનાં જ નામો આવતાં હતાં, જો કે હવે સેનાના જ અધિકારીઓનાં નામો ખૂલી રહ્યાં છે. જનરલ એ.કે. સિંહની લાંચની ઓફરવાળી વાત પછી રિટાયર્ડ લેફટનન્ટ જનરલ તેજિન્દરસિંહે આર્મી ચીફ સામે માનહાનિનો દાવો માંડયો છે.
ખુદ રક્ષા મંત્રાલયે કબૂલ કર્યું છે કે, સેના માટે હથિયારો અને વાહનોની ખરીદીના કામમાં ગોલમાલ કરનાર કુલ છ કંપનીઓને બ્લેક લિસ્ટેડ કરાઈ છે. આ છ કંપનીમાં એક ઇઝરાયલની, એક રશિયાની, એક જર્મનીની, એક સિંગાપોરની અને બે ઇન્ડિયન કંપની છે. આ કંપનીઓ કઈ છે અને તેને શા માટે બ્લેક લિસ્ટેડ કરવામાં આવી તેની વિગતો જાહેર થઈ નથી. રાઈટ ટુ ઇન્ફર્મેશન હેઠળ પણ સેનાની વિગતો માગી શકાતી નથી. સેનાના વ્યવહારો આરટીઆઈ મુક્ત છે. ગુપ્ત વ્યવહારો જાહેર ન કરી શકાય, દેશની એકતા અને અખંડિતતાનો સવાલ છે. વાત બરાબર છે પણ આર્મી ચીફનો પત્ર ફૂટી જાય એનો કંઈ વાંધો નહીં?
સેનાનાં કૌભાંડો પણ કંઈ નવી વાત નથી. એક ટેલિવિઝન ચેનલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં સેનાના એક સિનિયર અધિકારી એવું કહેતાં હતા કે જ્યારે આવો ત્યારે સ્કોચની એક બોટલ તો ગિફ્ટમાં લઈ જ આવવાની! દિલ્હીમાં મોંઘી વ્હિસ્કી ગિફ્ટમાં આપવા માટે બહાનાં જ શોધાતાં હોય છે! એક તરફ લાખો કરોડોનાં કૌભાંડો થાય છે અને બીજી તરફ કોઈ સામાન્ય જવાન તેને આર્મીની કેન્ટીનમાંથી પરમિટ પર સસ્તામાં મળતો દારૂ પચાસ સો રૂપિયા વધારે લઈ કોઈ સિવિલિયન્સને વેચી દે તો એની સામે ફરિયાદ નોંધવામાં આવે છે. ‘દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.’ વાચક રાજા, તમને કંઈ સમજાય છે કે આવું શાને થાય છે?
સેના માટે ખરીદી એ ભ્રષ્ટાચારની સૌથી મોટી જડ છે. તમને ખબર છે સમગ્ર વિશ્વમાં હથિયારની જેટલી ખરીદી થાય છે તેમાં દસ ટકા ખરીદી માત્ર આપણો દેશ ઇન્ડિયા કરે છે. હથિયારોની ખરીદીમાં આપણે આખા એશિયામાં નંબર વન છીએ. ચીન અને પાકિસ્તાનની ખરીદી આપણાથી અડધી પણ નથી. ગયા ગુરુવારે નવી દિલ્હીમાં ડિફેન્સ એક્સ્પો ૨૦૧૨ યોજાયું હતું. જેમાં ૫૫ દેશોની ૨૫૦ કંપનીઓએ ભાગ લીધો હતો. આજે પણ ભારત હથિયારોનું મોટું બજાર છે.
ગઈ ૧૬મી માર્ચે સંસદમાં જનરલ બજેટ રજૂ થયું. બજેટમાં રક્ષા માટે રૂ. ૧,૯૩,૪૦૭.૨૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. આ રકમ સમગ્ર બજેટના ૩૪ ટકા જેટલી છે. રક્ષા બજેટમાં ૨૫ ટકા રકમ વાયુ સેના અને ૧૯ ટકા રકમ નૌ સેના માટે ફાળવવામાં આવી. બાકી બધી રકમ આર્મી માટે હતી. સેના માટે ૭૦ ટકા મિલિટરી હાર્ડવેર વિદેશથી ખરીદવામાં આવે છે. એક એવો પણ આક્ષેપ છે કે દેશમાં સેના માટે હથિયારોના ઉત્પાદનને પ્રોત્સાહન જ નથી અપાતું. વિદેશની કંપનીઓ પાસેથી મોટું કમિશન મળે છે એટલે! તોપથી માંડીને શહીદી વહોરનારા સૈનિકો માટેના કોફિનની ખરીદીમાં પણ ભ્રષ્ટાચારના કિસ્સાઓ ચગ્યા છે. કોફિન અને કફનમાં પણ ગેરરીતિ થાય ત્યારે આંચકો લાગે એ સ્વાભાવિક છે. અમેરિકાની વુઇટ્રોન એન્ડ બેઈઝ કંપનીને ભારતીય સેના માટે ત્રણ હજાર શબ થેલી અને ૫૦૦ કોફિનનો ઓર્ડર ૧૫ લાખ ડોલર (અંદાજે રૂપિયા ૬.૫ કરોડ)માં આપવામાં આવ્યો હતો. એક કોફિનની કિંમત આંકવામાં આવી હતી. ૨૫૦૦ ડોલર (અંદાજે ૧.૦૯ લાખ રૂપિયા) આ જ કોફિન અગાઉ સેનાએ જ ૧૭૦ ડોલરમાં ખરીદ કર્યા હતા. ૧૫૦ કોફિનની ડિલિવરી થઈ ત્યાં સુધીમાં કુલ ખરીદીની ૯૦ ટકા રકમ પણ ચૂકવાઈ ગઈ હતી. એક લાખથી વધુની કિંમતનું એક કોફિન હોય? અને બીજો સવાલ એ કે શું આપણા દેશની હાલત એવી છે કે આપણે કોફિનની ખરીદી પણ વિદેશથી કરવી પડે? આપણા દેશમાં કોફિન નથી મળતાં?
