મોરબી તા. ૪
મોરબીના રંગપર ગામે સરકારી કાર્યક્રમમાં ગયેલ આંગણવાડી કાર્યકરની ગેરહાજરીમાં ઘેર એકલી રહેલી મુકબધીર તરૂણી ઉપર વાસનામાં અંધ બનેલા કૌટુંબિક કાકાએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે તેને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.
- માતાની ગેરહાજરીમાં ઘેર એકલી રહેલી તરૂણી બની હેવાનીયતનો શિકાર
મોરબી તાલુકાના રંગપર ગામે રહેતી ગરાસીયા વિધવા આંગણવાડીમાં કામ કરી પોતાનું અને મુકબધીર તરૂણવયની પુત્રીનું ગુજરાન ચલાવે છે. તા. ૩૧ ના રોજ રાજકોટ ખાતે યોજાયેલ મુખ્યમંત્રીના સરકારી કાર્યક્રમમાં તેણીને જવાનું થયું હતું અને પાછળથી મુકબધીર તરૂણી એકલી ઘરે હતી ત્યારે ગામમાં જ રહેતા તરૂણીના કૌટુંબિક કાકા જશુભા બટુકભા ઝાલાના મનમાં વાસનાનો કીડો સળવળતા તે તરૂણીના ઘેર પહોંચ્યો હતો અને તરૂણીના મો ઉપર રૂમાલ બાંધી પાશવી બળાત્કાર ગુજારી નાસી છુટયો હતો.
રાજકોટથી પરત ફરેલ માતા સમાજની શરમે ત્રણેક દિવસ ચુપ રહયા બાદ ગઈકાલે મોડી સાંજે બનાવ અંગે જશુભા બટુકભા ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરૂણીનું મેડિકલ ચેકઅપ કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી. બળાત્કારી કાકાને આજે સવારે ઝડપી લઈ તેના પણ મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી હતી.
વાસનામાં ભાન ભુલી સંબંધોની મર્યાદા અભડાવનાર કાકા સામે મોરબી પંથકમાં ફીટકારની લાગણી વરસી છે.