સુરત, બારડોલી, તા. ૩
કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા એકસાઇઝ, ટીડીએસ તથા કસ્ટમના ભારણ સામે લડતનંુ રણશિંગુ ફંૂકનારા જ્વેલર્સ હવે લડાયક મૂડમાં આવ્યા છે. સતત ૧૫ દિવસના બંધ બાદ પણ કેન્દ્ર સરકારે મચક નહીં આપતા જ્વેલર્સે ઉગ્ર કાર્યક્રમો આપવા માંડયા છે. આશ્ચર્યજનક કાર્યક્રમની કરેલી જાહેરાત મુજબ મંગળવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકના અરસામાં સુરત શહેર તથા જિલ્લાના જ્વેલર્સે કામરેજ ટોલ નાકા પર ધસી જઇ રસ્તો રોકીને કલાકો સુધી નેશનલ હાઇવે નં. ૮નો વાહન વ્યવહાર ખોરવી નાંખ્યો હતો.
- સુરત, નવસારી, વલસાડ, વાપીમાં રસ્તો રોકી કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવી નખાયો
૧૫ દિવસથી ધરણાં અને મૌનરેલી જેવા કાર્યક્રમો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી રહેલા જ્વેલર્સે અચાનક આક્રમક તેવર દર્શાવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાતા પોલીસે ૪૭ જ્વેલર્સની ધરપકડ કરી તેઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ જ પ્રકારે સુરત ઉપરાંત નવસારી, વલસાડ, વાપીના જ્વેલર્સે પણ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવી નાંખ્યો હતો. અંતિમ ઘડી સુધી ગુપ્ત રાખવામાં આવેલા ચક્કાજામના કાર્યક્રમ માટે સુરત શહેર જ્વેલર્સ એસોસિયેશન દ્વારા મંગળવારના રોજ સવારે ૯-૩૦ કલાકના અરસામાં સુરત શહેર તથા જિલ્લાના જ્વેલર્સને આશ્ચર્યજનક કાર્યક્રમના નામે વરાછા હીરાબાગ ખાતે એક્ત્ર કરવામાં આવ્યા હતા. બાદમાં તમામને કામરેજ ટોલનાકે એકત્ર થવાનું જણાવવામાં આવ્યું હતંુ. જ્યાં ભેગા થયેલા જ્વેલર્સે રસ્તા રોકી વાહન વ્યાવહાર ખોરવી કાઢયો હતો. કામરેજ ને.હા.નં.૮ પર આવેલા ટોલટેક્સ નાકાથી આગળ નવી પારડી ગામની સાઈ હોટલ સામે હાઈવે પર ચક્કાજામ કરીને હાઈવેનો વાહન વ્યવહાર થંભાવી દીધો હતો. સુરત શહેર, નવસારી, બારડોલી, પલસાણા, કામરેજ, ઓલપાડ, માંડવી, મહુવા, માંગરોળ અને ચોર્યાસી તાલુકા વિસ્તારમાંથી સેંકડોની માત્રામાં ભેગા થઈ ગયેલા જ્વેલર્સે હાઈવેના બંને ટ્રેક પર મોટા પથ્થરો અને અન્ય આડસો ઊભી કરી દેતા હાઈવેનો બંને તરફનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બેથી ત્રણ કિ.મી.સુધી હાઈવે જામ થઈ ગયો હતો. કલાકો સુધી ખોરવાયેલા વાહન વ્યવહારના કારણે પોલીસ દોડતી થઇ હતી. કાર્યક્રમથી પ્રથમ તો કામરેજ પોલીસ દોડી હતી, પરંતુ સેંકડોની માત્રામાં જ્વેલર્સનાં ટોળાંને કાબૂમાં લેવાનું અશક્ય જણાતા સમગ્ર જિલ્લાની પોલીસ બોલાવાઈ હતી. જ્વેલર્સને હાઈવે ખુલ્લો કરી દેવા જણાવવા છતાં તેમનો વિરોધ ચાલુ રહેતા પોલીસે તેમને વિખેરવા માટે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા જ્વેલર્સના ટોળાંમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે બે કલાકની કસરત પછી રોડ ખુલ્લો કરાવી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. બીજી તરફ વાહનવ્યવહાર ખોરવી નાંખી કાયદો હાથમાં લેનારા જ્વેલર્સ પૈકી સુરત શહેર જ્વેલર્સ એસોસિયેશનના ઉપપ્રમુખ દીપેશભાઇ ચોકસી, સેક્રેટરી સુરેશભાઇ, અગ્રણી દીપકભાઇ, રાજુભાઇ સહિત ૪૭ જણાંની ધરપકડ કરી હતી. જેઓને મોડી સાંજે જામીન પર મુક્ત કર્યા હતા. અત્રે નોંધનીય છે કે, સ્થાનિક સ્તરે લડત આપવા સાથે કેન્દ્ર સરકાર સાથે વાટોઘાટો પણ ચાલી રહી છે. જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓએ સરકાર સાથે લાઈઝનિંગ કરવા માટે દિલ્હીમાં ધામા નાંખ્યા છે.
જ્વેલર્સના ટેકામાં બે દિવસ મની લેન્ડર્સ બંધ પાળશે
એકસાઇઝ, કસ્ટમ તથા ટીડીએસની આકરી જોગવાઇ સામે લડત ચલાવી રહેલા જ્વેલર્સના ટેકામાં સુરત શહેરના મની લેન્ડર્સે બે દિવસ બંધ પાળવાની જાહેરાત કરી છે. મની લેન્ડર્સ એસો.ના અગ્રણી પીયુૂષભાઇ સોનીએ જણાવ્યું હતંુ કે, બુધવાર અને ગુરુવારના રોજ શહેરના તમામ મની લેન્ડર્સ બંધ પાળશે.