જામનગર તા.૪
જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયનને જામપાના સહયોગથી નવા સાજ શણગાર કરવામાં આવી રહયા છે. રાજય સરકારની લાંબા સમયથી થયેલી વિકાસની જાહેરાત લોલીપોપ સાબીત થયા બાદ જામનગર ખાતે રાજયની તમામ મહાપાલિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટના પગલે જામપાએ તાબડતોબ ક્રિકેટ બંગલાને રમવા લાયક બનાવ્યો છે. જેનાથી ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે.
- પેવેલિયનને રંગરોગાન અને મેદાનને સમથળ કરાયું : એક સપ્તાહથી રાત-દિવસ એક કરી થતી કામગીરીથી મેદાન પુનઃ રમવા જેવું થયું
ભારતીય ક્રિકેટના જન્મદાતા એવા જામ રણજીએ ઉભુ કરેલુ અજીતસિંહ પેવેલીયન અને ક્રિકેટ બંગલા તરીકે ઓળખાતુ જામનગરનું ઐતિહાસિક મેદાન યોગ્ય જાળવણીના અભાવે તહતનહસ થઈ ગયું છે. લાંબા સમયથી આ ક્રિકેટ મેદાનના વિકાસની વાતો થઈ રહી છે. ત્રણેક મહિના અગાઉ તો રૂ.૧.પ૦ કરોડના ખર્ચે મેદાનમાં સુવિધાઓ વધારવાની યોજના પણ જાહેર કરવામાં આવી હતી. જો કે આ અંગે હજુ સુધી કોઈ હિલચાલ શરૂ થઈ નથી. દરમિયાન ચાલુ વર્ષે આંતર મહાપાલિકાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ જામનગરના આંગણે રમાવાની છે. જેનું યજમાન જામનગર મહાનગરપાલિકા બન્યું છે.
તા.૯ એપ્રિલથી રાજયની તમામ મહાપાલિકાઓના નગરસેવકોની તથા કમિશનર ઈલેવન ટીમ ક્રિકેટ બંગલા ખાતે નાઈટ ટુર્નામેન્ટ રમવાની છે. જેના માટે જામપાએ યુધ્ધના ધોરણે આ ગ્રાઉન્ડને રમવા લાયક બનાવવાનું અભિયાન શરૂ કર્યુ છે. મેદાનની ફરતે ઉગી નીકળેલા નકામા ઘાસને સફાચટ કરી દેવાયું છે. રર ડમ્પર મોરમ-માટી નાખીને મેદાનને સમથળ બનાવાયું છે. છેલ્લા એક સપ્તાહથી સતત વોટરીંગ કરીને ગ્રાઉન્ડને લીલુછમ બનાવવાના પ્રયત્નો શરૂ કરાયા છે. તો છેલ્લા એકાદ વર્ષથી બીનઉપયોગી બનાવી દેવાયેલી પાંચ પૈકીની ચાર સેન્ટ્રલ પીચને નવેસરથી રમવા લાયક બનાવવામાં આવી રહી છે.
સૌથી મહત્વના પગલા પૈકી અજીતસિંહ પેવેલીયનને નવા રંગરોગાન કરવામાં આવ્યા છે. એટલે સુધી કે અજીતસિંહ પેવેલીયન લખેલા અક્ષરો પણ તુટીફુટી ગયા હતા. જેને પણ નવેસરથી બનાવાયા છે. મેદાનમાં રાત્રિ ક્રિકેટ માટે લાઈટની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.આ બધી કામગીરી જામનગર મહાનગર પાલિકાએ કરી છે. તમામ ખર્ચો પણ જામપાએ ઉઠાવ્યો છે. જેના પરિણામે ઐતિહાસિક ક્રિકેટ મેદાન ફરી એકવાર રમવા લાયક બની ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની આ ક્રિકેટ ધરોહરનો કબજો રાજય સરકાર હસ્તક છે. જેના નામથી દેશભરમાં ફર્સ્ટકલાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય છે, તે રણજીના ગામમાં આ ટુર્નામેન્ટની મેચ રમાડી શકાતી નથી. કારણકે અહીં પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે. આ સ્થિતિમાં જામનગરના મેદાનને મહાપાલિકાને સોંપી દેવાની વર્ષોથી માંગણી થઈ રહી છે. જે ઠુકરાવાતી આવી છે. જેના પરિણામે આ મેદાન માત્ર નામનું રહી ગયું છે. જામપાએ એક સપ્તાહમાં જે કામ કરી બતાવ્યું તે રાજય સરકાર દાયકાઓથી કરી શકી નથી. ક્રિકેટના મેદાનની દૈનિક ધોરણે જાળવણી પણ થવી જોઈએ જે સ્થાનિક સંસ્થા જ કરી શકે.
રાજકોટનું રેસકોસ ગ્રાઉન્ડ પણ મહાપાલિકા હસ્તક હોવાથી જળવાયેલુ છે અને ત્યાં આંતરરાષ્ટ્રીય મેચો પણ રમાડી શકાય છે. હાલ મુખ્યમંત્રી મહાપાલિકાઓને ખોબલા મોઢે ગ્રાન્ટ આપે છે. તેના સદુપયોગથી જામપા આ મેદાનની કાયાલપટ કરી શકે તેમ છે. તેમજ વર્તમાન શાસકોના ક્રિકેટ પ્રેમને ધ્યાને લેવામાં આવે તો નિઃશંકપણે આ મેદાનનો વિકાસ થઈ શકે તેમ છે.
કંપનીઓ રસ લે તો બધુ થાય...!!!
ક્રિકેટ બંગલો સિવાય પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ એક ક્રિકેટ ગ્રાઉન્ડ છે જે જોવાલાયક છે. આ ગ્રાઉન્ડના વિકાસમાં એક ખાનગી કંપનીએ રસ લીધા પછી અને વિભાગ દ્વારા સતત થઈ રહેલી જાળવણીથી આ મેદાન રમવા લાયક બની રહયુ છે. આ જ પ્રકારે ક્રિકેટ બંગલાના વિકાસ માટે પણ જો કોઈ ખાનગી કંપની રસ લે તો જામનગરનો ક્રિકેટ ઈતિહાસ ફરી એકવાર જીવંત થઈ શકે તેમ છે.