Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 11:31:06 AM IST
 

હાફિઝ સઈદના માથા સાટે ૫૦ કરોડનું ઇનામ

Apr 04, 2012 National
 
Tags:   26/11 Mumbai attack Hafiz Saeed Lashkar-e-Taiba The United States Of America India America Pakistan comment     E-Mail     Print    
 
Viewed: 3319
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

 નવી દિલ્હી,તા. ૩
 
હાફિઝ ૨૬/૧૧ના મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ ત્રાસવાદી
અલકાયદાના જવાહીરી પર સૌથી વધુ ૧૨૫ કરોડ રૂપિયાનું ઇનામ

ભારતમાં અનેક ત્રાસવાદી હુમલાઓમાં હાથ ધરાવનાર કુખ્યાત આતંકવાદી અને પાકિસ્તાનના સૌથી ખતરનાક ત્રાસવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના લીડર હાફિઝ સઈદને પકડવા માટે અમેરિકાએ ૫૦ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. હાફિઝ સૌથી ખતરનાક ત્રાસવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના લીડર તરીકે રહીને ભારત પરનાં અનેક ત્રાસવાદી હુમલાઓમાં સીધી સંડોવણી ધરાવે છે. મુંબઈમાં ૨૬/૧૧ના ભયાનક આતંકવાદી હુમલામાં પણ તેનો હાથ હતો. મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ગણાતા હાફિઝ સઈદ ઉપર સકંજો મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. હાફિઝ સઈદની ધરપકડ તરફ દોરી જનાર માહિતી આપનાર અથવા તો મદદ કરનારને આ જંગી રકમ ઇનામરૂપે આપવામાં આવશે.

પ્રથમ વખત ભારતનાં પ્રવાસે આવેલા અમેરિકાના અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ વેન્ડી શર્મને ભારતીય અધિકારીઓને આ માહિતી આપતા કહ્યું હતું કે સઈદના સંબંધી અને લશ્કરના સહ સ્થાપક અબ્દુલ રહેમાન મક્કી પર ૨૫ કરોડનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ભારત સરકારે અમેરિકાનાં આ પગલાને આવકાર્યું હતું. લશ્કર-એ-તોયબા તેમજ જમાત-ઉદ-દાવા અને તેની સાથે સંલગ્ન ત્રાસવાદીઓને આને કારણે મજબૂત સંકેતો અપાયા છે કે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સમુદાય ત્રાસવાદ સામે લડવા માટે સંગઠિત હોવાનો સંકેત તેમને આપવામાં આવ્યો છે.

સઈદ તેમજ મક્કી પર અમેરિકાનાં કાયદા મુજબ કામ ચલાવાશે

હાફિઝ સઈદના નેતૃત્વમાં જમાત-ઉદ-દાવા પોતાની હદમાં દુનિયામાં સૌથી મોટા આતંકવાદી સગઠન અલ કાયદાને પણ ટક્કર આપે છે. ભારતની સામે મુખ્ય રીતે કામ કરીને જમાત-ઉદ-દાવાએ હવે યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી પણ પોતાનો વ્યાપ વિસ્તાર્યો છે. અમેરિકાએ લશ્કર-એ-તોયબા તેમજ જમાત-ઉદ-દાવાને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યા છે અને સઈદ તેમજ મક્કી પર અમેરિકાનાં કાયદા મુજબ કામ ચલાવવાનું નક્કી કર્યું છે.

ઝવાહીરી ઉપર સૌથી વધુ ૧૨૫ કરોડ રૂપિયાનું ઇનામ

અમેરિકાએ જુદા જુદા આતંકવાદીઓ પર ઇનામ જાહેર કર્યું છે. જેમાં સૌથી મોટું ઈનામ અલ કાયદાના ચીફ બની ગયેલા અયમાન અલ ઝવાહીરી ઉપર રાખવામાં આવ્યું છે. બીજા નંબર પર હાફિઝ સઈદની સાથે અલ કાયદાના યાસીન અલ સુરી, અબુ દુઆ અને તાલિબાની લીડર મુલ્લા ઉમર છે. તાલિબાની હકિમઉલ્લા અને અલકાયદાના સૈફ અલ અદલ ઉપર પણ ૨૫-૨૫ કરોડના ઇનામ જાહેર કરવામાં આવ્યા છે. ઝવાહીરી ઉપર સૌથી વધુ ૧૨૫ કરોડ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે.

અમેરિકાના પગલાથી સ્થિતિ વધુ વણસવાની ધમકી

 વિશ્વનાં કુખ્યાત ત્રાસવાદી ઓસામા બિન લાદેનને અમેરિકી સેનાએ ગયા વર્ષે ઓપરેશન હાથ ધરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. લાદેનનાં મૃત્યુ બાદ જવાહીરી અલકાયદાનો લીડર બની ગયો હતો. જમાત ઉદ દાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, અમેરિકાના આ પગલાથી સ્થિતિ વધુ વણસી જશે. ઇસ્લામ અને મુસ્લિમોની વિરુદ્ધમાં આ પગલું હોવાની પ્રતિક્રિયા જમાત ઉદ દાવા દ્વારા આપવામાં આવી છે. ભારત વિરોધી નિવેદનો અને ભારતમાં અનેક હુમલાઓમાં સઈદની સીધી સંડોવણી રહી છે.

