અમદાવાદ,તા.૩
‘ગૌમાતાના નામે ભાજપે હિન્દુઓના મતો મેળવ્યા બાદ ગાયોની રક્ષા કરવાને બદલે સમગ્ર રાજ્યમાં દરરોજ ગૌમાતાનું ખુલ્લેઆમ કતલ થાય છે છતાં રાજ્ય સરકારના પેટનું પાણી હાલંતુ નથી. રાજ્યમાં ગેરકાયદેસર અસંખ્ય કતલખાનાઓ અસ્તિત્વમાં આવ્યા છે. આ કતલખાનાઓને રોકવામાં ભાજપની સરકાર સદંતર નિષ્ફળ ગઇ છે. સરકાર અને પોલીસ અધિકારીઓની સાંઠગાઠથી કતલખાનાઓ ફૂલ્યાં-ફાલ્યાં છે. કોંગ્રેસના શાસનમાં ગાયોની હત્યાના નામે અનેક વખત કોમી રમખાણ કરનાર ભાજપ પક્ષની સરકાર ચુપ થઇને તમાશો જોઇ રહી છે.
- ધોળે દિવસે ગાયોની ઉઠાંતરી : નરહરિ અમીન
ગુજરાતમાં ધોળે દિવસે ગાયોની ઉઠાંતરી થાય અને કતલખાને લઇ જઇને કતલ કરાય છે ઉપરાંત જાહેરમાં ટ્રકો ભરીને ગૌમાંસ લાવવામાં આવે છે, તેવું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને જણાવ્યું હતું
તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસના શાસનમાં ૧૯૯૩માં જૈન સમાજના પર્યુષણ જેવા પવિત્ર તહેવારોમાં આઠ દિવસ કતલખાનાઓ સંપૂર્ણ બંધ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં પર્યુષણના પવિત્ર તહેવારોમાં આઠ દિવસ કતલખાના બંધ રાખવાના નિર્ણયને રદ કરીને જાહેરમાં કતલખાના ચાલુ રાખવામાં આવ્યા હતા. હિન્દુત્વના નામે અહિંસા, જીવદયા, ગૌરક્ષાની વાહિયાત વાતો કરી વખોતોવખત જૈન સમાજને ગેરમાર્ગે દોરી જૈન સમાજ દ્વારા જાહેર સન્માન સમારંભો કરી મુખ્યમંત્રી ખોટી પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જૈન સમાજને અમારી વિનંતી છે કે, હિન્દુત્વના નામે મતો મેળવ્યા બાદ હિન્દુ સમાજને ભૂલી જનાર મુખ્યમંત્રીને ઓળખે તે જરૂરી છે. ભવિષ્યમાં આવા જાહેર સન્માન સમારંભ યોજવામાં સમાજ છેતરાય નહીં.