રાજુલા, તા.૪
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે આવેલા તળાવનું પાણી ઝડપભેર સુકાઈ રહ્યું હોય આ તળાવમાં રહેતા ૫૦ જેટલા કાચબા મોતને ભેટવાનો ભય ઉભો થયો છે. આ ઉપરાંત તળાવ આસપાસ વસતા પરપ્રાંતીયો દ્વારા કાચબાનો શિકાર થતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
- પરપ્રાંતીયો દ્વારા કાચબાનો શિકાર થતો હોવાની ઉઠેલી બૂમ
લોઠપુર ગામે આવેલા તળાવમાં ૫૦ જેટલા કાચબા રહે છે.
હાલ આ તળાવમાં પાણી સુકાઈ રહ્યું છે અને એક નાના ખાબોચીયા જેટલું જ પાણી બાકી રહ્યું છે, આ પાણી પણ દસેક દિવસમાં સુકાઈ જશે. જેથી આ તળાવમાંના કાચબા મોતને ભેટવાનો ભય તોળાય રહ્યો છે. પાણી સુકાવાના કારણે કાચબાઓ કાંઠા તરફ આવતા અહીં રહેતા પરપ્રાંતીયો કાચબાનો શિકાર કરતા હોવાનું ગામવાસીઓ જણાવી રહ્યાં છે.
આવું જ તળાવ લુણસાપુર ગામે આવેલું છે. તે તળાવમાં પણ કાચબાઓ રહે છે. આ તાળવોના કાચબાઓ પાણી વગર મોતને ભેટે કે પરપ્રાંતીઓનો શિકાર બને તે પહેલાં તેના બચાવની કાર્યવાહી હાથ ધરવાની માગણી ઉઠી છે.
થર્મલ પાવર પ્લાન્ટથી ભય
જાફરાબાદના લુણસાપુર તથા લોઠાપુર વચ્ચે થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની હિલચાલ છે. આ વિસ્તારમાં આશરે એકાદ હજાર કાચબાઓનો વસવાટ છે અને યાયાવર પક્ષીઓ પણ મોટા પ્રમાણમાં આવે છે. આ પ્લાન્ટ સ્થપાય તો અહીંના પર્યાવરણને નુકશાન થવાનો ભય વ્યકત કરાઈ રહ્યો છે.