સેના માટે થતી ખરીદીમાં કમિશનનાં પ્રકરણો ઘણાં બધાં છે. સામા પક્ષે સેનાના કેટલાક ઉચ્ચ અધિકારીઓનાં કરતૂતોથી પણ નીચાજોણું થયું છે. પશ્ચિમ બંગાળના સુખના જમીનનો વિવાદ યાદ છે? સિલિગુડી શહેર નજીક આવેલ સુખના ગામે ભારતીય લશ્કરનું થાણું છે. થાણા નજીક જ ૭૦ એકર ખુલ્લી જમીન છે. આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી લશ્કરી અધિકારીઓએ જમીન ખરીદી લેવાની ભલામણ કરી હતી. કોલકાતાના એક બિલ્ડરની નજર આ જમીન પર હતી. અજમેરની પ્રસિદ્ધ મેયો કોલેજના સહયોગથી શૈક્ષણિક સંસ્થા શરૂ કરવાના નામે જમીનની માંગણી બિલ્ડરે કરી. અગાઉ જે જમીન આપવાની ના પાડવામાં આવી હતી એ જ જમીન પછી એ બિલ્ડરને ડેવલપ કરવા સોંપી દેવાઈ. આખા પ્રકરણમાં અંતે એવું બહાર આવ્યું હતું કે ભારતીય સેનાના મિલિટરી સેક્રેટરી અવધેશ પ્રકાશે આઉટ ઓફ વે જઈને આ જમીન બિલ્ડરને મળી જાય તે માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. આ જમીનની કિંમત રૂ. ૩૦૦ કરોડથી વધુ છે. આ પ્રકરણ જ્યારે બહાર આવ્યું ત્યારે આર્મી ચીફ તરીકે જનરલ દીપક કુમાર હતા. દીપક કુમારના ટોચના આઠ સહાયકોમાં એક મિલિટરી સેક્રેટરી અવધેશ પ્રકાશ હતા. ૩૧ મી જાન્યુઆરી, ૨૦૧૦ ના રોજ અવધેશ પ્રકાશ નિવૃત્ત થવાના હતા. તેઓ નિવૃત્ત થાય તેના થોડા જ કલાકો અગાઉ તેને કોર્ટ માર્શલની નોટિસ પકડાવી દેવામાં આવી હતી. મજાની વાત એ છે કે અત્યારે જે આર્મી ચીફ છે તે જનરલ વી.કે. સિંહે જ અવધેશ પ્રકાશને બરતરફ કરવાની ભલામણ કરી હતી.
સેનામાં શિસ્તનું મહત્ત્વ સૌથી વધુ છે, સેના માટે શિસ્ત આવશ્યક પણ છે. પોતાના ઉપરી અધિકારીઓનો આદેશ જવાનો કોઈ પણ સંજોગોમાં ઉથાપતા નથી. ઓર્ડર ઇઝ ઓર્ડર એ આર્મીનો મંત્ર છે. સેનાના વિવાદો બહાર આવે ત્યારે સૈનિકોના મોરલ ઉપર અસર થાય એ સ્વાભાવિક છે. એ સિવાય પણ સેના પ્રત્યે જેમને અહોભાવ છે અને જે યુવાન સેનામાં જોડાવવા ઇચ્છે છે તેના મોરલને પણ કેવી અસર થશે એ વિચારવાની જરૂર છે. સેનામાં ફરજ બજાવી ચૂકેલા એક કર્નલે કહ્યું કે આર્મીમાં ‘ગુપ્તતા’ ના નામે ઘણું બધું છાનું છપનું થઈ જાય છે. ઘણાં બધાં પ્રકરણો તો બહાર જ આવતાં નથી. જવાનો માટે જે થવું જોઈએ એ થતું નથી, તેના કારણે ઘણી વખત જવાનો પણ હતાશામાં સરી જાય છે. ગયા વર્ષે બોર્ડર ઉપર અને આતંકવાદીઓ સામે લડતાં લડતાં સેનાના ૬૫ જવાનોએ શહીદી વહોરી હતી, બીજી તરફ હતાશાના કારણે આત્મહત્યા કરનાર જવાનોનો આંકડો હતો ૯૯! લડતાં લડતાં મરવા માટે તૈયાર હોય એવા જાંબાઝ જવાનો લટકીને કે ઝેર પીને મરે એ કેવી કમનસીબી છે?
સેનામાં કરપ્શન, ગેરરીતિ અને કૌભાંડની વાતો બહાર આવે ત્યારે એક વાત યાદ રાખવા જેવી છે કે આ પ્રશ્ન માત્ર આર્થિક નથી પણ આ પ્રશ્ન સલામતી, દેશવાસીઓના ગૌરવ તથા સેનાના મોરલનો છે. ‘જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ?’
kkantu@gmail.com