અજમેર,
તા. ૩
સ્નેપર્સ અને કમાન્ડોની પણ મદદ લેવામાં આવશે
પાકિસ્તાનનાં રાષ્ટ્પતિ આસીફઅલી ઝરદારીની ૮ એપ્રિલની યાત્રાને ધ્યાનમાં રાખીને વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપરાંત સ્નેપર્સ અને કમાન્ડો પણ ગોઠવવામાં આવશે. અજમેરનાં સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાજેશ મીનાએ જણાવ્યું હતું કે સુરક્ષા માટે કેટલા કર્મચારીઓની જરૃર પડશે તેની અમે ગણતરી કરી રહ્યાં છીએ. જરૃરી સુરક્ષા વ્યવસ્થા સમયસર પૂર્ણ કરી દેવામાં આવશે.
જ્યારે એસપીને સુરક્ષા અંગે વિગતવાર માહિતી પૂછવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે સાદા કપડામાં પોલીસકર્મીઓ ઉપરાંત સ્નેપર્સ અને કમાન્ડોની નિયુક્તિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે ભારતનાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે અજમેર શરીફની મુલાકાતે આવ્યા હતાં ત્યારે એક હજારથી પણ વધારે સુરક્ષા કર્મીઓને ગોઠવવામાં આવ્યાં હતાં.
ઝરદારી સુપ્રસિદ્ધ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની ઝિયારત માટે ૮ એપ્રિલે અજમેર આવવાનાં છે. દરગાહના સજ્જાદનશીન દીવાન સૈયદ ઝૈનુલ આબેદીન અલી ખાને જણાવ્યું હતું કે પરંપરા અનુસાર ઝરદારીને ભેટ સ્વરૃપે પુસ્તકો અને તલવાર આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ઝરદારીની મુલાકાતનાં બે કલાક પહેલા સામાન્ય લોકોને દરગાહમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
દરગાહની મુલાકાત પહેલા તેઓ નવી દિલ્હીમાં વડાપ્રધાન મનમોહન સિંહને મળશે. આ અગાઉ ઝરદારી અને મનમોહન સિંહ વચ્ચે ૨૦૦૯માં રશિયામાં મુલાકાત થઇ હતી. ૨૦૦૫માં પરવેઝ મુશર્રફની નવી દિલ્હી યાત્રા પછી પ્રથમ વખત પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે.