રાજકોટ તા.૪ :
નાણામંત્રીએ આયાતી સોના પર બે ટકામાંથી ચાર ટકા જકાત કરતા અને બ્રાન્ડેડ સોનાના દાગીના પર એક ટકો એકસાઈઝ ડયુટી લાદવાનો નિર્ણય લેતા અને બે લાખથી વધુ રકમની રોકડમાં સોનાના દાગીનાની કે, સોનાની ખરીદી પર ટીડીએસ લાદતા દેશભરના સોનીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે.
- ગામેગામ સુવર્ણકારોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ ચાલુ રાખ્યો
સૌરાષ્ટ્ર સહિત દેશભરના સુવર્ણકારોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આમ છતાં કેન્દ્ર સરકાર પર કે નાણા મંત્રી પર કોઈ અસર ન પડતા અને બજેટ જોગવાઈમાં કોઈ રાહત ન આપતા રાજકોટમાં તીવ્ર પડઘા પડયા છે. રાજકોટમા ગત સોમવારથી ૧૫ સોની વેપારીઓ અને કારીગરો શહેરના પેલેસરોડ પર આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. આ આંદોલનને ગામેગામ ચીનગારી લાગી ગઈ છે. આજે બહારગામથી આવેલા આશરે ૫૨૫ સુવર્ણકારોએ આમરણાંત ઉપવાસીઓના ટેકામાં ધરણા કર્યા હતા. તેમજ બહારગામ તમામ સુવર્ણકારોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.
રાજકોટ : અહી કોઠારિયા નાકા ધરણા છાવણીમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યુ છે. આજે બગસરા સાવરકુંડલા, જુનાગઢ માથક અમરેલી, જામખંભાલિયા, ભાટિયા સહિતના અનેક ગામોના સુવર્ણકારો રાજકોટમાં ઉમટી પડયા હતા. અને આશરે ૫૨૫ જેટલા સુવર્ણકારોએ ધરણા કર્યા હતા. તેમજ રાજકોટના ઉપવાસીઓને નૈતિક બળ પુરૂ પાડી આ લડત જયાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ચાલુ રાખવા મકકમ નિરધાર કરવામાં આવ્યો હતો. છાવણીમાં સુબોધ રાધનપરા તેમજ કાનપુરના વિનોદભાઈ દિક્ષિત ભુદરકાકા અને પુનિતાબેન પારેખે હાજર રહી ્નૈતિક બળ પુરૂ પાડયું હતુ.
ધોરાજી : આજે વીસમા દિવસે સુવર્ણકારોએ કાળા કાયદાના વિરોધમાં ધંધા રોજગાર બંધ રાખી વિરોધ વ્યકત કર્યો હતો. સોનાચાંદી વેપારી એસો.ના પ્રમુખ રમેશ રાજપરાના આગેવાની હેઠળ રાજકોટ ખાતે ચાલતા અનશન છાવણીમાં જવા રવાના થયા હતા. આ ઉપરાંત સ્થાનિક સાંસદ વિઠલભાઈ રાદડિયાને સુવર્ણકારોએ આવેદનપત્ર આપી આ પ્રશ્નનો ઉકેલ લાવવા રજુઆત કરી હતી.
ઉપલેટા : ઉપલેટા સોના ચાંદી સુવર્ણકાર એસોસિએશન દ્વારા ભારે રોષ સાથે છેલ્લા ઓગણીસ દિવસથી આંદોલન ચાલી રહયુ છે. રાજકોટની જેમ અહીં પણ જુની સોની બજારમાં ઉપવાસી છાવણી માં દશ વેપારીઓ ઉપવાસ પર ઉતર્યા છે.જેમાં વ્રજલાલ માંડવીયા, જયસુખભાઈ માંડલીયા, છોટુભાઈ માડલીયા, નીલેશભાઈ કારેલીયા, પ્રેમજીભાઈ નાંઢા અને વિજય મરાઠા વિગેરેનો સમાવેશ થાય છે. એસો.પ્રમુખ અમીત શેઠના જણાવ્યા મુજબ જયાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ રહેશે. આજે ઉપવાસી છાવણીની મુલાકાતે નગરપાલિકા સદસ્ય જયેશભાઈ ત્રિવેદી અને નીતિનભાઈ તેમજ શહેરના આગેવાનો આવ્યા હતા.
જોડિયા : ગઈ કાલે ધ્રોલ જોડિયા અને હડિયાણા આમરણ વિસ્તારના સુવર્ણકારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાળી પટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વિશાલ પાલા અન નયન આડેસરા હાજર રહયા હતા. કાળો કાયદો દુર કરવા માટેની માંગણી સાથે આવેદનપત્ર મામલતદારને એનાયત કર્યુ હતુ.
સાવરકુંડલા : આંદોલનના પગલે આજે પણ સુવર્ણકારોએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.