ભારત દ્વારા અમેરિકી પગલાંનું સ્વાગત

મુંબઈમાં થયેલા હુમલામાં સઈદ માસ્ટર માઈન્ડ હતો. આ હુમલામાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા હતા. બન્ને દેશો વચ્ચે ખેંચતાણ વધી ગઇ હતી. આ કુખ્યાત આતંકવાદીઓ ઉપરાંત અમેરિકાએ અન્ય ૩૩ શખ્સો સામે પણ ઇનામો જાહેર કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ પગલાનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણાએ કહ્યું હતું કે આ સમય તેઓ માત્ર એટલુ જ કહી શકે છે કે ભારતને રાહત થઇ છે. જ્યારે અમેરિકા હાફિઝની સામે કાર્યવાહી કરશે ત્યારે વધારે રાહત કરી થશે.

આતંકવાદીઓ પાકિસ્તાનમાં સુરક્ષિત રીતે રહે છે

ભારત હંમેશા કહેતુ આવ્યુ છે કે મુંબઈના હુમલામાં તેનો હાથ છે. આતંકવાદના કાવતરા ઘડનાર લોકોને છોડવામાં આવશે નહી. પાકિસ્તાન સમક્ષ પણ આવી જ માંગણી ભારત દ્વારા કરવામાં આવી રહી હતી. કૃષ્ણાએ કહ્યુ હતુ કે આતંકવાદીઓ પાકિસ્તાનમાં સુરક્ષિત રીતે રહે છે. આતકંવાદીઓ પર કઠોર કાર્યવાહી કરનાર અમેરિકાએ સઈદ ઉપર નજર રાખવી પડશે. ભારત સરકારે કહ્યુ હતું કે આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને અંજામ સુધી પહોંચાડવા અને આતંકવાદ સામે લડવા માટે જારી પ્રયાસો પ્રત્યે ભારત અને અમેરિકાની કટિબદ્ધતા આનાથી સાબિત થાય છે.

પાકિસ્તાન ત્રાસવાદીઓનું આશ્રયસ્થાન છે

અમેરિકાએ હાફિઝ સઈદ પર ૫૦ કરોડનું ઈનામ જાહેર કરવાની બાબત એ પુરવાર કરે છે કે પાકિસ્તાન હજી પણ ત્રાસવાદીઓ માટે આશ્રયસ્થાન બની રહ્યું છે. પાકિસ્તાનમાં છૂટથી હરતાફરતા ત્રાસવાદીઓ પડોશી દેશોમાં ત્રાસવાદ ફેલાવવાનાં કાવતરા ઘડે છે તેમ ભારતનાં ગૃહ સચિવ આર કે સિંહે જણાવ્યું હતું. આ પગલાંથી ત્યાં છુપાયેલા ત્રાસવાદીઓ પર પગલાં લેવાની પાકિસ્તાનને ફરજ પડશે.

પાકિસ્તાનનાં જેહાદી રાજકારણમાં સઈદનો દબદબો

પાકિસ્તાનનાં જેહાદી રાજકારણમાં ફરી એકવાર હાફિઝ સઈદનો દબદબો પ્રસ્થાપિત થયો છે. તે કટ્ટર જેહાદી નેતા તરીકે ઊભરી આવ્યો છે. લશ્કર-એ-તોઈબાનાં સ્થાપક સઈદને અમેરિકા દ્વારા જાહેર કરાયેલા વિશ્વનાં પાંચ મોસ્ટ વૉન્ટેડ ત્રાસવાદીમાં સમાવવામાં આવ્યો છે. ૨૦૦૮માં મુંબઈ હુમલા પછી થોડા સમય માટે તેને નજરકેદ કરવામાં આવ્યો હતો પણ હવે તેણે ફરી તેનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

હાફિઝનો હુંકાર-હું ગુફામાં સંતાયેલો નથી

હાફિઝ સઈદે તેનાં માથા સાટે ૫૦ કરોડનું ઈનામ જાહેર થયા પછી અમેરિકાને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે હું ગુફામાં સંતાતો ફરતો નથી. અમેરિકાની સરકાર હવે હતાશ થઈ ગઈ છે. નાટો દળોનો સપ્લાય રોકવા પાકિસ્તાનનાં લોકો સંગઠિત થતા અમેરિકા ગભરાઈ ગયું છે. ભારત દ્વારા અમેરિકાને મારા માટે ખોટી માહિતી આપવામાં આવી હોઈ શકે જેથી અમેરિકાએ ગભરાટમાં મારા માથા સાટે ઈનામ જાહેર કર્યું છે. હાફિઝે હુંકારમાં કહ્યું હતું કે હું કંઈ ગુફામાં સંતાયેલો નથી કે અમેરિકાએ મારા માથા સાટે ઈનામ જાહેર કરવું પડે. અમેરિકાનાં ડ્રોન હુમલાનો દેશવ્યાપી વિરોધ થતાં અમેરિકા હતાશ થઈ ગયું છે. અલ ઝઝીરામાં હાફિઝનો સંદેશો દર્શાવવામાં આવ્યો હતો. નાટો દળોને પાકિસ્તાનમાંથી ફરી સપ્લાય શરૂ કરવા સામે રેલીઓ યોજ્યા પછી અમેરિકાએ ઈનામ જાહેર કરવાનું પગલું ભર્યાનો હાફિઝે દાવો કર્યો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com