કવર સ્ટોરી - જ્યોતિષાચાર્ય મનહરપ્રસાદ ભાવસાર
ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે જ્યારે આપણે પોતાના કે પોતાના પરિવારનું કોઈ કાર્ય કરવા માટે બહાર નીકળીએ છીએ ત્યારે વિવિધ પ્રકારની બાધાઓનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક બાધાઓ તો જાણમાં હોય છે, તો કેટલીક અકસ્માતે આવી જતી હોય છે અથવા તો જ્યારે આપણે પાંચ કામ લઈને ઘરની બહાર નીકળીએ ત્યારે તેમાંથી માંડ બે કે ત્રણ કામ કરી શકીએ છીએ. આવી બાધાઓને દૂર કરવા માટે અંકશાસ્ત્રમાં એક ખૂબ જ સરળ પ્રયોગ છે. જે ચોક્કસ સફળતા અપાવશે
આપ્રયોગ અંતર્ગત તમારી જન્મ તારીખને આધારે ભાગ્યાંક જાણવો પડશે. ત્યાર બાદ અલગ અલગ ભાગ્યાંક અનુસાર પોતાની બાધાઓને દૂર અથવા શાંત કરવા માટે યોગ્ય પ્રયોગ કરવો. તેનાથી ચોક્કસ બધી જ બાધાઓ દૂર થશે. ભાગ્યાંક કાઢવાની રીત નીચે પ્રમાણે છે.
જો કોઈ એક વ્યક્તિનો જન્મ તા. ૨૨-૧૦-૧૯૮૪ના દિવસે થયો હોય તો તે જાતકનો ભાગ્યાંક થશે ૨+૨+૧+૦+૧+૯+૮+૪=૨+૭=૯. આમ ભાગ્યાંક ૯ થશે. તે જ રીતે કોઈ પણ જન્મ તારીખ પરથી ભાગ્યાંક કાઢી શકાય છે. જુદા જુદા ભાગ્યાંક અને તેના માટેના લાભપ્રદ પ્રયોગો નીચે પ્રમાણે છે.
ભાગ્યાંક - ૧
જેમનો ભાગ્યાંક ૧ છે. તેમણે પોતાનાં ખીસા, પર્સ વગેરેમાં સફેદ રેશમી ચોરસ કપડામાં (કોઈ પણ કદનું ચાલે) લાલ રંગની, ગોટા કે ઝૂમખાવાળી કિનારી લગાવવી અને તમારા ભાગ્યાંકનો નંબર ૧ લખીને રવિવારની વહેલી સવારે મૂકી દો. તેને હંમેશાં પોતાની પાસે રાખવાથી યશ, વૃદ્ધિ થશે અને તમામ પ્રકારની બાધાઓ દૂર થશે.
ભાગ્યાંક- ૨
જેમનો ભાગ્યાંક ૨ છે તેમણે પોતાનાં પર્સ કે ખીસામાં નીલા રંગના રેશમી કપડામાં સફેદ રંગના ચમકીલા સ્ટાર લગાવીને સોમવારના દિવસે રાત્રીના સમયે મૂકવા. આમ કરવાથી જીવનની સમસ્ત બાધાઓ સમાપ્ત થશે.
ભાગ્યાંક- ૩
૩ ભાગ્યાંક હોય તે વ્યક્તિએ પોતાનાં પર્સ, ખીસા કે થેલીમાં પીળા રંગના રેશમી કપડામાં ચાંદીનો ચોરસ ટુકડો લપેટીને, પીળા દોરાથી બાંધીને ગુરુવારના દિવસે સવારે મૂકવો જોઈએ. તેનાથી બાધા દૂર થઈને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.
ભાગ્યાંક- ૪
જેમનો ભાગ્યાંક ૪ હોય તેમણે પોતાનાં ખીસા કે પર્સમાં બદામી રંગના રેશમી કપડામાં ચાર દાણા કાળા મરી બાંધીને શનિવારના દિવસે સાંજે રાખવા જોઈએ. તેનાથી ભાગ્યાંક ૪ વાળાઓના તમામ અંતરાયો દૂર થવાનું શરૂ થઈ જશે.
ભાગ્યાંક- ૫
૫ ભાગ્યાંકવાળા લોકોએ પોતાનાં પર્સ, થેલી કે ખીસામાં લીલા રંગના રેશમી કપડામાં તાંબાનો કાણો સિક્કો લપેટીને લીલા દોરાથી બાંધીને રાખવો જોઈએ. બુધવારના દિવસે બપોરે તેને પર્સ કે ખીસામાં રાખવાથી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.
ભાગ્યાંક- ૬
જેમનો ભાગ્યાંક ૬ હોય તેમણે પોતાનાં ખીસા કે પર્સમાં ગુલાબી રંગના રેશમી કપડામાં સફેદ ચમકદાર દોરાથી ૬ અંક લખીને શુક્રવારના દિવસે સવારના સમયે રાખો અને ત્યાર બાદ કોઈ પણ સફેદ મિઠાઈનું સેવન કરો. આમ કરવાથી તમામ બાધાઓ દૂર થઈને સુખની પ્રાપ્તિ થશે.
ભાગ્યાંક- ૭
૭ ભાગ્યાંકવાળા લોકોએ પોતાનાં પર્સ કે ખીસામાં સોનેરી રંગનું રેશમી કપડું લઈને પીળી સરસવ નાખીને ગાંઠ મારી દેવી અને ગુરુવારના દિવસે સવારના સમયે મૂકવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈને લાભ મળે છે.
ભાગ્યાંક- ૮
ભાગ્યાંક ૮ વાળા લોકોએ પોતાનાં ખીસા, થેલી કે પર્સમાં પીળા રંગના રેશમી કપડામાં આખા ચોખાના ૨૧ દાણા મૂકીને તેને લપેટી દેવું તથા સફેદ દોરાથી બાંધી દેવું. શનિવારના દિવસે સવારના સમયે તેને પર્સમાં મૂકવાથી અંતરાયો દૂર થશે અને કાર્ય શીઘ્ર પૂરું થશે.
ભાગ્યાંક- ૯
જેમનો ભાગ્યાંક ૯ હોય તેમણે પોતાનાં ખીસા તથા પર્સમાં લાલ રંગના રેશમી કપડામાં સફેદ દોરા વડે ત્રિશૂળની આકૃતિ બનાવીને મંગળવારની સાંજે મૂકવું. તેનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
એક બાબતનું ધ્યાન રાખવું કે ભાગ્યાંકના ઉપરોક્ત તમામ પ્રયોગ સુદ પક્ષના પખવાડિયામાં કરવાથી શીઘ્ર ફળ પ્રાપ્ત થાય છે. એક વાર પ્રયોગ કર્યા પછીના છ માસ બાદ તેને જળમાં પ્રવાહિત કરીને ફરીથી આ જ વિધિને અનુસરવું. આ પ્રયોગો ખૂબ જ અસરકારક છે.