તંત્રવાસ્તુ - વાસ્તુગુરુ સંતોષ
કોઈ પણ વાસ્તુમાં કુશળ સ્ત્રી વગર ઘર બનતું નથી. ઘરની સ્વચ્છતા, વ્યવસ્થિતપણું, સુંદરતા, અતિથિનું સ્વાગત, દેવપૂજા, ઘરમાં શાંતિ જાળવવી, પાપી અને કુકર્મીને દૂર રાખવા, વડીલો અને બ્રાહ્મણોનું માન રાખવું, બાળકોને વ્યસનોથી બચાવવાં વગેરે ઘરની સ્ત્રીઓ જ કરે છે.
ઘરની કે રાજમહેલની પવિત્રતા ટકાવવી એ કુશળતાનું કામ અને ફરજ પણ છે, પણ આજકાલ પશ્ચિમની વિચારસરણીને કારણે ઊલટી પરિસ્થિતિ થઈ છે. વાસ્તુમાંના પુરુષોને બગડવામાં ઘણી વાર સ્ત્રીઓ જ અનેક રીતે જવાબદાર હોય છે.
વાસ્તુને બહારથી કે અંતર્ગત રચનામાં ફેરફાર કરીને કેટલીક ખાનગી, વ્યાવહારિક, આર્થિક, શારીરિક, માનસિક સમસ્યામાંથી કુશળતાથી છોડાવાય છે. વાસ્તુની દિશા જ સુખ, સમાધાન અને સમૃદ્ધિ આપોઆપ લાવી દે છે, પણ જો વાસ્તુની દિશા ચૂક્યા તો તેનાં અનેક દુષ્પરિણામ આવી શકે છે. આયુષ્ય ખરાબ થાય, બદનામી સહન કરવી પડે, દશે દિશાએ ભટકવું પડે, આયુષ્યનો દોર અકાળે તૂટે.
આપણને મળેલાં સારાં નસીબને કર્મોનો સાથ જરૂરી છે. નસીબ ફાટેલું હોય તો કર્મોનાં થીગડાં મારીને પ્રયત્ન કરવો પડે, નહિતર ઘણી વેળાએ વાસ્તુની બાબતમાં દેવ દે અને કર્મ લે એવી કરુણ પરિસ્થિતિ સર્જાય છે.
પુરુષોની તુલનાએ સ્ત્રી જાતિ સ્વભાવે ધર્મને અનુસરનારી, ધર્મનું પાલન કરનારી, રીતિ-રિવાજ પાળનારી, સંસ્કારક્ષમ હોવાથી પવિત્રતા ટકાવે છે. એટલું જ નહીં પણ તેનું આયુષ્ય પણ વધારે છે. હંમેશાં પ્રસન્ન અને સમૃદ્ધ ઘર રાખવાની જવાબદારી સ્ત્રી પર હોય છે. સ્ત્રી લક્ષ્મી છે, સરસ્વતી છે તેમજ દુર્ગા પણ છે.
ઉપયોગી ટિપ્સ
* વાસ્તુશાસ્ત્રમાં ઇશાન દિશાને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘરમાં હંમેશાં ઇશાન દિશાને સ્વચ્છ અને પવિત્ર રાખવી. કચરાની ડોલ, ભંગાર માલ, બિનજરૂરી વસ્તુ અથવા કાટ ખાતી વસ્તુઓનો સંગ્રહ આ દિશામાં કરવો નહીં. આ દિશામાં ઝાડુ પણ ન મૂકવું.
* ઇશાન દિશામાં બેસીને વાદવિવાદ, ઝઘડો, બૂમાબૂમ ટાળવી.
* ઇશાન દિશામાં શક્ય તેટલી ખુલ્લી જગ્યા રાખવી. પાણી ભરેલું માટલું રાખવું.
* ઇશાન બાજુની બાલ્કની ક્યારેય પણ બંધ કરાવવી નહીં તેમ કરવાથી ભાગ્ય રૃંધાય છે.
