રાજકોટ,તા,૪:
જૂનાગઢ જિલ્લામાં તા.૬ને શુક્રવારના રોજ હનુમાન જયંતીની ભકિતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ તકે સુંદરકાંડના પાઠ, ધ્વજારોહણ, બટુકભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
- સુદરકાંડના પાઠ, બટુકભોજનનું આયોજન
ઉનાઃ ઉનાના સૂર્યમુખી હનુમાન મંદિર, તપોવન આશ્રમ, વાજડી હનુમાન મંદિર, રોકડીયા હનુમાન મંદિર બટુક હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી થશે. સવારે ધ્વજારોહણ, મહાઆરતી, બટુકભોજન, સાંજે સત્યનારાયણની કથા, ફૂલપૂજા યોજવામાં આવશે. રામધૂન અને સુંદરકાંડના પાઠ થશે.
ધોરાજીઃધોરાજીના દરબારગઢ ખાતે આવેલ બાલયોગી હનુમાન મંદિરે હનુમાન જયંતી મહોત્સવ નિમિતે ૧૧૧ હનુમાન હોમાત્મક મહાયજ્ઞા, લોકડાયરો, મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જૂનાગઢઃ જૂનાગઢ શહેરના પંચહાટડી ચોક ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિરે આગામી તા.૬ ના રોજ હનુમાન જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૬ કલાકે મંગળા આરતી, ૭ કલાકે ચોલા શ્રૃંગાર, ૧૦:૩૦ સુધી ભાવિકો માટે પૂજા અને ત્યારબાદ દાદાને થાળ ધરવામાં આવશે. રાત્રે ૯ વાગ્યા સુધી થાળના દર્શન થશે. ઉજવણી માટે પૂજારી વસંતબાપુના માર્ગદર્શન હેઠળ કાર્યકરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.