અમદાવાદ, તા. ૫
રિઝર્વ બેન્કની ધિરાણનીતિ ૧૭ એપ્રિલે જાહેર થઇ રહી છે. આરબીઆઇએ અગાઉની ધિરાણનીતિની જાહેરાત વખતે વ્યાજદરોમાં ઘટાડો થવાના સંકેતો આપેલા છે, આ સંજોગોમાં જો લોન સસ્તી થાય તો રિયલ એસ્ટેટમાં માગ વધે તેવી પૂરી શક્યતા રિયલ્ટી એક્સપટ્ર્સ જોઇ રહ્યા છે.ૉ, જોન્સ લેંગ લાસલે મેઘરાજના રિસર્ચ વિભાગના સિનિયર મેનેજર હિમાદ્રી મયંકે જણાવ્યું કે, કેટલીક બેન્કોએ હોમલોનના રેટમાં ઘટાડાની શરૂ આત કરી દીધી છે, આ સંજોગોમાં ધિરાણનીતિમાં લોેન સસ્તી થવાની જાહેરાત કરવામાં આવે તો મકાનોની માગમાં વધારો થશે. હોમલોન સસ્તી થતાં આગામી છ માસમાં મકાનોના ભાવમાં વધારો થઇ શકે છે એમ તેમણે જણાવ્યું હતું.
આઇડીબીઆઇએ હોમલોનની ફ્લોટિંગ રેટની સ્કીમમાં પોણો ટકાનો ઘટાડો કર્યો છે. રૂ . ૨૫ લાખની હોમલોન પર પા ટકા, રૂ . ૨૫થી ૭૫ લાખની હોમલોન પર અડધો ટકો અને અને તેનાથી વધુ રકમની લોન પર પોણો ટકા વ્યાજદર ઘટાડાનો અમલ શરૂ કરી દીધો છે. એસબીઆઇએ પણ તાજેતરમાં વ્યાજખર્ચમાં બચત થાય એ પ્રકારની હોમલોન સ્કીમ મૂકી છે.
સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોરે જૂના ગ્રાહકોને પણ ઓછા વ્યાજદરવાળા ઓપ્શનમાં સ્વિચઓવર થવાની સુવિધા જાહેર કરી છે. કેનેરા બેન્કે હોમલોનનો વ્યાજદર ઘટાડીને ૧૦.૭૫થી ૧૧.૨૫ ટકા કર્યો છે. બેન્કે ૩૦થી ૭૫ લાખ સુધીની લોનમાં ૦.૨૫થી ૦.૭૫ ટકાનો ઘટાડો કર્યો છે. ૧૭ એપ્રિલે જાહેર થનારી ધિરાણનીતિમાં વ્યાજદરમાં ઘટાડો થવાની આશા સેવાઇ રહી છે.
૨૦૧૧માં વેચાણો ધીમાં પડયાં, બેલેન્સશીટમાં દેવાંનું પ્રમાણ વધી ગયું તેમ છતાં ડેવલપર્સ માર્કેટ ક્રેશનો ભોગ બનવામાંથી બચી ગયા છે તે હકીકત છે, જોકે રિયલ્ટી એક્સપર્ટ્સના મતે પર્યાવરણના સંદર્ભે ઊંચો ઇનપુટ ખર્ચ, સિમેન્ટ, સ્ટીલ, ઇંટ, રેતી સહિતનાં તમામ બિલ્ડિંગ મટિરિયલ્સના ભાવ ઊંચા જવાનાં કારણે મકાન સસ્તું કરવાનું પોસાય એમ જ નથી, આથી મકાનોના ભાવમાં મોટા કડાકાને કોઇ અવકાશ નથી.
- બેન્કોએ હોમલોનના વ્યાજદર ઘટાડવાની શરૂ આત કરતાં છએક માસમાં મકાનોના ભાવ વધી શકે
- બિલ્ડરો પર દેવું હોવા છતાં માર્કેટ ક્રેશનો ભોગ બન્યા નથી તે સારો સંકેત
જોન્સ લેંગના અભ્યાસમાં જણાવાયું છે કે સાત મોટાં શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં સરેરાશ આઠથી દસ ક્વાર્ટર દરમિયાન મકાનો વેચાવાનો રેટ જોતાં પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધીમાં મકાનો વેચાઇ જાય છે, આ સંજોગોમાં હોમલોનના વ્યાજદરો ઘટશે તો છ માસ પછી રિયલ એસ્ટેટમાં ભાવ વધતા જોવા મળે તો નવાઇ નહીં. ગુજરાતમાં ડિસેમ્બર-૨૦૧૧ સુધીમાં બેન્કો દ્વારા હાઉસિંગ સેક્ટરને રૂ . ૧૪,૦૬૩.૧૧ કરોડની લોનો આપવામાં આવી છે, હવે જો હોમલોન વધુ સસ્તી થાય તો મકાનોની માગ વધશે.