* પ્રાતઃકાળે સ્નાન કરીને પૂર્વ દિશામાં સૂર્યનારાયણની પૂજા કરવી, તુલસીને પાણી નાખવું, તેથી આયુષ્ય વધે છે. આરોગ્ય સારું રહે ને જીવનમાં સારાં કાર્યો થાય.
* ઘરમાં એકાદ તુલસીનો છોડ હોવો જોઈએ. જે ઘરમાં તુલસી આપોઆપ આવે, ફૂલે ને ફળે તે વાસ્તુ (ઘર)પવિત્ર હોય છે. જે વાસ્તુમાં તુલસી ટકે નહીં તે વાસ્તુમાં કોઈ દોષ હોવાની શક્યતા રહે છે. તુલસી તરફ દુર્લક્ષ ન રાખવું જોઈએ. પાણી વગરની, દેખરેખ વગરની તુલસી ઘરમાં હોય ત્યાં કંઈક અનિષ્ટ થઈ શકે છે એમ સમજવું.
* ચાલુ ઘડિયાળ વગર કારણે વારંવાર બંધ પડે તો એ અશુભ નિશાની છે. ઘરમાં લોલકનું એકાદ ઘડિયાળ અવશ્ય હોવું જોઈએ. જેની જન્મ પત્રિકામાં રવિ-શનિ અથવા શનિ-ચંદ્ર છે તેમણે વધુ કાળજી લેવી.
* અગ્નિને અગ્નિ દિશામાં પેટાવવાથી અગ્નિ દેવતા કોપાયમાન થતા નથી. અગ્નિ દિશામાં પાણીનો સંગ્રહ કરવો નહીં તેનાથી આરોગ્ય બગડે છે.
* રસોઈ કરતી વખતે ગૃહિણીનું મુખ પૂર્વ તરફ રહે તે રીતે રસોડું બનાવવું જોઈએ.
* સોફાસેટ, લોખંડનું કબાટ, ગ્રાઇન્ડર, લોખંડના હથિયાર એવી ભારે વસ્તુઓ દક્ષિણ તરફથી પશ્ચિમ તરફ ઊતરતી ઊંચાઈ પર ગોઠવવી.
* પૂજાસ્થાન કે મંદિર બને ત્યાં સુધી રસોડામાં ન રાખવું. તેમજ પૂજાસ્થાન નીચે કે ઉપર બોજો અથવા સામાન મૂકવો નહીં. રસોડામાં પૂજાસ્થાનની પવિત્રતા સચવાતી નથી.
* દક્ષિણ અને પશ્ચિમ તરફના દરવાજાનો વપરાશ શક્ય તેટલો ઓછો કરવો. શક્ય હોય તો વપરાશ બંધ રાખવો.
* દિવસના ૨૪ કલાકમાં ૮ કલાક વિશ્રાંતિની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વના છે. શયનકક્ષ ઇશાન કે પૂર્વમાં ન રાખવો. અગ્નિ દિશામાં પણ ન રાખવો. ૨૪ કલાક સ્ત્રી ઘરમાં હોય છે, તેથી વાસ્તુની અસર તેના પર વધારે હોય છે.
* ઊંઘતી વખતે દક્ષિણ દિશામાં પગ રાખવા નહીં. મગજમાં લોહીનો પુરવઠો અનિયમિત થવાથી આખો દિવસ બેચેની રહે છે. શારીરિક કે માનસિક સમતોલન બગડે છે તથા અસાધ્ય રોગ થાય છે.
* ઉત્તર તરફનાં બારી-બારણાં ખુલ્લાં જ રાખવાં. પૂર્વની જેમ જ ઉત્તર તરફની બાલ્કની પણ બંધ ન કરવી.
* ભોજનકક્ષ પશ્ચિમ ખૂણામાં રાખવો.
* ધાન્ય (અનાજ)નો સંગ્રહ નૈઋત્ય દિશામાં કરવો.
* મુખ્ય દરવાજા પર કોઈ ને કોઈ મંગલ ચિહ્ન રાખવાથી વાસ્તુમાં રહેનારની સુરક્ષિતતા જળવાય છે. દા.ત., ઓમ, ગણપતિ, લક્ષ્મી, સ્વસ્તિક, મંગલ કળશ વગેરે.